આજે કલકત્તા સામે પંજાબને જીત સિવાય કશું ન ખપે : ગેઈલ ઈન, મેક્સવેલ આઉટ ?

0
7

આજે અબુધાબીના ગ્રાઉન્ડ પર કોલકત્તા નાઈટ રાઈડર્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે ટક્કર થવાની છે. બપોરે 3:30 વાગ્યાથી શરૂ થનારા આ મુકાબલામાં પંજાબને જીત સિવાય બીજું કશું જ ચાલે તેમ નથી તો સામી બાજુ કોલકત્તા પણ ટૂર્નામેન્ટમાં ચોથી જીત મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી દેશે. આજે પંજાબમાં એક મહત્ત્વનો ફેરફાર જોવા મળી શકે છે. ટીમ આજે ધુંઆધાર બેટધર ક્રિસ ગેઈલને તક આપી શકે છે તો ગ્લેન મેક્સવેલને પડતો મુકવાનો નિર્ણય લઈ શકે છે. જો મેક્સવેલને જાળવી રાખવામાં આવે તો પંજાબે કોટ્રેલ અથવા રહેમાનને આરામ આપવામાં આવી શકે છે.

કલકત્તા અત્યાર સુધીમાં પાંચમાંથી ત્રણ મેચ જીત્યું છે જ્યારે પંજાબ 6માંથી માત્ર 1 મેચ જીતી શક્યું છે અને પોઈન્ટ ટેબલમાં છેલ્લા નંબરે છે. આમ કલકત્તા ધીમે ધીમે જુસ્સો મેળવી રહ્યું છે અને પંજાબ એક પછી એક હારથી હતાશ થઈ રહ્યું છે. પંજાબને હવે પરાજય પોસાય એમ નથી તેથી આજે નવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરવું જ પડશે. કલકત્તા હંમેશા ચેમ્પિયન બનવા માટે દાવેદાર હોય છે. આ વખતે ઓઈન મોર્ગન અને પેટ કમિન્સને લીધે ટીમ વધુ સમતોલ લાગી રહી છે.

કલકત્તાએ 3 વિજય આન્દ્રે રસેલના વધુ કોઈ યોગદાન વિના જીતીને બતાવી દીધું છે કે ટીમ ફક્ત તેના પર જ નિર્ભર નથી. ઓપનર શુભમન ગીલ, રાહુલ ત્રિપાઠી સહિતના બેટસમેનો ટીમની તાકાત બની રહ્યા છે તો મોર્ગન રણનીતિ ઘડવા માટે કાર્તિકની વ્હારે આવી રહ્યો છે. આ ઉપરાંત નીતિશ રાણા અને સુનિલ નરૈનની રમત પણ હરિફ ટીમને હંફાવી રહી છે.

જ્યારે પંજાબ ઓપનિંગ જોડી લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલ પર સૌથી વધારે આધાર રાખી રહી છે. યુનિવર્સ બોસ ક્રિસ ગેઈલ જેવો ધુંઆધાર બેટસમેન હોવા છતાં ટીમ તેને આ ટૂર્નામેન્ટમાં લઈને મેદાનમાં હજી સુધી નથી ઉતરી. ફૂડ પોઈઝનિંગમાંથી રિકવર થયા બાદ આજની મેચમાં ગેઈલનો જાદૂ જોવા મળે એવી સંભાવના છે. ગેઈલ માટે ગ્લેન મેક્સવેલને બહાર કરવો પડશે અથવા બોલરોમાંથી શેલ્ડન કોટ્રેલ કે મુજિબર રહેમાનને બહાર બેસાડવો પડશે.

નિકોલસ પૂરને હૈદરાબાદ સામે આકર્ષક ઈનિંગ રમીને ટીમમાં તેનું સ્થાન મજબૂત કરી દીધું છે. મોહમ્મદ શમી અસરકારક છે અને યુવા બોલરો અર્શદીપસિંહ અને રવિ બિશ્ર્નોઈ દમ બતાવી રહ્યા છે. ડેથ ઓવર્સમાં ટીમની બોલિંગ ઘણી નબળી પડી જાય છે જેમાં સુધારો જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here