આયાતી પામતેલમાં આજે ૧૦ કિલોના ભાવ વધી રૂ. ૧૨૨૦

0
1

મુંબઇ તેલ-બિયાં બજારમાં આજે એકંદરે હવામાન મક્કમ રહ્યું હતું. આયાતી પામતેલમાં હાજર માલની સપ્લાય સહેર ટાઇટ કરી છે સામે માગ પણ વધી હતી. આયાતી પામતેલમાં આજે ૧૦ કિલોના ભાવ વધી રૂ. ૧૨૨૦ રહ્યા હતા. પામતેલમાં આજે હવાલા- રિસેલમાં રૂ. ૧૨૧૫થી ૧૨૨૦માં આશરે ૧૫૦થી ૨૦૦ ટનના વેપારો થયા હતા જ્યારે રિફાઇનરીના ડાયરેક્ટ ડીલીવરીના વેપારો આજે રૂ. ૧૨૨૫ માં આશરે ૩૦૦ ટનના થયા હતા.

આગળ ઉપર પગારની તારીખો હોતાં હવે પછી માત્ર વધવાની શક્યતા જોતાં પામતેલના ભાવ હજી વધુ રૂા. ૧૦થી ૧૫ ઉંચા જવાની શક્યતા બજારના જાણકારો આજે બતાવી રહ્યા હતા. દરમિયાન, મુંબઇ મહારાષ્ટ્રમાં હવે લોકડાઉન વિશે સરકાર શું નિર્ણય કરે છે તેના પર બજારની નજર રહી હતી, દરમિયાન, આજે ક્રુડ પામ ઓઇલ સીપીઓ કંડલાના ભાવ વધી રૂા. ૧૧૫૨થી ૧૧૫૫ રહ્યા હતાં.

દરમિયાન, મુંબઇ બજારમાં આજે સિંગતેલના ભાવ ૧૦ કિલોના રૂા. ૧૫૮૦ રહ્યા હતા. જ્યારે કપાસીયા તેલના ભાવ વધી રૂા. ૧૩૩૫ રહ્યા હતા. મસ્ટર્ડના ભાવ રૂા. ૧૨૪૦ રહ્યા હતા. ઉત્પાદક મથકોએ આજે સિંગતેલના ભાવ રૂા. ૨૪૪૦ થી ૨૪૫૦ તથા ૧૫ કિલોના રૂા. ૧૫૫૦ રહ્યા હતા. જ્યારે કોટન વોશ્ડના ભાવ વધી સાંજે રૂા. ૧૩૦૦ ને આંબી રૂા. ૧૩૦૦થી ૧૩૦૩ રહ્યાના સમાચાર હતા.

મુંબઇ બજારમાં આજે સોયાતેલના ભાવ ડિગમના રૂા. ૧૨૬૫થી ૧૨૭૦ તથા ૧૫ કિલોના રૂા. ૧૨૮૫ રહ્યા હતા. સન ફ્લાવરનો ભાવ વધી રૂા. ૧૬૫૦ તથા રિફાઇન્ડના રૂા. ૧૭૧૦ રહ્યા હતા. મુંદ્રા-હમીરા ખાતે એપ્રિલની વિવિધ ડિલીવરીના ભાવ આયાત પામતેલના રૂા. ૧૨૦૫થી ૧૨૧૫, સોયાતેલના રૂા. ૧૩૦૦થી ૧૩૧૦ તથા સન ફ્લાવરના રૂા. ૧૭૫૦થી ૧૭૫૫ રહ્યાની ચર્ચા હતી.

દરમિયાન, મુંબઇ હાજર બજારમાં આજે દિવેલના ભાવ ૧૦ કિલોના રૂા. પાંચ ઘટી જાતવાર ભાવ રૂા. ૧૦૨૦થી ૧૦૪૦ બોલાઇ રહ્યા હતા જ્યારે હાજર એરંડાના ભાવ રૂા. ૫૦૨૫ વાળા રૂા. ૫૦૦૦ રહ્યા હતા.

મુંબઇ ખોળ બજારમાં આજે ટનદીઠ ભાવ કપાસીયા ખોળના રૂા. ૫૦૦ વધી રૂા. ૨૯૦૦૦ જ્યારે સોયાખોળના ભાવ વધુ રૂા. ૫૦૦ વધી રૂા. ૫૧૬૫૦થી ૫૧૬૬૦ રહ્યા હતા. એરંડા ખોળના ભાવ ટનના રૂા. ૧૦૦ વધી રૂા. ૪૧૦૦ બોલાતા હતા. જો કે અન્ય ખોળો શાંત હતા.

વિશ્વ બજારમાં સપ્તાહના અંતે ક્રૂડ તેલના ભાવ ૩.૫૦થી ૪.૦૦ ટકા વધી ન્યુયોર્ક ક્રુડના ભાવ બેરલદીઠ ૬૧.૪૫ ડોલર તથા બ્રેન્ટક્રૂડના ભાવ ૬૪.૮૫થી ૬૪.૯૦ ડોલર રહ્યા હતા. ક્રૂડતેલ ઉંચકાતા વિશ્વબજારમાં આવતા વિકમાં ખાદ્યતેલોના ભાવ આરંભમાં ઉંચા ખુલવાની શક્યતા વિશ્વબજારના જાણકારો બતાવી રહ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here