રાજકોટ:રાજકોટ-મુંબઈ ફ્લાઈટ શરૂ કરાવવા મુદ્દે તમામ વેપારીઓ એક થયા છે. ત્યારે રવિવારે રાજકોટમાં સાંસદ મોહન કુંડારિયાને પોતાની વ્યથા ઠાલવ્યા બાદ સોમવારે ચેમ્બર ગાંધીનગર પહોંચ્યું હતું અને રાજકોટ મુંબઇ ફ્લાઇટ શરૂ કરાવવા મુદ્દે મુખ્યમંત્રીને જણાવ્યું હતું. રાજકોટ મુંબઈ ફ્લાઈટ શરૂ કરાવવા મુદ્દે ચેમ્બર આક્રમક બન્યું છે. ત્યારે જો કોઇ નિર્ણય નહીં લેવામાં આવે તો આ મુદ્દે ચેમ્બર આંદોલન કરી લેવાના મૂડમાં છે.
ચેમ્બરે રાજકોટના વેપારી વતી રજૂઆત કરી
મુખ્યમંત્રીને મળીને ચેમ્બરે રાજકોટના વેપારી વતી રજૂઆત કરી હતી કે, જેમાં જણાવ્યું હતું કે રાજકોટ એ વેપાર ઉદ્યોગ માટે સમગ્ર સૌરાષ્ટ્રનું હબ છે. ત્યારે રાજકોટ કે સૌરાષ્ટ્રના વેપારીઓને મુંબઈ જવું હોય તો અમદાવાદ સુધી લાંબા થવું પડે છે અથવા તો ટ્રેનમાં જવું પડે છે. જેને કારણે નાણાં અને સમય બન્નેની બરબાદી થાય છે. આ મુદ્દે તાત્કાલિક ઘટતું કરવા જણાવ્યું છે.એરપોર્ટ ઉપરાંત ચેમ્બરે જણાવ્યું હતું કે, વન નેશન વન ટેક્સ હેઠળ ગુજરાત રાજ્યમાંથી વ્યવસાય વેરો નાબૂદ કરવો જોઈએ. તેમજ જૂના કેસની વ્યાજ માફી તથા નાના વ્યવસાયકારોને 2.50 લાખ ટર્નઓવરની મર્યાદામાં વ્યવસાય વેરો લાગુ પડતો ન હોય તો તને વ્યવસાયમાંથી મુક્તિ આપવી જોઈએ. તેમજ રાજ્ય સરકાર દ્વારા રૂફ ટોપ સોલાર પાવર પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવાની સ્કીમ આપેલ છે. તે સ્કીમનો લાભ ઓનલાઇન જ મળે છે અને તેના માટે એપ્લાય કરીએ તો તરત જ બંધ થઈ જાય છે ત્યારે આ સ્કીમનો લાભ તાત્કાલિક ધોરણે મળે તેવા પ્રકારની રજૂઆતો કરી હતી.
આજથી અઠવાડિયામાં 3 દિવસ જ ફ્લાઈટ ઉડાન ભરશે
આજથી એર ઈન્ડિયાની રાજકોટ-મુંબઈની ફ્લાઈટ અઠવાડિયામાં ત્રણ દિવસ જ ઉડાન ભરશે. હજયાત્રામાં એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ ફાળવવામાં આવી હોવાથી દરેક એરપોર્ટ પરથી ફ્લાઈટ્સની ફ્રિકવન્સી ઓછી કરી દેવામાં આવી છે.