અમદાવાદ ના નારોલમાં બાઇકની ટક્કરે જોડિયા ભાઇઓના મોત

0
9

અમદાવાદ: લાંભા ગામના વળાંક પાસે એક બાઇકચાલકે રસ્તા પર માતા સાથે પસાર થઈ રહેલા જોડિયા ભાઈઓને ટક્કર મારતાં તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં બંનેનાં મોત નિપજ્યાં હતાં. આ અંગે નારોલ પોલીસે બાઇકચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.

માતાને નજીવી ઈજા થઈ

લાંભા ગામમાં રહેતા એક પરિવારનાં જોડિયાં ભાઈ લવ અને કુશ (ઉં.વ.10) તેમની માતા સાથે લાંભા ગામના વળાંક પાસેથી પસાર થતાં હતાં. આ દરમિયાન સામેથી આવી રહેલા બાઇકચાલકે સંતુલન ગુમાવ્યું હતું અને લવ-કુશને અડફેટે લેતાં તેમને ગંભીર ઈજા થઈ હતી. જ્યારે તેમની માતાને નજીવી ઈજા થઈ હતી. અકસ્માત સર્જી બાઈકસવાર ભાગી ગયો હતો. આ ઘટના નજરે જોનારા લોકોના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં બાઇકસવારને પણ ઈજા થઈ હતી. જોકે તે બાઇક ઊભું કરી તુરંત જ નાસી ગયો હતો.

બંને ભાઈઓ માતાની સાથે રમતાં રમતાં જઈ રહ્યાં હતાં

કેટલાક લોકોએ તેનો પીછો કર્યો હતો, પરંતુ તે ભાગી જવામાં સફળ રહ્યો હતો. બીજી બાજુ ઈજા પામેલા લવ અને કુશને તાત્કાલિક એલજી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન બંને ભાઈનાં મોત નિપજ્યાં હતાં. ધોરણ-5માં અભ્યાસ કરતા બંને ભાઈઓ માતાની સાથે રમતાં રમતાં જઈ રહ્યાં હતાં. એવામાં અચાનક આ અકસ્માતથી માતા સહિત પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here