બગાડ અટકાવવા દંપતિએ લગ્નમાં વધેલું ભોજન પીરસ્યું, લોકોએ કરી પ્રશંસા

0
0

કાયલી અને જૉ ટિલ્સ્ટનનાં લગ્નમાં આવેલા લગભગ 280 લોકોનો જમણવાર હતો અને તેમાં અનેક પ્રકારની વાનગીઓથી દરેકની થાળી સજેલી હતી.

આ થાળીમાં સી બાસ, ઓક્સ, પોર્ક રીબ્ઝ અને ચીકન સાથે વિવિધ પ્રકારની વિગન વાનગીઓ, ગ્લૂટન-ફ્રી વાનગીઓ અને શાકાહારી વાનગીઓનું વૈવિધ્ય હતું.

રસપ્રદ વાત એ છે કે આ દરેક વાનગી વધેલા ભોજનમાંથી બની હતી, જે કદાચ અહીં ન વપરાયું હોત તો કચરામાં ગયું હોત.

પરંતુ મહેમાનોને આ ભોજનની હકીકત તેમણે જમી લીધા બાદ જ ખબર પડી. નવદંપતીએ જેવી જાહેરાત કરી તેવી જ મહેમાનોને નવાઈ લાગી.

જોકે, કાયલી ટિલ્સ્ટને કહ્યું કે વેસ્ટ યૉર્કશાયરના સૉલ્ટાયર ખાતે આવેલા વિક્ટોરિયા હૉલમાં તેમના આ ભોજનને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો. ઘણા મહેમાનોએ વાનગીઓ બેથી ત્રણ વખત લીધી હતી.

34 વર્ષનાં કાયલી કહે છે કે તેઓ અને તેમના 35 વર્ષના પતિ જૉ શક્ય હોય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો બગાડ ટાળે છે.

આરોગ્ય કર્મચારી તરીકે કામ કરતાં કાયલીએ બીબીસીને કહ્યું, “બચેલી વસ્તુ ફેંકી દેવાને બદલે અમે હંમેશાં તેમાંથી કશુંક નવું બનાવવાની કોશિશ કરીએ છીએ.”

“આ વિચારસરણીના આધારે જ અમે મહેમાનો માટે આ પ્રકારના ભોજનનો નિર્ણય લીધો.”

“લગ્નના ભોજનમાં સામાન્ય રીતે વ્યક્તિ દીઠ 25 પાઉન્ડ કે તેથી વધુનો ખર્ચ થતો હોય છે, અને અમારે લગભગ 300 લોકોને જમાડવાના હતા. તેથી આ વિચાર યોગ્ય હતો.”

આ જમણવાર માટે બચેલા ભોજનના વેચાણમાં કામ કરતા ધ રીયલ જંક ફૂડ પ્રોજેક્ટે મદદ કરી, જેમાં લગભગ 250 કિલો ભોજનને કચરામાં જતું બચાવી લેવાયું.

આ બચેલા ભોજનને રિસાઇકલ કરીને વિવિધ પ્રકારના કૅનેપ્સ અને તહેવારોમાં લેવાતા ભોજન જેવી વાનગીઓ બનાવવામાં આવી હતી.

આ કારણે દંપતીને એક મહેમાનનું ભોજન માત્ર 5 પાઉન્ડમાં પડ્યું. આ રીતે તેઓ હજારો પાઉન્ડ બચાવી શક્યા.

બગાડ ન કરવાનો વિચાર માત્ર ભોજન સુધી સિમીત નહોતો, અન્ય બાબતોમાં પણ રિસાઇકલનો વિચાર અપનાવવામાં આવ્યો હતો.

જેમકે, રૂમના એક જૂના પાર્ટિશનનો દંપતી માટેના મંચના પાછળના પડદા અને ફોટોબૂથ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો.

