ગાંધીનગર : હથિયારો સાથે અમદાવાદમાં લૂંટ કરવા નીકળેલા બે આરોપીની ધરપકડ

0
15

અમદાવાદમાં હથિયારો સાથે લૂંટ કરવા જતા બે શખ્સોને ગાંધીનગર LCBએ દબોચી લીધા હતા. આરોપીઓ પાસેથી લોડેડ પિસ્ટલ, 18 કારતૂસ, મરચાની ભૂકી મળી આવી હતી. મૂળ ખંભાતની એક મહિલાના કહેવાથી અમદાવાદ વટવા જીઆઈડીસી ખાતે એક શેડમાં રોકડ નાણાની લૂંટનો પ્લાન બનાવ્યો હતો. આ માટે બે યુવકોને સંપર્ક સાધ્યો હતો. જે લૂંટ કરવા આવે તે પહેલા LCBએ પેથાપુર ચોકડી પાસે અલગ-અલગ બાઈક પર આવેલા બન્ને શખ્સોને દબોચી લીધા હતા. હાલ આ મામલે પેથાપુર પોલીસે પાંચ શખ્સો સામે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાની વિગત મુજબ, મૂળ ખંભાતના અને હાલ વિજાપુર રહેતા યુવકે ખંભાતની મહિલા સાથે મળીને લૂંટનો પ્લાન બનાવ્યો હતો અને તે માટે ઉત્તરપ્રદેશના બે શખ્સોને વાત કરતાં તેઓે એક શખ્સને પિસ્ટલ સાથે ગુજરાત મોકલ્યો હતો. આરોપીઓ અંગે બાતમી મળતા પોલીસે મંગળવારે સવારે 11 વાગ્યે પેથાપુર ચોકડી પાસે અલગ-અલગ બાઈક પર આવેલા બે શખ્સોને દબોચી લીધા હતા. UP-72-AY-1620 નંબરના બાઈક પર આવેલો શખ્સ ઉત્તરપ્રદેશનો મહમદમુકીમ મહમદઅબ્બાસ કુરેશ (આંચલપુર) જ્યારે બાઈક પર આવેલા શખ્સ મહેસાણાના વિજાપુરના વિપુલ હરીભાઈ પટેલ (32 વર્ષ, મકાન નં-24, શિવાલીક હોમ્સ, મૂળ-ખંભાત) હોવાનું સામે આવ્યું હતું. મુકીમ પાસે દેશી બનાવટની લેથ મશીનકટ લોડેડ પિસ્ટલ મેગઝીન 3 કારતૂસ સાથે મળી આવી હતી.

જ્યારે વિપુલ પાસે 15 નંગ કારતૂસ અને મરચાની ભુકી મળી આવી હતી. જે અંગે પૂછપરછ કરતાં વિપુલે પોતાના ઓળખીતા રસીદાબેન જાવેદભાઈ મનસુરી (રહે- લાલ દરવાજા, ખંભાત)ના કહેવાથી અમદાવાદ વટવા જીઆઈડીસી ખાતે એક શેડમાં રોકડ નાણાની લૂંટનો પ્લાન બનાવ્યો હતો. પ્લાન બાબાતે વિપુલે યુપીના પ્રતાપગઢના સાહિલ ઉર્ફે મસન ઉર્ફે પહેલવાન મહોમદ હબીબ કુરેશી અને સત્તારઅલી કુરેશીને જાણ કરી હતી.

પોલીસ તપાસમાં આરોપી મુકીમ કુરેશી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ઉત્તરપ્રદેશના પ્રતાપગઢમાં લૂંટ અને હત્યાના પ્રયાસના ગુના દાખલ છે. જેમાં કહમડૌર ખાતે લૂંટ, માંધાતા ખાતે લૂંટ, આંતુ ખાતે લૂંટ તથા પોલીસ પર ફાયરિંગ કરવા જેવા ગુનો નોંધાયેલા છે. ચારેય ગુનામાં આરોપી મુકીમ કુરેશી વોન્ટેડ છે.

હાલ આ સમગ્ર મામલે પોલીસે 10 હજારની પિસ્ટલ, 1800ની કિંમતના 18 કારતૂસ, 10 હજારના બે ફોન, 70 હજારના બે પલ્સર બાઈક, 800 રૂપિયા રોકડા મળી કુલ 92,600નો મુદ્દામાલ જપ્ત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.