છોટાઉદેપુર: છોટાઉદેપુર નગરમાં અષાઢી બીજ તા.4ને ગુરૂવારના રોજ બપોરે 1 કલાકે સતત ચોથીવાર રણછોડરાય ભક્ત મંડળ દ્વારા ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અષાઢી બ્રિજના રોજ નીકળનાર રથયાત્રાનું મહારાજા ઐશ્વર્ય પ્રતાપસિંહ રથ ખેંચીને પ્રસ્થાન કરાવશે. જેમાં 1 હાથી, 2 ઘોડા, સાધુસંતો માટે 4 બગી, 2 મ્યુઝીક બેન્ડ, આદિવાસી નૃત્ય મંડળી મધ્ય પ્રદેશના પ્રખ્યાત કલાકારો દ્વારા ભજન વિવિધ ભગવાનની ઝાખીઓ ઉજ્જૈનથી આવશે. જેને ટ્રેક્ટરોમાં સજાવવામાં આવશે. કુવારીકાઓ દ્વારા કળશયાત્રાથી આગેવાની કરવામાં આવશે.
યોજાયેલ રથયાત્રા અગાઉ 11 કલાકે મહેશ્વરી મહિલા મંડળ દ્વારા શ્રી રણછોડરાય મંદિરે ધ્વજા રોહણનો કાર્યક્રમ કરવામાં આવશે. રથયાત્રામાં 15 ટ્રેકટરો દ્વારા જાંબુ, મગ, શીરો, કેળાના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. સાંજે પ્રસાદીનો કાર્યક્રમનું અાયોજન કરાયું છે. નગરમાં છેલ્લા ચાર વર્ષથી નીકળતી રથયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં મેદની એકત્રિત થાય છે અને દર્શન નો લાહવો લે છે ભાવિક ભક્તોના ઉમંગ અને ઉત્સાહ સાથે જય જગન્નાથ જય રણછોડના નારા સાથે છોટાઉદેપુર નગરનું વાતાવરણ ગુંજી ઉઠશે. છોટાઉદેપુરમાં રથયાત્રા નિમિત્તે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેમાટે પોલીસે પણ પૂરતો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. જેમાં 1 એસપી, 2 ડીવાયએસપી, 10 પીએસઆઈ, 80 પોલીસ ટ્રાફિક પોલીસ તથા હોમગાર્ડ જવાનો સુરક્ષામાં તૈનાત રહેશે. જે અંગે તા.3ને બુધવારે સાંજે 4 કલાકે પોલીસ દ્વારા રૂટ નિરીક્ષણ કરવામાં આવશે.