મમતા ઘાયલ થવાને કારણે TMC ચૂંટણીઢંઢેરાની જાહેરાત મુલતવી રાખી, TMCએ એને હુમલો અને રાજકીય કાવતરું ગણાવ્યું

0
8

પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી ઘાયલ થવાને કારણે તૃણમૂલ કોંગ્રેસે આજે તેના ચૂંટણીઢંઢેરાની જાહેરાત મુલતવી રાખી છે. પાર્ટી ગુરુવારે કાલિઘાટમાં મેનિફેસ્ટો જાહેર કરવાની હતી. બીજી તરફ, પોલીસે મમતાના ઘાયલ થવાના કેસમાં તપાસ શરૂ કરી દીધી છે. TMCએ એને હુમલો અને રાજકીય કાવતરું ગણાવ્યું છે. આ સાથે જ આ માટે ભાજપને પણ જવાબદાર ઠેરવવામાં આવ્યો છે.

TMC ચૂંટણીપંચમા ફરિયાદ કરશે

TMC નેતા પાર્થ ચેટર્જીએ કહ્યું હતું કે પાર્ટી આ મામલે ફરિયાદ કરવા ચૂંટણીપંચમાં જશે. તેમણે કહ્યું હતું કે કેટલાક કાયર લોકો મમતાને રોકવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેઓ સફળ થશે નહીં. આ હુમલો એક કાવતરું હતું. પહેલાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાના ADG બદલવામાં આવ્યા હતા. એ પછી રાજ્યના DGPને હટાવવામાં આવ્યા હતા અને હવે આ ઘટના બની છે. આ બધું સુઆયોજિત કાવતરા હેઠળ થઈ રહ્યું છે.

મમતાએ કહ્યું હતું-કોઈએ તેને ધક્કો માર્યો હતો

મમતા બુધવારે સાંજે નંદીગ્રામમાં ઘાયલ થયાં હતાં, આ ઘટના બાદ તેમને કોલકાતાની SSKM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે બુધવારે જ નંદીગ્રામથી ઉમેદવારી નોંધાવી હતી. આ ઘટના બાદ મમતાએ કહ્યું હતું કે તેમને ધક્કો માર્યો હતો, આ જ કારણે પગમાં ઇજા પહોંચી હતી. મમતાએ કહ્યું, ‘4-5 લોકોએ કાર એકદમ જ બંધ કરી દીધી હતી. મને ખૂબ જ ઇજા થઈ હતી. ત્યાં સ્થાનિક પોલીસનો કોઈપણ જવાન હાજર ન હતો. આ જરૂરથી કોઈનું કાવતરું છે; આ જાણીજોઇને કરવામાં આવ્યું છે.’

ભાજપે કહ્યું- આ રાજકીય સ્ટંટ

ભાજપના બંગાળ પ્રભારી કૈલાસ વિજયવર્ગીયે કહ્યું, આ મમતાનો રાજકીય સ્ટંટ છે. જ્યારે પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જુન સિંહે કહ્યું હતું કે ‘મમતા બેનર્જીએ સહાનુભૂતિ મેળવવા માટે એક નાટક કર્યું. તેમની સાથે ભારે પોલીસ-બંદોબસ્ત હાજર હતો. આવી સ્થિતિમાં કોણ તેમની નજીક પહોંચી શકે? હુમલો કરનારાઓ અચાનક તો પ્રગટ થયા નહીં હોય. તેમને પકડવા જોઈએ.’

રાજ્યપાલ ધનખડ મમતાની ખબર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા

મમતા ઘાયલ થવાની ઘટના બાદ બુધવારે સાંજે બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ તેમની ખબર પૂછવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. મોડી રાત્રે મમતાના ભત્રીજા અને TMC સાંસદ અભિષેક બેનર્જી પણ કોલકાતાની હોસ્પિટલે પહોંચ્યા હતા. ત્યાંથી બહાર નીકળતા સમયે તેમણે મીડિયાને જણાવ્યું હતું કે મુખ્યમંત્રીને ગંભીર ઇજા સાથે ફ્રેકચર પણ થયું છે.

નંદીગ્રામમાં મમતા-શુભેન્દુ આમને-સામને

નંદીગ્રામમાં મમતાનો સામનો એક સમયે તેમની નજીક રહેલા અને હવે ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારી સાથે છે. મમતાએ ઉમેદવારી નોંધાવી છે, જ્યારે શુભેન્દુ શુક્રવારે ઉમેદવારી નોંધાવશે.

બંગાળમાં 8 તબક્કામાં ચૂંટણી

પશ્ચિમ બંગાળની કુલ 294 વિધાનસભા સીટ માટે 8 તબક્કામાં મતદાન થવાનું છે. 294 સીટવાળી વિધાનસભા માટે મતદાન 27 માર્ચે (30 બેઠક) 1 એપ્રિલ (30 બેઠક), 6 એપ્રિલ (31 બેઠક), 10 એપ્રિલ (44 બેઠક), 17 એપ્રિલ (45 બેઠક), 22 એપ્રિલ (43 બેઠક), 26, એપ્રિલ (36 બેઠક), 29 એપ્રિલે (35 બેઠક) થવાનું છે. મતગણતરી 2મેના રોજ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here