મસાલાની સિઝન શરૂ થવા પૂર્વે હળદરની કિંમત પાંચ વર્ષની ઉંચી સપાટી પર

0
8

એગ્રી કોમોડિટીમાં તેજીની સાયકલ શરૂ થઇ ચૂકી છે. વૈશ્વિક સ્તરે માગ ખુલતા કોરોના મહામારી બાદ કઠોળ તેમજ ખાદ્યતેલમાં આવેલી ઝડપી તેજી પછી હવે મસાલામાં પણ ભાવ ઝડપી ઉંચકાઇ રહ્યાં છે. મસાલાની સિઝન શરૂ થવા પૂર્વે હળદરની કિંમત પાંચ વર્ષની ઉંચી સપાટી પર પહોંચી છે. કિચન કિંગ ગણાતી અને દૈનિક ચૂટકીભર વપરાતી હળદરની કિંમત સતત વધી રહી છે. છેલ્લા ત્રણ મહિનામાં હળદરની કિંમતમાં પ્રતિ ક્વિન્ટલ દીઠ રૂ.3000નો વધારો થઇ ચૂક્યો છે. જેના કારણે હળદરની કિંમત પાંચ વર્ષની ઉંચી સપાટી પર પહોંચી છે.

ફેબ્રુઆરીમાં દેશના હોલસેલ માર્કેટમાં હળદરની કિંમત પ્રતિ ક્વિન્ટલ રૂ.8250 સુધી બોલાઇ ગઇ છે. નિષ્ણાતોનું કહેવું છે કે નવી આવકો શરૂ થવા છતાં ભાવમાં તેજીનો ટોન જળવાઇ રહ્યો છે. પુરવઠામાં ઘટાડો અને સામે માગ ઝડપી રહેતા ભાવ ઉછળ્યા છે. દેશના મુખ્ય ઉત્પાદક મથક તેલંગાણામાં વાવેતર ઘટ્યાં છે. તેલંગાણામાં વર્ષ 2019-20માં 0.55 લાખ હેક્ટરમાં વાવેતર રહ્યું હતું જે 2020-21માં ઘટીને માત્ર 0.41 લાખ હેક્ટરમાં જ રહ્યું છે. હવામાન પ્રતિકુળ રહેતા ઉત્પાદનને અસર પડશે.

અગાઉના 3-4 વર્ષોમાં હળદરની સારી કિંમત ન મળવાના કારણે ખેડૂતો હળદરના બદલે સોયાબીન તથા કપાસની તરફ ડાઇવર્ટ થયા હતા. ખેડૂતો હળદરની પ્રતિ ક્વિન્ટલ રૂ.10000 ટેકાના ભાવની માગ કરી રહ્યાં છે જેના કારણે લોકડાઉન પછી માગ ખુલતા તેજી આવી છે. 2020માં લોકડાઉનના કારણે માગ ઘટી હતી પરંતુ ઇમ્યુનિટી બૂસ્ટરના રૂપમાં હળદરનો વપરાશ વધ્યો છે. મલેશિયા, સિંગાપોર, યૂરોપિયન દેશોમાં હળદરની માગ 40 ટકા સુધી વધી છે.

મસાલાની સિઝન એપ્રિલ-મે માસમાં શરૂ થાય છે. ચાલુ વર્ષે ધાણા-જીરૂ તથા હળદરની કિંમતોમાં સુધારાના સંકેત સાંપડી રહ્યાં છે. હળદરની સાથે ધાણા તથા જીરૂની મોટા પાયે નિકાસ રહી છે. નવી સિઝનમાં ઉત્પાદનના અંદાજો કેવા રજૂ થાય છે અને નવી આવકો કેવી રહે છે તેના પર બજારની રૂખ નિર્ભર બનશે.

હળદરની કિંમત રૂ.10000 સુધી પહોંચી શકે છે

હળદરની કિંમત વધવા પાછળના અનેક કારણો છે. છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતોને સારા ભાવ ન મળવાના કારણે અન્ય વાવેતર તરફ શિફ્ટ થયા છે જેના કારણે વાવેતર ઘટવા સાથે ઉત્પાદનમાં ઘટાડો થશે. આ ઉપરાંત ઇમ્યુનિટી બૂસ્ટરના રૂપમાં હળદરનો ઉપયોગ વધ્યો છે જેના કારણે માગમાં ઝડપી વૃદ્ધિ આવી છે. સિઝન શરૂ થવા છતાં કિંમતમાં ઘટાડાની સંભાવના નથી. એપ્રિલ મધ્યમાં કિંમત 9500-10000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી પહોંચી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here