પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં એક નાવિક નાવડી ચલાવી 45 દિવસમાં 30 કરોડની કમાણી કરતાં ચર્ચામાં છે. આ ચર્ચિત નાવિક પિન્ટુ મેહરાને હવે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે નોટિસ મોકલી છે. ઈનકમ ટેક્સ વિભાગે પિન્ટુને રૂ. 12.8 કરોડની ટેક્સ નોટિસ પાઠવી છે. આ નોટિસથી સોશિયલ મીડિયા પર વિવાદ છેડાયો છે. કેટલાક લોકોએ ટેક્સ જવાબદારીને નિભાવવાની સલાહ આપી છે, તો કેટલાક યુઝર્સે કમાણીનો મોટો હિસ્સો સરકારને આપી દેવા પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આ નાવિકનું ઉદાહરણ આપતાં મહાકુંભની સફળતા ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, એક નાવિક પરિવારે 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલા મહાકુંભમાં 30 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સમાચાર સોશિયલ મીડિયા પર વાઈરલ થયા હતા. નાવિકે પણ આ વાતનો સ્વીકાર કર્યો હતો. જેને ધ્યાનમાં લેતાં ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે નાવિક પિન્ટુ મેહરાને રૂ. 12.8 કરોડની ટેક્સ નોટિસ પાઠવી છે. આ મામલો વન ટાઈમ હાઈ ઈનકમ અને તેના પર લાગુ ટેક્સના નિયમને આધિન ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે આ નોટિસ મોકલી હતી.
45 દિવસમાં કરોડપતિ બન્યો
પ્રયાગરાજના અરેલ ગામમાં રહેતા નાવિક પિન્ટુ મેહરાનું નસીબ 45 દિવસમાં ચમકી ઉઠ્યું હતું. રોજિંદા રૂ. 500ની આવક કરતા પિન્ટુએ મહાકુંભના 45 દિવસમાં રૂ. 30 કરોડ કમાયા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિધાન સભામાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે, 130 નાવિક પરિવારે મહાકુંભમાં રૂ. 30 કરોડ કમાયા. અર્થાત રોજિંદા રૂ. 50,000-52,000ની કમાણી. મહાકુંભમાં નાવિકોની આવક અનેકગણી વધી હતી. પિન્ટુ પહેલાં એક નાવડી મારફત રૂ. 1000થી 2000 કમાતો હતો તે 45 દિવસમાં જ કરોડપતિ બની ગયો. પિન્ટુએ પોતે જ આ વાતનો ખુલાસો કર્યો હતો કે, તેના પરિવારે મહાકુંભ દરમિયાન 45 દિવસમાં રૂ. 30 કરોડની કમાણી કરી છે.
ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 4 અને 68 હેઠળ પિન્ટુ મેહરાને રૂ. 12.8 કરોડની ટેક્સ નોટિસ મોકલી છે. જો કે, રોજના રૂ. 500થી 1000ની કમાણી કરતા પિન્ટુ પર આટલો મોટો ટેક્સનો બોજો મુશ્કેલી સમાન બની શકે છે. કારણકે, તે ટેક્સ સ્લેબમાં આવતો ન હોવાથી તેણે કદાચ ક્યારેય આઈટીઆર ફાઈલ કર્યો નહીં હોય. તેણે હવે એક પ્રોફેશનલ તરીકે ટેક્સ ચૂકવવો પડશે. આ ટેક્સની ચૂકવમી એક વર્ષની અંદર કરવાની રહેશે. આટલી મોટી રૂ. 30 કરોડની કમાણીમાં રૂ. 12.8 કરોડ ટેક્સ પેટે સરકારના ખાતામાં જમા કરાવવા આ નાવિક માટે પીડાદાયક રહેશે.
ઈન્ફોસિસના પૂર્વ સીએફઓએ નાવિકની 30 કરોડ રૂપિયાની કમાણીના સમાચાર પર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી કે, આ નાવિકનો પરિવાર અન્ય પ્રોફેશનલની જેમ જ ઈનકમ ટેક્સ ચૂકવશે. મને અપેક્ષા છે કે, તે ઈનકમ ટેક્સ ઈન્ડિયાને કમાણીના બદલામાં ટેક્સ ચૂકવશે. કારણકે, આ વાત સ્વંય મુખ્યમંત્રીએ જાહેર કરી છે.