મુલાકાતનો અનુભવ : ટીવી એક્ટ્રેસ રતન રાજપૂતે સુશાંતના પિતાની પરિસ્થિતિ વર્ણવી, કહ્યું- તે કંઈ જ બોલ્યા વગર પણ બહુ બધું કહી જાય છે

0
8

પટના. સુશાંત સિંહ રાજપૂતના અવસાન બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને આંચકો લાગ્યો હતો. 14 જૂનના રોજ સુશાંતે પોતાના મુંબઈ સ્થિત ઘરમાં આત્મહત્યા કરી હતી. 15 જૂનના રોજ મુંબઈમાં જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. લૉકડાઉનને કારણે અંતિમ સંસ્કારમાં બહુ ઓછા લોકો આવી શક્યા હતાં. જોકે, હવે સેલેબ્સ પટના જઈને સુશાંતના પરિવારને સાંત્વના આપી રહ્યાં છે. હાલમાં જ નાના પાટેકર સુશાંતના પિતાને મળ્યા હતાં. હવે, ટીવી એક્ટ્રેસ રતન રાજપૂતે સુશાંતના પિતા સાથે મુલાકાત લઈને વાત કરી હતી.

રતને વીડિયો શૅર કર્યો
રતને ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શૅર કરીને સુશાંતના પિતા સાથે મુલાકાતનો અનુભવ શૅર કર્યો હતો. રતને કહ્યું હતું, ‘હું સુશાંતના અવસાનના સમાચાર સાંભળીને ઘણી જ ડિસ્ટર્બ હતી. કોઈની સાથે વાત કરવાની ઈચ્છા થતી નહોતી. હાલમાં જ સુશાંતના પરિવાર તથા પિતાને મળી. હું થોડી ડરેલી હતી કે હું તેમને મળીને શું કહીશ. થોડી નર્વસ પણ હતી. જોકે, જ્યારે હું પરિવારને મળી ત્યારે બહુ અલગ જ બન્યું હતું.’

https://www.instagram.com/tv/CB-Vb6vHfze/?utm_source=ig_embed

વધુમાં રતને કહ્યું હતું, ‘સુશાંતના પિતાને મળ્યા બાદ મારી નર્વસનેસ ગાયબ થઈ ગઈ હતી અને મને શક્તિ મળી હતી. કોઈ પિતા પોતાનો જુવાનજોધ દીકરો ગુમાવે ત્યારે તે શું વાત કરે. જોકે, સુશાંતના પિતા અલગ જ વ્યક્તિ છે. તેઓ એકદમ શાંત છે. તેઓ વધુ તો કંઈ બોલ્યા નહીં પરંતુ ચૂપ રહીને પણ ઘણું બધું કહી ગયા હતાં. તેમની એનર્જી અલગ જ હતી. હું સુશાંતની મોટી બહેનને પણ મળી. તેમને મળીને મને શક્તિ મળી. મને એ વાત ખ્યાલ આવી ગઈ કે જીવનમાં મોટો ઝાટકો વાગે પછી કેવી રીતે જીવન ચાલે છે. તમે કેવી રીતે આગળ વધો છો. આ મુલાકાત બાદ મારી અંદર અલગ જ પ્રકારની શક્તિ આવી છે. હું હવે મારી નોર્મલ લાઈફમાં કંઈક અંશે શાંતિનો અનુભવ કરી રહી છું.’

એક્ટ્રેસે આગળ કહ્યું હતું, ‘મારી માતા બહુ જ ચિંતામાં રહેતી હતી. તેને બહુ જ ટેન્શન હતું. મને લાગે છે કે આપણે પેરેન્ટ્સ સાથે યોગ્ય રીતે વાત કરતા નથી. હવે, મને ખ્યાલ આવ્યો કે આપણે આપણી લાગણીઓને પેરેન્ટ્સ તથા ભાઈ-બહેન સાથે શૅર કરવી જોઈએ. તેઓ આપણી વાત સાંભળીને તણાવમાં નથી આવતા પરંતુ તેમને રાહત થાય છે.’

વીડિયોને અંતે રતન રાજપૂતે કહ્યું હતું, ‘હું ન્યાય મળે તે માટે પ્રાર્થના કરીશ. મને લાગે છે કે તે બધું જ જોઈ રહ્યો છે. હકારાત્મકતા આપવા માટે આભાર.’