નમસ્તે ટ્રમ્પ : એરપોર્ટ પર શંખનાદ, ઢોલ અને ગરબાથી ટ્રમ્પનું સ્વાગત કરાશે

0
36

અમદાવાદ: અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું અમદાવાદ એરપોર્ટ પર ગુજરાતી શૈલીમાં સ્વાગત કરાશે. એરક્રાફ્ટથી 150 ફૂટ રેડ કાર્પેટની બંને બાજુ 6 ગ્રૂપ પરંપરાગત ગુજરાતી નૃત્ય કરી સ્વાગત કરશે. જેમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓના કલાકારો શંખનાદ, બેડા નૃત્ય, જાનવિયા ઢોલ, 52 બેડા નૃત્ય, ઢોલ-ભૂંગળી શરણાઇ, ફુલ માંડવી અને જાગવાળી બહેનોના નૃત્યોની રજૂઆત 116 કલાકારો કરશે. આ ઉપરાંત એરપોર્ટ પરના લોન એરિયામાં વિવિધ 14 ગ્રૂપના 256 કલાકારો પણ ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિના નૃત્યો રજૂ કરશે.

ટ્રમ્પ એરક્રાફ્ટમાંથી બહાર આવશે કે તરત જ 19 કલાકારો શંખનાદ કરાશે. શંખનાદમાં પણ બ્રહ્મનાદનો ધ્વનિ રહેશે. બ્રહ્મનાદનો અર્થ થાય છે ઇશ્વરનો નાદ.

આ માટે એરપોર્ટ પર અમદાવાદ ઉપરાંત બનાસકાંઠા, જામ ખંભાળીયા, સાબરકાંઠા, જૂનાગઢ, છોટા ઉદેપુર, જોરાવર નગર, ભરુચ, ડાંગ, સુરેન્દ્રનગર, પોરબંદર વગેરે સ્થળોના પરંપરાગત નૃત્યો રજૂ થશે. ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના એરક્રાફ્ટથી ઉતરીને એરપોર્ટની બહાર ન નીકળે ત્યાં સુધી આ કલાકરોનું પર્ફોમન્સ શરૂ રહેશે. એરપોર્ટ પર રજુ થનારા દરેક પર્ફોમન્સમાં ગુજરાતના દરેક પારંપરિક નૃત્યોનો સમાવેશ થઇ જાય તે બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. રોડ-શો સમયે પણ વિવિધ સાંસ્કૃતિક સ્ટેજ પરથી કલાકારો પરફોર્મ કરશે.

350 કલાકારના સંગીતના સાધનો પણ ચેક કરાશે
દાણાપીઠ સ્થિત મ્યુનિસિપલ કચેરીએ પોલીસ કમિશનર આશિષ ભાટિયા સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને મ્યુનિ.કમિશનર વિજય નેહરા સહિત ડેપ્યુટી કમિશનર્સની મિટિંગ મળી હતી. જેમાં રોડ શો-માં આવનારા તમામ લોકોને અગિયાર વાગ્યા સુધીમાં લઈ આવવા માટે પોલીસ કમિશનરે તાકીદ કરી હતી. ઉપરાંત રોડ શો માં 28 રાજ્યોના જે લોકો પર્ફોમન્સ આપવાના છે તેમના તમામ ઈન્સ્ટ્રુમેન્ટની પણ તપાસ કરાઈ લેવા માટે તાકીદ કરવામાં આવી હતી. સ્થળ પર સંકલનના અભાવે પોલીસ અને મ્યુનિ.વચ્ચે વિવાદ થાય નહીં તે માટે આ મિટિંગ મળી હતી.

સ્ટેડિયમમાં કાઉન્ટર પર પાણી મૂકવાનું પણ રિહર્સલ કરાયું
સ્ડેયિમમાં એક લાખની મેદની માટે પાણીના કાઉન્ટરો ઊભા કરાશે. મ્યુનિ.ના પ્લાન્ટમાંથી જ પાણીની બોટલો લાવવામાં આવશે. કાઉન્ટરો કેવી રીતે અને કયાં મૂકવા જેથી સ્ટેડિયમની શોભા બગડે નહીં તે માટે તેનું પણ રિહર્સલ કરાયું હતુ.

સિક્રેટ સર્વિસની સૂચનાથી ગાંધી પ્રતિમા પાસે રેમ્પ સમથળ કરાયો
યુએસ સિક્રેટ સર્વિસના અધિકારીઓની ભલામણને કારણે ગાંધીજીની પ્રતિમા પાસેના સિમેન્ટના રેમ્પની આસપાસ એક સરખો સ્લોપ કરી દેવામાં આવ્યો છે. પ્રતિમા પાસેના સ્લોપની બંને તરફ માટીના ઢગલા પાથરીને સરખા કરાયા છે.

એરપોર્ટ પર ટ્રમ્પને આવકારતું સૌથી મોટું હોર્ડિંગ મૂકવામાં આવશે
એરપોર્ટ ખાતે પણ ગુજસેઈલની ઓફિસને રંગરોગાન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત અહીં સૌથી મોટું હોર્ડિંગ્સ લગાવવામાં આવી રહ્યું છે. આ હોર્ડિંગ્સ લગાવવા માટે લોખંડના એન્ગલ ધરાવતી વિશાળ પેનલ પણ તૈયાર કરવામાં આવી રહી છે.

રોડ-શોના રૂટ પર રોડની બંને બાજુ બેરીકેડ બાંધવાના શરૂ
એરપોર્ટથી ગાંધી આશ્રમ અને આશ્રમથી ઈન્દિરાબ્રિજ વચ્ચે રોડ-શો યોજાશે. એક લાખ લોકો રોડ-શોમાં ભેગા કરવામાં આવશે. જેથી રોડની બંન્ને તરફ બેરીકેડિંગ કરવામાં આવી રહ્યું છે. રોડ-શો માં આવનારા તમામ લોકોને પણ આઈ.કાર્ડ ચેક કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here