અમદાવાદ : સોલા સિવિલ હોસ્પિટલના RMO સહિત 2 ડોક્ટર કેન્ટિનનું 1 કરોડ 18 લાખનું બિલ પાસ કરવા 8 લાખની લાંચ લેતા ઝડપાયા.

0
5

સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા કોરોનાના દર્દીઓને આપવામાં આવતા ભાેજન અને ચા-નાસ્તાના રૂ.1.18 કરોડનું બિલ મંજૂર કરવા ઇન્ચાર્જ આર.એમ.ઓ ડૉ.ઉપેન્દ્ર પટેલ અને મેડિકલ ઓફિસર ડૉ.શૈલેષ પટેલે કોન્ટ્રાક્ટર પાસેથી 16 લાખની અને કેન્ટિનનું ટેન્ડર ત્રણ વર્ષ માટે મંજૂર કરવા વધુ 2 લાખ એમ કુલ મળી 18 લાખની લાંચ માગી હતી જે પૈકી અગાઉ 10 લાખ લીધા હતા જ્યારે બાકીના 8 લાખ ગુરુવારે સોલા સિવિલ હોસ્પિટલની સુપ્રિટેન્ડેન્ટ ઓફિસની સામેની વેઇટિંગ ઓફિસમાં લેતા એસીબીના હાથે ઝડપાયા હતા.

છેલ્લા 4 મહિનામાં સોલા સિવિલમાં દાખલ થયેલા દર્દીઓને હોસ્પિટલ દ્વારા કેન્ટિન ફેસિલિટી આપવામાં આવતી હતી. જેમાં ચા-પાણી તેમજ જમવાનું સરકારી ખર્ચે અપાતું હતું. 4 મહિનાનું બિલ 1.18 કરોડ થયું હતું. કોન્ટ્રાક્ટરે આ બિલ મંજૂરી માટે મૂક્યું હતું ત્યારે ડૉક્ટર ઉપેન્દ્ર પટેલ અને ડૉ.શૈલેષ પટેલે બિલ મંજૂર કરવા 30 ટકા લાંચ પેટે માગ્યા હતા. જોકે રકઝકના અંતે 16 ટકા લાંચ આપવાનું નક્કી કર્યું હતું. આ લાંચ ઉપરાંત કેન્ટિનનું ટેન્ડર પણ 3 વર્ષ માટે મંજૂર કરવા વધુ બે લાખ માગ્યા હતા. જે અંગે ટેન્ડર ચલાવતા કોન્ટ્રાક્ટરના ભાઈએ એસીબીને જાણ કરી હતી. એસીબીએ છટકું ગોઠવતાં ગુરુવારે સોલા સિવિલમાં જ બંને ડૉક્ટરોએ 8 લાખની લાંચ સ્વીકારતા એસીબીએ ઝડપી પાડ્યા હતા. સરકારી હોસ્પિટલના ડૉક્ટરો દ્વારા આટલી મોટી રકમની લાંચ લીધી હોવાની આ પહેલી ઘટના છે.

બંને ડૉક્ટરની કોરોના ટેસ્ટ બાદ ધરપકડ થશે

સોલા સિવિલ હોસ્પિટલના ડૉક્ટર ઉપેન્દ્ર ગોપાલભાઈ પટેલ (મેડિકલ ઓફિસર, ઇન્ચાર્જ આરએમઓ) ડૉક્ટર શૈલેષકુમાર ચેલાભાઈ પટેલ (મેડિકલ ઓફિસર, ઇન્ચાર્જ વહીવટી અધિકારી)ની એસીબીએ અટકાયત કરી હતી અને બંને મેડિકલ ઓફિસરના કોરાેનાના ટેસ્ટ કરાવવાની પ્રક્રિયા હાથ ધરી હતી. કોરોનાના ટેસ્ટના પરિણામ બાદ બંનેની ધરપકડ કરાશે તેવું એસીબીના અધિકારીએ જણાવ્યું હતું.

પહેલા 1.18 કરોડના 30 ટકા માગ્યા, અંતે લાંચની રકમ 16 ટકા નક્કી કરી હતી

4 મહિનાના બિલ પેટે 1.18 કરોડ થયા હતા. આ બિલ કોન્ટ્રાક્ટરે રજૂ કરતાં તે મંજૂર કરવા પહેલા 30 ટકા લાંચની માગણી કરી હતી. જોકે તે પછી રકઝકના અંતે 16 ટકા લાંચ પેટે આપવાનું નક્કી કર્યું હતું. બે તબક્કામાં આ રકમ આપવાનું નક્કી થતાં અગાઉ રૂ.10 લાખ આપી દીધા હતા. જો કે આ પછી કોન્ટ્રાક્ટરના ભાઈએ એસીબીને ફરિયાદ કરી હતી. જેથી એસીબીના છટકામાં બંને ડૉક્ટર ઝડપાઈ ગયા હતા.

કોન્ટ્રાક્ટરના ભાઈએ લાંચ આપી હતી

કોન્ટ્રાક્ટરના ભાઈએ લાંચની રકમ આપવાની ડીલ નક્કી કરી હતી. બીજી તરફ એસીબીને ફરિયાદ કરી હોવાથી અધિકારીઓ ખાનગી વેશમાં હોસ્પિટલમાં પહોંચ્યા હતા જ્યાં વેઇટિંગ રૂમમાં ડૉક્ટરોને પકડ્યા હતા.

ડૉક્ટરોએ 18 લાખ લીધાની પ્રથમ ઘટના

સરકારી હોસ્પિટલના ડૉક્ટરોએ 18 લાખ જેવી માતબર રકમની લાંચ માગી અને લીધી હોવાની આ પહેલી ઘટના છે. જોકે હજુ એસીબીએ અગાઉ બંને ડૉક્ટરોએ લીધેલા 10 લાખ રિકવર કરવાની કાર્યવાહી શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here