જમ્મુ-કાશ્મીર : અનુચ્છેદ 370 હટ્યાના 12 દિવસ પછી રાજ્યના પાંચ જિલ્લામાં 2જી મોબાઈલ ઈન્ટરનેટ સેવા શરૂ કરાઈ

0
38

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે. આ જોતા પ્રશાસને અનુચ્છેદ 370 હટાવ્યાના 12 દિવસ પછી શનિવારે રાજ્યમાં અમુક જગ્યાએ 2જી ઈન્ટરનેટ સેવા શરૂ કરી દીધી છે. જમ્મુ, રિયાસી, સાંબા, કઠુઆ અને ઉધમપુરમાં ઈન્ટરનેટ સેવા શરૂ કરી દેવામાં આવી છે. શુક્રવારે જ જમ્મુ-કાશ્મીરમાં મુખ્ય સચિવ બીવીઆર સુબ્રમણ્યમે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે, રાજ્યમાં તબક્કાવાર ટેલિકોમ સેવાઓ શરૂ કરવામાં આવશે.

અનુચ્છેદ 370 ખતમ કરતાં પહેલાં જ આ પગલાં લેવામાં આવ્યા હતા

જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 ખતમ કરવાની સરકારની જાહેરાત પહેલાં જ સુરક્ષાના ભાગ રૂપે ટેલિકોમ અને મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી. રાજ્યમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. આ સિવાય દરેક સ્કૂલ-કોલેજો પણ બંધ કરી દેવામાં આવી છે. શ્રીનગરમાં ત્રણેય પૂર્વ મુખ્યમંત્રીઓ ફારુક અબ્દુલા, ઓમર અબ્દુલા અને મહેબૂબા મુફ્તીને નજરબંધ કરવામાં આવ્યા છે.

જમ્મુમાં સૌથી પહેલાં છૂટ આપવામાં આવી હતી

પ્રતિબંધ લાગુ થયાના અંદાજે એક સપ્તાહ પહેલાં જ જમ્મુમાં સામાન્ય સ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રશાસને સ્કૂલ-કોલેજ શરૂ કરવાની મંજુરી આપી દીધી છે. સમગ્ર જમ્મુમાંથી કલમ 144 હટાવી લેવામાં આવી છે. ખીણ વિસ્તારમાં છૂટી છવાઈ એકાદ-બે ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ પ્રશાસન તરફથી નિવેદન આપવામાં આવ્યું છે કે, ખીણ વિસ્તારમાં સ્થિતિ નિયંત્રણમાં અને કોઈ ગંભીર હિંસા થઈ નથી.

જમ્મુ-કાશ્મીરના પ્રમુખ સચિવ રોહિત કંસલના જણાવ્યા પ્રમાણે પ્રતિબંધીત વિસ્તારમાં ઓફિસર્સની નજર છે. જ્યાં પણ સ્થિતિ સુધરતી લાગશે ત્યાં પ્રતિબંધોમાં છૂટ આપવામાં આવશે. કાંસલના જણાવ્યા પ્રમાણે હોસ્પિટલ, મેડિકલ ફેસિલિટીઝ અને નેશનલ હાઈવે અને એરપોર્ટ ઉપર પણ અત્યારે સામાન્ય સ્થિતિમાં કામ થઈ રહ્યું છે.