લદ્દાખમાં તણાવ ઓછો કરવાનો પ્રયત્ન : ભારત-ચીન વચ્ચે લેફ્ટનન્ટ જનરલ લેવલની વાતચીત શરૂ, 24 દિવસમાં બંને દેશો વચ્ચે આ ત્રીજી બેઠક

0
3

લદ્દાખ. ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે આજે લેફ્ટિનન્ટ જનરલ લેવલની ત્રીજા રાઉન્ડની વાતચીત શરૂ થઈ ગઈ છે. ભારત તરફથી 14 કોર્પ્સના કમાન્ડર લેફ્ટિનન્ટ જનરલ હરિંદર સિંહ સામેલ થયા છે. આ મીટિંગ લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ (LAC) ચુશૂલ સેક્ટરમાં ભારતીય વિસ્તારમાં રાખવામાં આવી છે. તેમાં પૂર્વ લદ્દાખની વિવાદવાળી જગ્યાએથી સૈનિક હટાવવાની પ્રક્રિયા વિશે ચર્ચા કરવામાં આવશે. ન્યૂઝ એજન્સીના સૂત્રો દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

બંને દેશો વચ્ચે લેફ્ટિનન્ટ જનરલ લેવલની આ મહિને ત્રીજી અને 15 જૂને ગલવાનમાં થયેલી ઝપાઝપી પછી બીજી મીટિંગ થઈ રહી છે. ગઈ બે બેઠકોમાં તણાવ ઓછો કરવા અને વિવાદિત વિસ્તારોમાંથી સૈનિક હટાવવા વિશે ચર્ચા કરવામાં આવી હતી.

ગઈ બે મીટિંગની માહિતી

પહેલી મીટિંગ
ક્યારે થઈ: 6 જૂન
ક્યાં થઈ: LAC પર ચીન તરફ મોલ્ડોમાં
શું વાત-ચીત થઈ: શાંતિપૂર્ણ રીતે વિવાદ પૂરો કરીને સંબંધ આગળ વધારવા વિશે ચર્ચા થઈ. ગલવાન વેલી પાસે વિવાદિત વિસ્તારોમાં ધીરે ધીરે સૈનિક હટાવવા વિશે સહમતી થઈ.

બીજી મીટિંગ
ક્યારે થઈ: 22 જૂન
ક્યાં થઈ: LAC પર ચીન તરફ મોલ્ડોમાં
શું વાત-ચીત થઈ: ભારતે પૂર્વી લદ્દાખના પૈંગોંગ ત્સો વિસ્તારમાંથી ચીની સૈનિકો હટાવવાની માંગણી કરી. ગલવાનમાં થયેલી હિંસક ઝપાઝપી વિશે નારાજગી વ્યક્ત કરી. ભારતે ચીન સામે માંગ મુકી કે તેઓ લદ્દાખમાં તેમના સૈનિકો ઘટાડીને તે લેવલ પર લાવે જે એપ્રિલમાં હતા.