ટ્રિપલ તલાક બિલ : મુસ્લિમ મહિલાઓ માટે ન્યાયની શરૂઆત કે જુલમનો કાયદો?

0
39

એનડીએ સરકાર તરફથી બીજી વખત રજૂ કરાયેલું ટ્રિપલ તલાક બિલ રાજ્યસભામાં પસાર થઈ ગયું છે. જે રાષ્ટ્રપતિની મંજૂરી બાદ કાયદો બનશે.

“ટ્રિપલ તલાક બિલ એક ઐતિહાસિક જીત છે. જે કામ ઉલેમાઓ અને મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે કરવાનું હતું તે સરકારે કર્યું છે.”

આ શબ્દો છે ઑલ ઇન્ડિયા મુસ્લિમ વુમન પર્સનલ લૉ બોર્ડનાં અધ્યક્ષ શાઇસ્તા અંબરના.

તેમનું કહેવું છે કે તલાક-એ-બિદ્દત, જે અલ્લાહને પણ પસંદ નથી તેને પ્રોત્સાહન આપવામાં આવ્યું. સુપ્રીમ કોર્ટની મનાઈ છતાં દેશમાં ટ્રિપલ તલાકની પ્રથા ચાલતી રહી.

તેઓ કહે છે, “હવે કાયદો બની ગયા બાદ ટ્રિપલ તલાક આપનારાએ વારંવાર વિચારવું પડશે.”

“ભલે આમાં ગુનાહિત મામલાની વાત હોય પરંતુ ખલીફા ઉમરે મહિલાઓના સંબંધમાં સો ચાબુક મારવાની વાત કહી હતી તેને વાસ્તવમાં ટ્રિપલ તલાક દ્વારા પૂરી કરવામાં આવી રહી હતી.”

“ટ્રિપલ તલાકની વ્યવસ્થાનો દુરુપયોગ થઈ રહ્યો હતો. જે લોકોએ આ વ્યવસ્થાનો દુરુપયોગ કર્યો છે તેમના માટે આ એક ચેતવણી છે.”


‘મુસ્લિમ મહિલાઓ માટે ન્યાયની શરૂઆત’

પ્રતીકાત્મક તસ્વીર

સામાજિક કાર્યકર્તા અને ભારતીય મુસ્લિમ મહિલા આંદોલનનાં સંસ્થાપક ઝાકિયા સોમણનું કહેવું છે કે આ એક ઐતિહાસિક ઘડી છે. આઝાદીનાં 70થી વધુ વર્ષો બાદ પણ મુસ્લિમ મહિલાઓ આ અન્યાયથી પીડાઈ રહી છે.

તેમણે કહ્યું, “જ્યાં સુધી મુસ્લિમ મહિલાનાં પરિવાર, લગ્ન અને છૂટાછેડાની વાત છે તેમાં કોઈ કાયદો નથી. જેથી આ પ્રક્રિયા માટે ટ્રિપલ તલાકનો કાયદો એ પ્રથમ પગથિયું છે.”

“આપણા દેશમાં જે પ્રકારનું રાજકારણ ચાલે છે તેના કારણે મુસ્લિમ મહિલાઓને પારિવારિક બાબતોમાં બંધારણના અધિકાર મળી શક્યા નથી.”

“જેમ કે હિંદુ મહિલાઓને હિંદુ મૅરેજ ઍક્ટ અને ખ્રિસ્તી મહિલાઓને ખ્રિસ્તી મૅરેજ ઍક્ટ અને ઇન્ડિયન ડિવૉર્સ ઍક્ટનું સંરક્ષણ હાંસલ છે. આ રીતે મુસ્લિમ મહિલાઓને અત્યાર સુધી આવું કોઈ સંરક્ષણ હતું નહીં.”

“ટ્રિપલ તલાક બિલને કારણે મુસ્લિમ મહિલાઓને ન્યાય મળવાની શરૂઆત થશે.”


‘આ બિલ મુસ્લિમ મહિલાઓ માટે નથી’

પ્રતીકાત્મક તસવીર

ઇમારત શરિયા(બિહાર)ના મહાસચિવ અનીસુર રહમાન કાસમીનું કહેવું છે કે આ કાયદાથી પરેશાની થશે અને મુસ્લિમ મહિલાઓની મુશ્કેલી વધી જશે.

તેઓ કહે છે આ કાયદો પતિને ત્રણ વર્ષ માટે જેલમાં મોકલવાની વાત કરે છે. આ રીતે ત્રણ વર્ષ સુધી આપણે પત્નીને રસ્તા પર લાવી દઈશું.

તેમની રહેવાની વ્યવસ્થા, ભરણપોષણની વ્યવસ્થા કોણ કરશે? આ બિલ મહિલાઓના હકમાં જરા પણ નથી.

