ગાંધીનગરના સેક્ટર – 2/બી મહુડી મંદિર પાસે પૂર્વ બાતમીના આધારે સેકટર – 7 પોલીસે કારમાંથી વિદેશી દારૂની 292 બોટલો સાથે બે બુટલેગરોને દબોચી લીધા હતા. પોલીસે કુલ રૂ. 5.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરી અન્ય બે બુટલેગરોને પણ ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ગાંધીનગરના સેક્ટર – 2/બી ખાતેના મહુડી મંદિર નજીકમાં ઉભેલી હુન્ડાઇ આઈ – 20 કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો હોવાની બાતમી સેક્ટર – 7 પોલીસ મથકના પીઆઈ પી બી ચૌહાણને મળી હતી. જેનાં પગલે પોલીસ ટીમ તાત્કાલિક મહુડી મંદિર ખાતે પહોંચી ગઈ હતી અને બાતમી મુજબની કાર સાથે બે બુટલેગરોને ઉઠાવી સેક્ટર – 13 ની ચોકીએ લઈ જવાયા હતા.
જ્યાં પોલીસ કારની તલાશી લેતાં અંદરથી વિદેશી દારૂની 292 નંગ બોટલો મળી આવી હતી. જે મામલે પૂછતાંછ કરતાં બંને ઈસમોએ પોતાના નામ દિગ્વિજયસિંહ ગોવિંદસિંહ ચાવડા (ઉ.વ.23 હાલ રહે.327 ગાયત્રીનગર સેકટર-23, મુળ રહે.રંગપુર ગામ તા. માણસા) તેમજ પ્રકાશ રમેશભાઇ પરમાર (ઉ.વ. 33 હાલ રહે.પ્લોટ નં-1185/1, સેક્ટર-2/એ, મુળ રહે,કોલવડા) હોવાનું જણાવ્યું હતું.
બાદમાં પોલીસે ગેરકાયદેસર દારૂના જથ્થા અંગે કડકાઈથી પૂછતાંછ હાથ ધરતાં કાર પ્રકાશની માલિકીની હોવાનું ખુલ્યું હતું અને દિગ્વિજયસિંહ તેમજ પ્રકાશનો ભાઈ વિજય રમેશભાઈ પરમાર (રહે.પ્લોટ નં-1186/1,સેક્ટર-2/એ) સાગરસિંહ ચંપુસિંહ ઝાલા (રહે, સુણસર તા.જી. પાટણ) પાસેથી 14 મી મેનાં રોજ લઈને આવ્યા હતા. અને આ દારૂ છૂટક વેચાણ કરવા માટે લાવ્યા હોવાની વધુમાં કબૂલાત કરી હતી. જેનાં પગલે પોલીસે દિગ્વિજય સિંહ અને પ્રકાશની ધરપકડ કરી રૂ. 27,372 નો દારૂ, ત્રણ મોબાઇલ ફોન, કાર મળીને કુલ રૂ. 5 લાખ 40 હજાર 372 નો મુદામાલ જપ્ત કરી અન્ય બે બુટલેગરોને પણ ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.