Wednesday, September 22, 2021
Homeટિપ્સ : ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 30 સપ્ટેમ્બર સુધી લંબાવી...
Array

ટિપ્સ : ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 30 સપ્ટેમ્બર સુધી લંબાવી દીધી

આવકવેરા વિભાગે નાણાકીય વર્ષ 2020-21 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની ડેડલાઈન 30 સપ્ટેમ્બર સુધી લંબાવી દીધી છે. પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે, રિટર્ન ફાઈલ કરવા માટે છેલ્લી તારીખની રાહ ન જોવી જોઈએ. બને એટલું તમારે જલ્દી રિટર્ન ફાઈલ કરવું જોઈએ. ITR ફાઈલ કરતી વખતે તમારે કેટલીક જરૂરી સાવધાની રાખવી જોઈએ. કેમ કે, ભૂલ થવાથી તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

સાચું ITR ફોર્મ પસંદ કરો
આવકવેરા વિભાગે અનેક ITR ફોર્મ બહાર પાડ્યાં છે. તમારે તમારી આવકનાં સાધનોના આધારે તમારું ITR ફોર્મ કાળજીપૂર્વક પસંદ કરવાનું રહેશે. નહીં તો ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તેને રિજેક્ટ કરી શકે છે અને તમને ઈન્કમ ટેક્સ સેક્શન 139(5) હેઠળ સુધારેલું રિટર્ન ફાઈલ કરવાનું કહેવામાં આવશે. ઉદાહરણ તરીકે, જેમનો પગાર, પ્રોપર્ટીનું ભાડું, અને અન્ય સોર્સમાંથી આવક 50 લાખ સુધીની છે તો તે ITR-1 સહજ ફોર્મ ભરી શકે છે. તેમજ તેનાથી વધુ આવકવાળા લોકોએ ITR-2 ફોર્મ ભરવાનું હોય છે.

આવક વિશે સાચી માહિતી આપો
હંમેશાં તમારી આવક વિશે સાચી માહિતી આપો. જો તમે ઇરાદાપૂર્વક અથવા આકસ્મિક રીતે તમારી આવકના બધા સ્રોત નથી બતાવતા તો તમને આવકવેરા વિભાગની નોટિસ આવી શકે છે. બચત ખાતાનું વ્યાજ અને મકાન ભાડામાંથી થતી આવક જેવી માહિતી પણ આપવાની રહેશે. કેમ કે, આવક પણ ટેક્સ અતંર્ગત આવે છે.

જૂની અને નવી ટેક્સ વ્યવસ્થામાંથી તમારા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો
કરદાતાઓને ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાના બે ઓપ્શન મળે છે. 1 એપ્રિલ 2020ના રોજ નવો ઓપ્શન આપવામાં આવ્યો હતો. નવા ટેક્સ સ્લેબમાં 5 લાખ રૂપિયાથી વધારેની આવક પર ટેક્સના દર ઓછા રાખવામાં આવ્યા છે, પરંતુ ડિડક્શન પાછું ખેંચી લેવામાં આવ્યું છે. તેમજ જો તમે જૂનો ટેક્સ સ્લેબ પસંદ કરો છો તો તમને ઘણા પ્રકારના ટેક્સ ડિડક્શનનો ફાયદો મળે છે.

બેંક ખાતાની માહિતી અચૂક ભરવી
ઘણા લોકો પોતાના તમામ બેંક ખાતાની જાણકારી નથી ભરતા, જેનાથી તેમને તે નાણાકીય વર્ષમાં લેવડદેવડ કરી છે. આવું કરવું ખોટું છે, કેમ કે આવકવેરા વિભાગે પોતાના કાયદામાં સ્પષ્ટ રીતે કહ્યું છે કે, ટેક્સપેયર્સે પોતાના નામે રજિસ્ટર્ડ તમામ બેંક ખાતાની જાણકારી આપવી જરૂરી છે.