તેઓ કહે છે, “બીજી વાત એ કે દસ્તૂરમાં જે તલાકનો હક આપવામાં આવ્યો છે તેના વિરુદ્ધ પણ આ કાયદો છે. એટલે અમે કહીએ છીએ કે આ જુલમનો કાયદો છે.”

“પતિની સજાની વાત કરીએ તો આ બિલ પ્રમાણે જો કોઈ ટ્રિપલ તલાક બોલી પણ દે તો પણ તેને તલાક ગણવામાં નહીં આવે. જ્યારે તલાક થઈ જ નથી તો પતિને સજા કેમ આપી રહ્યા છો?”

“અમે લોકોએ કહ્યું હતું કે આ મામલે સામાજિક સુધારણાની જરૂરિયાત છે અને એવી રીતે કામ કરવામાં આવે જેનાથી સમાજમાં પરિવર્તન આવે.”

“લગભગ 60 ટકા મુસ્લિમ મહિલાઓ ગરીબી રેખા નીચે જીવન જીવે છે અને જો ટ્રિપલ તલાક બાદ પતિ જેલમાં જશે તો તેમનું શું થશે?”

“મને લાગે છે કે આ સંપૂર્ણ રીતે એક રાજકીય મામલો છે, આ બિલ મુસ્લિમ મહિલાઓના ભલા માટે લાવવામાં આવ્યું નથી.”

“આમાં વિપક્ષે પણ પોતાની ભૂમિકા સારી રીતે નિભાવી નથી. કેટલાક પક્ષોએ રાજ્યસભામાંથી વૉકઆઉટ કરીને સરકારનું સમર્થન જ કર્યું છે.”


એવું શું છે ટ્રિપલ તલાક બિલમાં કે વિરોધ થયો?

આ બિલમાં એવી જોગવાઈ છે કે જો કોઈ મુસ્લિમ પુરુષ બોલીને, લખીને, મૅસેજ, વૉટ્સઍપ કોઈ અન્ય ઇલેક્ટ્રોનિક ચૅટ ઍપ્સથી ટ્રિપલ તલાક આપે તો તે ગેરકાયદે ગણાશે.

ટ્રિપલ તલાક એટલે મુસ્લિમ પુરુષ એકસાથે જ ત્રણ વખત તલાક, તલાક, તલાક બોલીને તલાક આપી દે.

આ રીતે તાત્કાલિક છૂટાછેડા આપી દેવામાં આવે છે અને આ સંજોગોમાં છૂટાછેડાના નિર્ણયને ફરીથી બદલી શકાતો નથી.

આ બિલમાં ટ્રિપલ તલાકને કૉગ્નિસેબલ ગુનો ગણે છે, જે પોલીસ અધિકારીને વૉરંટ વિના આરોપીની ધરપકડ કરવાનો પાવર આપે છે.

ટ્રિપલ તલાક થયા હોય એવા કિસ્સામાં જો અન્યાય થયો હોય તે મહિલા કે તેમના કોઈ સંબંધી ફરિયાદ નોંધાવે તો જ આ બિલ અંતર્ગત તે ગુનો લેખાશે.

એવી દલીલ છે કે આ મામલે કૉગ્નિસેબલ ગુનાનો દુરુપયોગ અટકાવવા માટે આ જોગવાઈ કરવામાં આવી છે.

આ બિલમાં એવી જોગવાઈ છે કે ટ્રિપલ તલાક આપનાર મુસ્લિમ પુરુષને ત્રણ વર્ષની જેલની સજા થઈ શકે છે.

આવા કિસ્સામાં મૅજિસ્ટ્રેટ આરોપીને જામીન આપી શકે છે, પરંતુ જામીન આપતા પહેલાં મૅજિસ્ટ્રેટે જે મહિલાને અન્યાય થયો હોય તેને સાંભળવા જરૂરી છે.

આ બિલમાં સમાધાન અંગેની જોગવાઈ પણ કરવામાં આવી છે. જે અંતર્ગત બંને પક્ષો ઇચ્છે તો નિકાહ હલાલાની પ્રક્રિયામાં ગયા વિના કાયદાકીય કાર્યવાહી રોકીને સમાધાન કરી શકે છે.

ઉપરાંત આ બિલમાં જેમને તલાક આપવામાં આવ્યા હોય તે મહિલા પોતાના માટે અને તેના બાળક માટે ભરણપોષણ માગી શકે છે.

ભરણપોષણ કેટલું આપવામાં આવશે તે નક્કી કરવાના પાવર મૅજિસ્ટ્રેટને આપવામાં આવ્યા છે.

ટ્રિપલ તલાક બિલ અંતર્ગત છૂટાછેટા થયા હોય તે મહિલા તેના બાળકની કસ્ટડી મેળવવાનો અધિકાર ધરાવે છે. જે મામલે મૅજિસ્ટ્રેટ નિર્ણય લેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here