સૌરાષ્ટ્રમાં મગફળી રજિસ્ટ્રેશન માટે આજે છેલ્લો દિવસ, કાલથી જિલ્લાના 14 કેન્દ્ર પરથી ખરીદી શરૂ થશે, CCTV મોનિટરીંગ કરાશે

0
7

રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવા રાજકોટ સહિત જિલ્લાભરમાં મગફળીનું રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મગફળીના રજિસ્ટ્રેશન માટે આજે છેલ્લો દિવસ છે. કાલથી રાજકોટ જિલ્લાના 14 કેન્દ્ર પરથી મગફળીની ખરીદી શરૂ થશે. ગયા વર્ષ કરતા આ વર્ષે 15 હજાર કરતા વધુ ખેડૂતોએ મગફળીનું રજિસ્ટ્રેશન થયું છે. દરેક કેન્દ્ર પર CCTV દ્વારા મોનિટરીંગ કરવામાં આવશે

એક કેન્દ્રમાં 1 અધિકારી અને 4 કર્મચારી ફરજ બજાવશે

આવતી કાલથી સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરશે. રાજકોટમાં એક કેન્દ્રમાં એક અધિકારી અને 4 કર્મચારી ફરજ બજાવશે. કેન્દ્ર પર CCTV કેમેરાથી મોનિટરીંગ કરવામાં આવશે. પહેલા 2-3 દિવસ 20 ખેડૂતોને બોલાવવામાં આવશે. જે બાદ 50-70 ખેડૂતોને બોલાવવામાં આવશે. પુરવઠા વિભાગ દ્વારા 140 ગોદામ ભાડે રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધીમાં 95 હજારથી વધુ ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે.

ધીમે ધીમે રોજના 100 જેટલા ખેડૂતોને બોલાવવામાં આવશે-ખેતીવાડી અધિકારી

ખેતીવાળી અધિકારી આર.આર.ટીલવાએ જણાવ્યું હતું કે કાલથી ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા શરૂ થશે. રાજકોટ જિલ્લાના 11 તાલુકામાં કુલ 22 સ્થળો પર મગફળીની ખરીદી કરવામાં આવશે, તમામ કેન્દ્રો પર વર્ગ 2ના અધિકારી દ્વારા મોનિટરીંગ કરવામાં આવશે. વર્ગ 3 તેમજ નિગમના અધિકારીઓ પણ હાજર રહેશે. તમામ સ્થળો માટે અગાઉથી શહેર પોલીસ કમિશનર તેમજ જિલ્લા પોલીસ વડા પાસેથી પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી છે. મગફળી ખરીદ થયા બાદ 150 જેટલા ગોડાઉનોમાં રાખવામાં આવશે. તમામ ગોડાઉનોમાં સીસીટીવી લગાવી દેવામાં આવ્યા છે. જરૂર પડ્યે વધુ ગોડાઉન ભાડે રાખવામાં આવશે. શરૂઆતમાં ખેડૂતો ઓછા પ્રમાણમાં બોલાવવામાં આવશે. ધીમે ધીમે રોજના 100 જેટલા ખેડૂતોને બોલાવવામાં આવશે.

ખરીદીની પ્રક્રિયા 90 દિવસ સુધી ચાલશે

રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવા સમગ્ર રાજ્યમાં મગફળીનું રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. સરકાર આગામી 21મી ઓકટોબરથી મગફળીની પ્રતિ મણ રૂ.1055ના ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા હાથ ધરાશે. ખરીદીની પ્રક્રિયા 90 દિવસ સુધી ચાલશે. દરેક ખેડૂત પાસેથી 2500 કિલો મગફળી ખરીદ કરી શકાશે. મહત્વનું છે કે આ વર્ષે રાજકોટ જિલ્લામાં ગત વર્ષ કરતા 15થી વધુ ખેડૂતોએ મગફળીનું રજિસ્ટ્રેશન થયું છે.

મગફળીની આવક બંધ કરવામાં આવી

સૌરાષ્ટ્રમાં સતત વરસાદને લઈને મગફળીની આવકો બંધ કરવામાં આવી છે. ખુલ્લામાં મગફળી પલળી ન જાય તે માટે યાર્ડના સત્તાધિશો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે છેલ્લા બે દિવસથી મગફળીની આવકો બંધ કરવામાં આવી છે. ખેડૂતોના તૈયાર પાકને નુકસાન ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ યાર્ડની બહાર 100થી વધુ વાહનોની લાઈન જોવા મળી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here