જ્યારે લગ્નના સ્થળની સજાવટ માટેની વસ્તુઓ જૉના મિત્રોના લગ્નમાં વપરાયેલી વસ્તુઓમાંથી ઉપયોગમાં લેવામાં આવી હતી.

જ્યારે કાયલીના હૅડપીસ માટે એક ફ્લોરિસ્ટ ફ્રેન્ડ પાસેથી વધેલાં ફૂલો લેવામાં આવ્યાં હતાં.

તે ઉપરાંત તે પોતાના વૅડિંગ ડ્રેસનો પણ ભવિષ્યમાં અન્ય રીતે ઉપયોગ કરવાનું વિચારે છે.

આશ્ચર્યની વાત એ છે કે કાયલી અને જૉ ટિલસ્ટન એવું પહેલું દંપતી નથી જેણે આ રીતે વધેલું ભોજન પીરસ્યું છે.

કાયલીના હાથમાં રહેલો ફૂલનો હૅન્ડપીસ પણ વધેલાં ફૂલોમાંથી બનાવ્યો હતો.

મૅન્ચેસ્ટર, વિગન અને લીડ્ઝમાં આવેલાં રિયલ જંકફૂડ કૅફે આ પ્રકારના અન્ય લગ્નોત્સવમાં ભોજન પહોંચાડી ચૂક્યાં છે.

ઑક્ટોબર મહિનામાં એક દંપતીએ તેમના લગ્નની વૅડિંગ કેકથી લઈને ભોજન સુધીની દરેક વસ્તુ ઑક્સફોર્ડ ફૂડ બૅંકમાંથી મેળવી હતી.

યુકેમાં ‘નોટ ફોર પ્રોફિટ પૅ વ્હોટ યુ લાઇક(ફાયદા માટે નહીં પણ તમને યોગ્ય લાગે તે ચૂકવો)’ પ્રોજેક્ટ્સ ચાલે છે. જે પોતાના માટે ભોજન ન મેળવી શકતા લોકો અથવા તો પર્યાવરણના કારણોસર ભોજન એકઠું કરવામાં આવે છે.

જૂન મહિનામાં એક વ્યક્તિએ દાન આધારીત માળખાની ટ્વીટર પર જાહેરાત કરી હતી, જેમાં દરેક સામાજિક તબક્કાના લોકો યથાયોગ્ય દાન કરી શકે અને જરૂરિયાતમંદને બ્રેડ અને ઇંડા પૂરા પાડી શકે. આ ટ્વીટ વાઇરલ થયું હતું.

લીડ્ઝમાં ટોસ્ટ લવ કૉફી એક એવી જગ્યા છે, જેમાં પીરસાતી દરેક વાનગી માટેની સામગ્રી આસપાસની દુકાનોના વધેલા સામાનમાંથી મળે છે.

સાઉથ લંડનમાં આવેલાં બ્રિક્સ્ટન કૅફેમાં વધેલાં ખોરાકમાંથી શાકાહારી વાનગીઓ તૈયાર કરવામાં આવે છે, જે દરેકને ઉપયોગી થઈ શકે. વર્ષ 2018માં આ કૅફેએ લગભગ 3.2 ટન ભોજનનો બગાડ થતાં બચાવ્યો હતો.

વર્ષ 2013માં રીયલ જંક ફૂડ પ્રોજેક્ટની આર્મલે અને લીડ્ઝમાં શરૂઆત થઈ, જે વધેલી વસ્તુઓમાંથી ભોજન તૈયાર કરે છે.

હવે આ ઝુંબેશ વૈશ્વિક સ્તરે એટલી વિસ્તરી રહી છે કે તેમાં હવે માગ વધી ગઈ છે, રિટેઇલર્સ તેનો ખોટી રીતે ઉપયોગ પણ કરે છે અને તે ઘણી વખત તેની સમયમર્યાદા વટાવી ચૂક્યા બાદ આ રીતે લોકોમાં વહેંચવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here