ફોર્મ 26AS ફોર્મ ડાઉનલોડ કરો અને તમારી આવક તેની સાથે મેચ કરો
ફોર્મ 26AS અથવા ટેક્સ ક્રેડિટ સ્ટેટમેન્ટ તમારી આવક પર કાપવામાં આવેલા TDSની ચૂકવણી વિશેની બધી માહિતી આપે છે. ટેક્સ રિફંડનો દાવો કરતા પહેલાં તેને એકવાર ચેક કરો. ટેક્સપેયરને ઈન્કમ ટેક્સ રિટર્ન ભરતા પહેલાં Form 26AS અને Form 16/16A સાથે ઈન્કમ મેચ કરવા માટે કહેવામાં આવે છે. તે તમને ટેક્સ કેલ્ક્યુલેશનમાં કોઈપણ પ્રકારની ભૂલથી બચાવશે. જેથી, તમે યોગ્ય ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકશો.

ટેક્સ રિટર્ન વેરિફાય કરો
ઘણા લોકોને એવું લાગે છે કે, ટેક્સ રિટર્ન ભર્યા પછી તેમનું કાર્ય પૂરું થઈ ગયું છે. પરંતુ તમારે ટેક્સ રિટર્ન ફાઈલ કર્યા પછી તેને એકવાર ચેક કરવું પડશે. તમે તમારા આવકવેરાના ઈ-ફાઈલિંગ પોર્ટલથી તમારું ટેક્સ રિટર્નને ઈ-વેરિફાય કરી શકો છો અથવા CPC-બેંગલુરુ મોકલીને પણ તેને વેરિફાય કરાવી શકો છો.

વ્યક્તિગત જાણકારી સાચી આપો
તમારી બધી સાચી માહિતી ITR ફોર્મમાં ભરો. ધ્યાનમાં રાખો કે તમારા નામનો સ્પેલિંગ, સંપૂર્ણ સરનામું, ઇ-મેલ, કોન્ટેક્ટ નંબર જેવી માહિતી તમારા પેન, ITR અને આધારમાં એકસરખી જ હોવી જોઈએ. એ જ મોબાઈલ નંબર દાખલ કરો કે જેના પર SMS આવી શકે. જો તમે ખોટી માહિતી આપશો તો રિફંડ મળવામાં સમસ્યા ઊભી થશે.​​​​​​​

તહેવાર અને અન્ય કોઈ પ્રસંગે મળેલી ગિફ્ટની જાણકારી આપો
જો તમને તહેવાર અથવા અન્ય કોઈ પ્રસંગે ગિફ્ટ મળે છે તો તમારે અલર્ટ રહેવાની જરૂર છે નહીં તો તમને ઈન્કમ ટેક્સ વિભાગ નોટિસ મોકલી શકે છે. ઈન્કમ ટેક્સ નિયમો અંતર્ગત જો તમને એક વર્ષમાં 50 હજારથી વધારેની કિંમતની ગિફ્ટ મળી છે તો તેના પર તમારે ટેક્સ આપવો પડશે. આવી સ્થિતિમાં તમારે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરતા સમયે આ બાબતનું ધ્યાન રાખવું પડશે.

વિદેશમાં બેંક અકાઉન્ટ છે, તો તેની પણ જાણકારી આપો
જો કોઈ બીજા દેશમાં તમારું બેંક અકાઉન્ટ છે તો તેની જાણકારી પણ તમારે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરતી વખતે આપવી પડશે. ઈન્કમ ટેક્સ નિયમોના અનુસાર, ભારતના તમામ ટેક્સપેયર્સને બેંક ખાતા સહિત તમામ વિદેશી સંપત્તિની વિગતો આપવી પડશે. જો તમે ભારતના રહેવાસી છો અને ITR 1નો ઉપયોગ કરવા માટે યોગ્ય છો, તો તમારે વિદેશમાં કોઈ રોકાણ કરવાની સ્થિતિમાં ITR 1નો ઉપયોગ ન કરવો જોઈએ. જો તમારી પાસે વિદેશોમાં શેરમાં અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ છે તો તેની માહિતી ભરતી વખતે સાવધાન રહેવું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments