પોરબંદરના સોની વેપારી પ્રતાપભાઇ પાલા સહિત ત્રણ લોકોને બજારભાવ કરતા ૧૫ ટકા ઓછા ભાવે સોનુ આપવાની લાલચ આપીને જયપુર લઇ જવાયા બાદ અપહરણ કરી રૂપિયા વીસ લાખની ખંડણી પડાવ્યાના ગુનામાં પોલીસે બે ઇસમોની ધરપકડ કરી છે.
જયપુર નજીક અંધારામાં કાર ઉભી રાખીને ત્રણેને બેફામ માર મારી દોરડેથી બાંધી દઈ ત્યારબાદ પ્રતાપભાઇ પાલાના પુત્ર વિવેકને ફોન કરાવીને સોનાના દાગીનાનો સોદો થયાનુ જણાવી ૨૦ લાખ રૂપિયા પડાવી લીધાનો ગુનો નોંધાયો હતો. એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એચ.એમ. જાડેજાના માર્ગદર્શન મુજબ કાર્યરત સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે પોરબંદર ઓરીયન્ટ ડેકટરી પાછળ પોરબંદર-દ્વારકા બાયપાસ રોડ ઉપર જાહેરમાંથી આરોપી પ્રતાપભાઇ અરશીભાઇ ઓડેદરા (ઉ.વ. ૪૨ રહેઃ મહીરા ગામ પાદરમાં પ્લોટ વિસ્તાર, તા. રાણાવાવ) તથા રામજી ઉર્ફે જાડો જીણાભાઇ કટારીયા (ઉ.વ. ૩૮ રહે. ગઢડા ગામ બોટાદ રોડ પી.ટી.સી. કોલેજ પાસે, તા.સ્વામીના ગઢડા, જી. બોટાદ)ને ઉપરોકત ગુન્હામાં લીધેલ ખંડણીમાં પોતાના ભાગમાં આવેલ રોકડા રૂપિયા ૬,૪૫,૬૦૦ તથા આરોપીઓએ ગુનો કરવામાં ઉપયોગ કરેલ સફેદ કલરની નિશાન કંપનીની સની કાર સહિત રૂા. ૮૦૦૦ મળી કુલ રૂા. ૮,૫૩,૬૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે.