અમદાવાદઃ અમદાવાદની વાડીલાલ સારાભાઈ હોસ્પિટલના ઓર્થોપેડિક વોર્ડના ઓપરેશન થિયેટરમાં મંગળવારે શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી હતી. આ ઘટનાને પગલે ઓપરેશન રૂમમાં અફરાતફરી મચી ગઈ હતી. જો કે આ સમયે હોસ્પિટલના એક કર્મચારીએ સમયસૂચકતા વાપરી તેણે છ મહિના પહેલા મળેલી ટ્રેનિંગનો ઉપયોગ કરી ફાયર બ્રિગેડ આવે તે પહેલા જાતે માત્ર પાંચ મિનિટના સમયગાળામાં આગને કાબૂમાં લઈ લીધી હતી.
એલિસબ્રિજ પાસે વીએસ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરની બાજુમાં આવેલી બિલ્ડિંગમાં ત્રીજા માળે ઓર્થોપેડિક વોર્ડના ઓપરેશન થિયેટરમાં મંગળવારે સવારના લગભગ 9.45 વાગ્યે શોર્ટ સર્કિટના કારણે એસીમાં આગ ભભૂકી ઊઠી હતી. ઓપરેશન થિયેટરમાંથી નીકળતો ધુમાડો અંદર ફેલાતા આગ લાગ્યાની જાણ થતા સ્ટાફમાં નાસભાગ મચી ગઈ હતી. આ સમયે સાફસફાઈનું કામ કરતા દર્શન વાઘેલા પણ ત્યાં હાજર હતા, તેમણે ગણતરીની મિનિટોમાં આગ બુઝાવી દેતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ અંગે દર્શન વાઘેલાએ ભાસ્કરને જણાવ્યું હતું કે. ‘મેં છ મહિના પહેલા આગ કઈ રીતે ઓલવવી તેની ટ્રેનિંગ લીધી હતી. આગ લાગી હતી ત્યાં મેં જોયું તો એસીમાંથી આગના લપકા થઈ રહ્યા હતા. મેં તુરંત કર્મચારીઓને મદદે બોલાવી બધો સામાન ઝડપથી બહાર કઢાવ્યો અને નજીકમાં પડેલો આગ બુઝાવવાના બાટલો લઈ તેનાથી આગ બુઝાવી દીધી હતી. થોડીવારમાં ફાયરના કર્મચારીઓ પણ આવી પહોંચ્યા હતા જો કે તેમણે મેં આગ બુઝાવી દીધી હોવાનું જાણી મને અભિનંદન આપી પરત ફર્યા હતા.
ઓપરેશન થિયેટર ચાલુ હોત તો જાનહાનિ સર્જાત
સામાન્ય રીતે સવારના સમયમાં ઓપરેશન થિયેટરમાં દર્દીઓનું ઓપરેશન કરવામાં આવતું હોય છે. જો કે મંગળવારે કોઈ ઓપરેશન નહતું. જો ચાલુ ઓપરેશને આગ લાગી હોત તો જાનહાનિ સર્જાત તેવું હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું.