રાજકોટ : ટેકાના ભાવે મગફળી ખરીદીનો આજે બીજો દિવસ.

0
7

રાજકોટમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો આજે બીજો દિવસ છે. સોમવારથી જ ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પરંતુ માર્કેટ યાર્ડમાં મગફળીના સારા ભાવ મળતા હોવાથી ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવામાં રસ દાખવી રહ્યા નથી. ગઈકાલે રાજકોટ સહિત ચાર તાલુકામાં કેન્દ્રો પર માંડ 25 ખેડૂતો જ આવ્યા હતા. આજે બીજા દિવસે ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવામાં રસ દાખવે છે કે નહીં તે જોવાનું રહ્યું. બીજી તરફ સોમાના પ્રમુખ કિશોર વીરડિયાએ જણાવ્યું હતું કે આ વખતે મગફળી ક્વોલિટીની નબળી છે.

સીંગતેલના ભાવમાં રૂપિયા 30નો વધારો થયો છે

સોમાના પ્રમુખ કિશોર વીરડિયાએ નિવેદન આપતા કહ્યું કે ચીન દર વર્ષે સીંગદાણાની ખરીદી કરીને તેનું પિલાણ કરતું હોય છે. પણ આ વખતે ચીને સીંગતેલની જ ખરીદી કરી છે. માર્કેટમાં ડિમાન્ડ કરતા મગફળીની આવક ઓછી છે. આ વખતે મગફળીની ક્વોલિટી નબળી છે. સોમવારે સીંગતેલના ભાવમાં રૂપિયા 30નો વધારો થયો છે. જેથી સીંગતેલના ડબ્બાના રૂપિયા 2330થી 2360 પર પહોંચ્યા છે.

મગફળી મુદ્દે ખેડૂતોને ગુમરાહ કરવાનો કોઈ અર્થ નથી- રૂપાલા

મગફળી મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કરતા પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે કોંગ્રેસનું આ ભ્રમ ઉભા કરવાનું નિવેદન હોય તેવું લાગે છે. મગફળીના બજાર ભાવ ઉંચા છે. એટલે મોટા ભાગના ખેડૂતો માર્કેટમાં જ પોતાનો માલ વેચી રહ્યાં છે. જેટલા લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને જેટલા લોકોને બોલાવવામાં આવ્યાં હતા તેના 50 ટકા કરતા પણ ઓછા ખેડૂતો મગફળી વેચવા આવી રહ્યાં છે. ખેડૂતોને ખુલ્લા બજારમાં સારા ભાવ મળે છે. ત્યારે આ પ્રકારના વિવાદ ઉભા કરીને ખેડૂતોને ગુમરાહ કરવાના કે રાજનીતિ કરવાનો કોઈ અર્થ નથી.

પહેલે દિવસે આખા જિલ્લામાંથી માત્ર 62 ખેડૂત જ આવ્યા હતા

સોમવારે રાજકોટ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્રોનો પ્રારંભ થયો હતો. પહેલે દિવસે આખા જિલ્લામાંથી માત્ર 62 ખેડૂત જ આવ્યા હતા. જ્યારે બેડી યાર્ડમાં 1.50 લાખ બોરીની આવક થઇ હતી.જેમાંથી માત્ર 24 હજાર બોરી જ વેચાઈ હતી. જે ખેડૂતોને સોમવારે બોલાવ્યા હતાં. તેઓને રવિવારે જ જાણ કરી દેવામાં આવી હતી. પોતાનો વારો વહેલો આવી જાય તે માટે પડધરીના ખેડૂત રાત્રે જ આવી ગયા હતા. જોકે ઓછી માત્રામાં ખેડૂતો હોય વ્યવસ્થા જળવાઈ રહી હતી. રાજકોટના ખરીદ કેન્દ્રમાં રાજકોટમાં 6, કોટડા 7, લોધિકા 5 અને પડધરીમાં માત્ર 7 કિસાન માલ વેચવા આવ્યા હતા.

સાઉથના વેપારીઓએ 1400ના ભાવે ખેડૂત પાસેથી મગફળી ખરીદી

સોમવારે બેડી યાર્ડમાં સિઝનની રેકોર્ડબ્રેક આવક થઈ હતી. જેની સાથે રેકોર્ડબ્રેક ભાવ પણ હરાજીમાં બોલાયા હતા. સોમવારે સવારે 8.00 કલાકે હરાજી શરૂ થઈ હતી. જેમાં સ્થાનિક વેપારીઓની સાથે સાઉથના વેપારીઓએ પણ ભાગ લીધો હતો. જેમાં તેણે 66 નંબરની મગફળીની ખરીદી રૂ.1400 ના ભાવે કરી હતી. અત્યાર સુધી યાર્ડમાં સૌથી વધુ ભાવ બોલાયા હતા. અજયભાઈ ખૂંટના જણાવ્યાનુસાર જાડી મગફળીના ભાવ રૂ. 980 થી લઇને 1160 સુધીના ભાવ બોલાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here