આઇપીએલમાં ત્રણ વખતની ચેમ્પિયન ચેન્નાઈ-દિલ્હી વચ્ચે ટક્કર

0
4

આઇપીએલમાં આવતીકાલે ચેન્નાઈ સુપરકિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટક્કર થશે. આમ એક રીતે જોવા જઇએ તો ગુરુ ધોની અને શિષ્ય પંત વચ્ચે ટક્કર થશે. ચેન્નાઈ સુપરકિંગ્સ આઇપીએલમાં ત્રણ વખત ચેમ્પિયન બની ચૂકી છે તો દિલ્હી કેપિટલ્સ ગયા વખતે આઇપીએલની ફાઇનલમાં પહોંચી હતી. આમ એકબાજુએ જોશથી સરભર યુવા પંત અને કેપ્ટન કૂલ ધોની વચ્ચેની ટક્કર જોવાનો લ્હાવો જ કંઇક અલગ હશે.

ત્રણ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપરકિંગ્સ માટે ગયા વખતની સીઝન ભૂલી જવા જેવી હતી. તે આઠ ટીમમાં સાતમા સ્થાને આવી હતી. તે હવે આઇપીએલ ૨૦૨૦ને ભૂલીને વિજયી પ્રારંભ કરવા માટે મથશે. શ્રેયસ ઐયર ઇજા પામતા કેપ્ટન તરીકે નીમાયેલો પંતે જણાવ્યું હતું કે તે પોતે ધોની પાસેથી શીખેલા પદાર્થપાઠ તેની સામે જ અમલમાં મૂકશે.

તેણે કહ્યું હતું કે મારી કેપ્ટન તરીકેની પ્રથમ મેચ મારા આદર્શ મહેન્દ્રસિંહ ધોની સામે છે. દિલ્હીની બેટિંગ લાઇનઅપ શિખર ધવન, પૃથ્વી શો, રહાણે અને સ્મિથ જેવા ખેલાડીઓના પગલે ઘણી મજબૂત છે. આઇપીએલ ૨૦૨૦માં ધવન ૬૧૮ રન કરી સૌથી વધુ રન કરનારાઓમાં બીજા ક્રમે હતો. તાજેતરમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલી વન-ડે શ્રેણીમાં પણ તે શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. જ્યારે શોએ વિજય હઝારે ટ્રોફીમાં ૮૨૭ રન ખડક્યા છે. આ જોતાં લાગે છે કે ધવન અને શો જ ઓપનિંગ કરશે.

કેપ્ટન પોતે હાર્ડ હિટિંગ બેટ્સમેન છે અને તે જબરજસ્ત ફોર્મમાં છે. તેને તેનું શાનદાર ફોર્મ જાળવી રાખવું ગમશે. દિલ્હીને આ ઉપરાંત ઓલરાઉન્ડર માર્ક સ્ટોઇનિસ, શિમરોન હેટમાયર અને સામ બિલિંગ્સ જેવા ખેલાડીનો પણ લાભ મળશે. આમ હવે તેણે ફક્ત મેચ માટે ટીમ કોમ્બિનેશન યોગ્ય રાખવાનું છે.

દિલ્હી પાસે બોલિંગ આક્રમણ પણ શાનદાર છે. ઇશાંત શર્મા, કાસિગો રબાડા, ઉમેશ યાદવ, ક્રિસ વોક્સ અને એનરિક નોર્ત્જે જેવા ખેલાડીઓ છે. જો રબાડા અને નોર્ત્જે પહેલી મેચ રમી ન શકે તો પણ દિલ્હી પાસે મજબૂત બોલિંગ આક્રમણ છે. આ ઉપરાંત તેની પાસે રવિચંદ્રન અશ્વિન અને અમિત મિશ્રા પણ છે. કોવિડ-૧૯ પોઝિટિવ હોવાના લીધે અક્ષર પટેલ નહીં રમી શકે.

ગયા વર્ષે આઇપીએલમાં ન રમનારા અનુભવી બેટ્સમેન સુરેશ રૈના ટીમ સાથે જોડાતા ચેન્નાઈની બેટિંગ વધુ મજબૂત બની છે. રૈનાના લીધે ટોપ ઓર્ડર વધારે મજબૂત બન્યો છે. તેની સાથે યુવા ખેલાડી ઋતુરાજ ગાયકવાડ, ફા ડુ પ્લેસિસ અને અંબાતી રાયડુ ટીમના ટોપ ઓર્ડરને નવી ઊંચાઈ બક્ષે છે. આ ઉપરાંત યુવા ઓલરાઉન્ડર સામ કરન અને સ્પિન ઓલરાઉન્ડર મોઇન અલી છે. તેની સાથે કેપ્ટન ધોની જેવો શાનદાર ફિનિશર છે, તેનાથી મિડલ ઓર્ડર મજબૂત બને છે.

બોલિંગ આક્રમણની ધુરા શાર્દૂલ ઠાકુર સંભાળશે, જે બેટિંગ પણ કરી શકે છે. તેની સાથ આપવા દીપક ચહર હશે. આ ઉપરાંત ડાબેરી સ્પિન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ હશે. વાનખેડે સ્ટેડિયમ જ્યાંનો ગ્રાઉન્ડ સ્ટાફ કોરોના પોઝિટિવ આવ્યો હતો ત્યાં રમાનારી આ મેચમાં પંતનો જોશ ધોની પર ભારે પડે છે કે કેપ્ટન કૂલ તેની આગવી રમતથી મેચને જીતશે તે જોવું રસપ્રદ રહેશે.

દિલ્હી કેપિટલ્સઃ રિષભ પંત (કેપ્ટન-વિકેટકીપર), શિખર ધવન, પૃથ્વી શો, અજિંક્ય રહાણે, શિમરોન હેટમાયર, માર્કસ સ્ટોઇનિસ, ક્રિસ વોક્સ, આર અશ્વિન, અમિત મિશ્રા, લલિત યાદવ, પ્રવીણ દુબે, કાસિગો રબાડા, એનરિક નોર્ત્જે, ઇશાંત શર્મા, અવેશ ખાન, સ્ટીવ સ્મિથ, ઉમેશ યાદવ, રિપલ પટેલ, વિષ્ણુ વિનોદ, લુકમાન મેરિવાલા, એમ સિદ્ધાર્થ, ટોમ કરન, સામ બિલિંગ્સ

ચેન્નાઈ સુપરકિંગ્સઃ મહેન્દ્રસિંહ ધોની (કેપ્ટન-વિકેટકીપર), સુરેશ રૈના, અંબાતી રાયડુ, કેએમ આસિફ, દીપક ચહર, ડ્વાઇન બ્રેવો, ફા ડુ પ્લેસિસ, ઇમરાન તાહિર, એન જગદીશન, કરણ શર્મા, લુંગી એન્ગિડી, મિચેલ સાંતનેર, રવિન્દ્ર જાડેજા, ઋતુરાજ ગાયકવાડ, શાર્દૂલ ઠાકુર, સામ કરન, આર સાઈ કિશોર, મોઇન અલી, કે ગૌધમ, ચેતેશ્વર પૂજારા, હરિશંકર રેડ્ડી, ભગત વર્મા, સી હરિ નિશાંત.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here