મુંબઈમાં પડેલા ભારે વરસાદને પગલે લોકો પરેશાન થયા છે. IMD દ્વારા મંગળવારે પણ રેડ એલર્ટ જારી કરાયું હતું. ભારે વરસાદને પગલે રેલવે ઉપરાંત હવાઈ મુસાફરીને પણ તકલીફ પડી હતી. ઘણા માર્ગો પર રેલ સેવા બંધ થઈ હતી. આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને લોકો રોષે ભરાયા છે. આ વીડિયો એક ટ્રેનનો છે, જે પાણીમાં ડૂબેલા પાટા પર દોડી રહી છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો જોયા બાદ લોકો વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે.
જણાવી દઈએ કે, સોમવારે મુંબઈમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ અને ટ્રેક પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક લોકોએ મુસાફરોની સુરક્ષા પર પણ સવાલો ઉઠાવ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, પાણીમાં ડૂબેલા ટ્રેક પર ટ્રેન દોડી રહી છે. રેલવે ટ્રેક પર પાણી એટલું ભરાઈ ગયું છે કે પાટા પણ દેખાતા નથી. તેમ છતાં તેના પર ટ્રેન દોડાવવામાં આવી રહી છે. વીડિયોમાં ટ્રેનનું એન્જિન અને તેની પ્રથમ બોગી દેખાઈ રહી છે. આ વીડિયો અન્ય ટ્રેનમાંથી બનાવવામાં આવ્યો છે.
એક દિવસ અગાઉ પડેલા વરસાદને કારણે મહાનગરમાં જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું હતું અને હવાઈ, રેલ અને માર્ગ વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. પાટા પર પાણી ભરાવાને કારણે ઘણી ઉપનગરીય ટ્રેનો મોડી પડી હતી અને કેટલીકને રદ કરવી પડી હતી.