લદાખમાં તણાવ ઓછો કરવાનો પ્રયાસ : ભારત-ચીનના વિદેશમંત્રીઓની બેઠકમાં 5 પોઈન્ટ પર સહમતી; વાતચીત દરમિયાન સૈનિક પાછળ ખસશે.

0
0

લદાખમાં તાજેતરના તણાવ વચ્ચે ભારત-ચીન વિવાદનો ઉકેલ લાવવા માટે 5 પોઇન્ટના પ્લાન અંગે સહમતી બની છે. વિદેશમંત્રી એસ. જયશંકર અને ચીનના મંત્રી વાંગ યીન વચ્ચે ગુરુવારે સાંજે મોસ્કોમાં વાતચીત થઈ હતી. બન્ને શંઘાઈ સહયોગ સંગઠન(SCO)ની મીટિંગમાં ભાગ લેવા માટે મોસ્કો ગયા છે. વિદેશમંત્રાલયે શુક્રવારે સવારે નિવેદન આપીને વિદેશમંત્રીઓ વચ્ચેની વાતચીતની માહિતી આપી છે.

આ 5 પોઈન્ટ અંગે સહમતી બની

  1. બોર્ડરના વિસ્તારમાં હાલની સ્થિતિ કોઈના હિતમાં નથી. બન્ને દેશોના જવાનો વચ્ચે વાતચીત ચાલુ રાખતાં ઝડપથી ડિસએન્ગેજમેન્ટ(વિવાદિત વિસ્તારમાંથી સૈનિકો હટાવવાનું કામ) કરવું જોઈએ. એકબીજા સાથે અંતર રાખીને તણાવ ઓછો કરવો જોઈએ.
  2. સંબંધ આગળ વધારવા માટે બન્ને દેશોના નેતાઓ વચ્ચે પહેલાં જે સર્વસંમતિ બની હતી એનાથી ગાઇડન્સ લેવું જોઈએ. મતભેદોને કારણે તણાવ ન થવો જોઈએ.
  3. બન્ને દેશોની સીમા સાથે જોડાયેલી હાલની તમામ સમજૂતીઓ અને પ્રોટોકોલને સ્વીકારવા જોઈએ. બોર્ડરના વિસ્તારમાં શાંતિ રાખીને એવી કાર્યવાહીથી બચવું જોઈએ, જેનાથી સ્થિતિ બગડવાની આશંકા હોય.
  4. બોર્ડર પર સ્થિતિ સુધારવા બન્ને દેશોએ ઝડપથી કામ કરવું જોઈએ, શાંતિ જાળવવા અને એકબીજાનો વિશ્વાસ વધારવા માટે નવા ઉપાય પૂરા કરી શકાય.
  5. સ્પેશિયલ રિપ્રેઝેન્ટેટિવ મેકેનિઝમ દ્વારા વાતચીત થતી રહેશે. વર્કિંગ મેકેનિઝમ ફોર કન્સલ્ટેશન એન્ડ કો-ઓર્ડિનેશનની બેઠક પણ ચાલુ રહેશે.

ચીને 4 દિવસમાં ઘૂસણખોરીના 2 વખત પ્રયાસ કર્યા હતા
ભારત-ચીન વચ્ચે પૂર્વ લદાખમાં આમ તો મે મહિનાથી જ તણાવ ચાલી રહ્યો છે, પરંતુ 29-30 ઓગસ્ટની રાતે ચીનની ઘૂસણખોરીથી સ્થિતિ વધુ બગડી ગઈ હતી. ચીનના સૈનિકોએ પેન્ગોન્ગ ઝીલના દક્ષિણ ભાગના પહાડ પર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતીય જવાનોએ નિષ્ફળ કરી દીધો હતો. ત્યાર પછી બન્ને દેશોના આર્મી અધિકારીઓ વચ્ચે વાતચીત ચાલુ થઈ, પરંતુ આ સાથે જ ચીને 4 દિવસમાં બીજી વખત ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો, પરંતુ દર વખત નિષ્ફળ રહ્યો.

ચીને ભૂલ સ્વીકારવાની જગ્યાએ ભારત પર આરોપ લગાવ્યા, સેનાએ ફગાવ્યા
આ પહેલાં 15 જૂને ગલવાન ઘાટીમાં ભારત-ચીન વચ્ચે અથડામણમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા. ચીનના પણ 40થી વધુ સૈનિક માર્યા ગયા હતા, પરંતુ તેણે કબૂલ્યું નથી. ઓગસ્ટની તાજેતરની ઘટના અંગે ચીને ભારતને દોષ આપતાં આરોપ લગાવ્યો કે ભારતીય જવાનોએ લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ પાર કરીને ફાયરિંગ કર્યું હતું. ભારતીય સેનાએ એના જવાબમાં કહ્યું- ન તો અમે સીમા પાર કરી છે, ન તો ફાયરિંગ કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here