જામજોધપુરના વરવાળાની સગીરા પર 6 માસમાં બે વખત દુષ્કર્મ, આઘાતથી પિતાનો આપઘાત

0
25

જામજોધપુર તાલુકાના વરવાળા ગામે સગીરા પર કુતિયાણા પંથકના એક શખસે ધમકી આપીને દુષ્કર્મ આચરતાં છ માસમાં બે વખત દુષ્કર્મથી પીડાયેલી સગીરાની કથની તેના પિતાને ખબર પડતાં તેમણે ઝેરી દવા પીને આપઘાત કરી લેતાં આખો બનાવ બહાર આવતાં ભારે ખળભળાટ મચી ગયો છે. બીજી બાજુ, સગીરાએ પિતાના મોત બાદ હિંમત દાખવીને દુષ્કર્મી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતાં આખી ઘટના બહાર આવતાં પોલીસબેડા સહિત જિલ્લામાં ભારે ચકચાર મચી ગઈ છે. જામનગરમાં ગેંગરેપની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી, સગીરા સાથે થયેલા ગેંગરેપથી જામનગર જિલ્લાના લોકોમાં ભારે રોષ ફેલાયો છે, તેની વચ્ચે આજે જામજોધપુર તાલુકાના વરવાળા ગામે સગીરા પર દુષ્કર્મ અને એને પગલે તેના પિતાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધાનો બનાવ બહાર આવતાં ભારે ખળભળાટ મચી ગયો છે.

સગીરાને તબીબી ચકાસણી માટે જામનગરની જી. જી. હોસ્પિટલ ખસેડાઈ
પ્રાપ્ત વિગત અનુસાર, જામજોધપુર તાલુકાના વરવાળા ગામે રહેતી સગીરા કે જે બે દિવસ પહેલાં જ પુખ્ત વયની થઈ છે, તેને આજથી છ માસ પહેલાં છરીની અણીએ ધમકી આપી કુતિયાણા પંથકમાં રહેતો અશ્વિન ભીમશીભાઈ વાઢિયા નામના શખસે બે વખત સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું અને બનાવ અંગે જાણ કરીશ તો ભાઈ અને પિતાને મારી નાખવાની ધમકી આપી હતી. જે ડરને કારણે સગીરા જે-તે વખતે ચૂપ રહી હતી, પરંતુ થોડા દિવસ પહેલાં સગીરાના પિતાને દુષ્કર્મ અંગેની જાણકારી મળી હતી, જેથી તેઓ આઘાતમાં સરી પડ્યા હતા અને તેઓ સતત માનસિક તણાવમાં હતા,જે બાદ તેમણે ઝેરી દવા પી લેતાં તેમને સારવાર માટે ઉપલેટા અને બાદમાં જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ગત તા.30-9-2020ના રોજ તેમનું મૃત્યુ નીપજયું હતું. આ આત્મહત્યાના બનાવની જામજોધપુર પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી હતી. દરમિયાન સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાનું માલૂમ પડતાં મંગળવારે જામજોધપુર પોલીસ મથકમાં આરોપી અશ્વિન ભીમશીભાઈ વાઢિયા સામે આઈપીસીની કલમ- 376 (2), પોકસો મુજબ ગુનો નોંધી સગીરાને તબીબી ચકાસણી માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી છે.

પોલીસે આરોપી અશ્વિન વાઢિયાની શોધખોળ શરૂ કરી

આ બનાવથી નાના એવા વરવાળા ગામે ભારે ગમગીની છવાઈ ગઈ છે. પોલીસે પોરબંદર પંથકમાં પહોંચીને આરોપી અશ્વિન વાઢિયાની શોધખોળ હાથ ધરી છે. જામનગરમાં ત્રણ દિવસની અંદર ગેંગરેપ બાદ સગીરા પર દુષ્કર્મ અને પિતાના આત્મહત્યાને પગલે ચકચાર મચી ગઈ છે.

પોલીસબેડામાં હડકંપ મચી ગયો

જામનગર ગેંગરેપમાં પોલીસ આરોપીઓ સુધી માંડ હજુ પહોંચી છે, ત્યાં જામજોધપુરમાં સગીરા પર દુષ્કર્મ અને પિતાના આપઘાતનો બનાવ સામે આવતાં પોલીસબેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે. જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ જામજોધપુર દોડી ગયા છે અને આરોપીને પકડવા માટે ટીમની રચના કરી તાત્કાલિક બનાવ વધારે ચગે એ પહેલાં આરોપીને પકડીને મામલો શાંત પાડવાની કવાયત પોલીસતંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

જામનગરમાં 17 વર્ષની સગીરા પર 4 શખસે ઊંઘની દવા પીવડાવી દુષ્કર્મ આચર્યું હતું

3 દિવસ પહેલાં જામનગરના યાદવનગરમાં રહેતી 17 વર્ષની સગીરા પર ચાર શખસે ઊંઘની દવા પીવડાવી સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું, જે મામલે પોલીસે 3 આરોપીને ઝડપી પાડ્યા હતા. એ બાદ ચોથો આરોપી પણ પોલીસ સકંજામાં આવી ગયો છે. LCB જ્યારે ચોથા આરોપીને પોલીસ સ્ટેશન લઈને પહોંચી ત્યારે એક કોંગી મહિલાએ આરોપીને સેન્ડલ મારતાં અફરાતફરી મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, ગેંગરેપ 28 સપ્ટેમ્બરના થયો હતો, જેની ફરિયાદ પાંચ દિવસ બાદ નોંધાઈ હતી, જેમાં ભોગ બનનારના કાકાના દીકરાને ઘટનાની ગંધ આવી જતાં તેણે ભોગગ્રસ્ત સગીરાની માતાને વાત કરી હતી. ત્યાર બાદ સગીરાને હિંમત આવતાં તેણે ચારેય શખસ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

હાથરસની ઘટનાને લઈ સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર વિરોધપ્રદર્શન

ઉત્તરપ્રદેશના હાથરસ ગામમાં 19 વર્ષની યુવતી પર ચાર શખસે દુષ્કર્મ આચરી જીભ કાપી નાખી હતી. બાદમાં આ યુવતીનું મોત નીપજ્યું હતું. આ ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. હજુ પણ સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર આ ઘટનાને લઈને વિરોધપ્રદર્શન થઈ રહ્યાં છે. રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વિરોધ થઈ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here