મહિલા અને બાળ અધિકારીની કચેરી,બનાસકાંઠા હેઠળ ‘મહિલા સ્વાવલંબન યોજના થકી મહિલાઓને તેમના કૌશલ્યના આધારે સ્વરોજગારી મળી રહે તે માટે બેન્ક લોન સહાય આપવામાં આવે છે. જે અંતગર્ત બ્યુટી પાર્લર, દરજીકામ, અગરબતી, તમામ પ્રકારના મસાલા, ભરતગૂંથણ, મોતીકામ, દૂધની બનાવટ સહિત 307 જેટલા વ્યવસાયો માટે આ લોન આપવામાં આવે છે. મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર તરફથી રૂ.૨ લાખ સુધીની લોનની જોગવાઈ કરવામાં આવી છે.
આ યોજનાનો લાભ ૧૮ થી ૬૫ વર્ષ સુધી વયની રાજ્યની કોઈ પણ મહિલાને મળવા પાત્ર છે. સબસીડીનું ધોરણ કેટેગરી મુજબ જનરલ કેટેગરી માટે ઓછામાં ઓછું પ્રોજેક્ટ કોસ્ટના ૩૦% અથવા મહત્તમ રૂ.૬૦,૦૦૦ બંને માંથી જે ઓછું હોય તે અને અનુસૂચિત જન જાતી તથા અનુસૂચિત જાતિ માટે ૩૫% અથવા મહત્તમ રૂ.૭૦,૦૦૦ બંનેમાંથી જે ઓછું હોય તે તથા વિધવા મહિલા અને ૪૦%થી વધુ વિકલાંગતા ધરાવતી મહિલાઓને વધુમાં વધુ પ્રોજેક્ટ કોસ્ટના ૪૦% અથવા મહતમ રૂ.૮૦,૦૦૦ બંને માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવે છે.
આ યોજના અંતર્ગત જિલ્લાની બહેનો લાભ લેવા માંગતી હોય તો નિયત નમૂનાના અરજી ફોર્મ સાથે બે નકલમાં ડોક્યુમેન્ટ જોડી જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી,જોરાવર પેલેસ જિલ્લા સેવા સદન-૨ ,ત્રિજો માળ, પાલનપુર ખાતે મોકલવા જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી બનાસકાંઠા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
સેલ્ફ હેલ્પ ગ્રુપ કે જે એકબીજાને મદદરૂપ થાય અને આ ગ્રુપના માધ્યમથી વેપાર કરી પગભર ઉભા થાય છે. આમ, મહિલાઓ જ મહિલાઓને મદદરૂપ થઇ મહિલાઓને આત્મનિર્ભર થવામાં સહાયરૂપ થાય છે. ગ્રામ્ય જીવન ધોરણ સુધરે છે. બહેનોએ પોતાના કુટુંબનો ખર્ચ અને પોતાના સંતાનોનો ખર્ચ પણ આ ગ્રૃપના માધ્યમથી કમાઇને આપ્યો છે જે આનંદની વાત છે. ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડના માધ્યમથી ગુજરાતની શહેરી તેમજ ગ્રામ્ય બહેનો આત્મનિર્ભર બની સ્વમાનપૂર્વક જીવી રહી છે. દરેક ગામમાં બહેનો પોતાના ગામમા ઓછામાં ઓછા ૭૫ વૃક્ષો લીમડા રોપે તો આવનારા ૧૦ વર્ષ પછી દરેક બહેનો લીંબોળીના માધ્યમથી પગભર થઇ શકશે. ગામનો વિકાસ ગામના નાગરીકોએ જ કરવાનો છે. સ્વાભિમાની સખી મંડળ પોતાની સાથે સાથે ગામનો વિકાસ પણ કરી શકશે.