રાજકોટ અને જૂનાગઢમાં પવન સાથે બે ઇંચ વરસાદ, રામપરની નદીમાં કાર તણાઇ,

0
0

રાજકોટ: અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરથી સૌરાષ્ટ્રભરમાં ગત રાતથી આજ સુધી અવિરત મેઘમહેર યથાવત છે. રાજકોટમાં આજે વહેલી સવારથી સમગ્ર શહેરમાં પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. રાજકોટમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. જૂનાગઢમાં પણ ગત રાતથી સવાર સુધીમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે ભાદર ડેમ 2ના દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. તેમજ નીચાણવાળા વિસ્તારો અને ગામડાઓને એલર્ટ આપવામાં આવ્યું છે. નદીના પટમાં ન જવા લોકોને સૂચના આપવામાં આવી છે. જામકંડોરણાના રામપરની નદીમાં એક કાર તણાઇ છે, કારમાં ત્રણ મહિલા હોવાની આશંકા સેવાઇ રહી છે.

પટેલ પરિવાર લગ્નમાં જતો હતો અને કાર પૂરના પાણીમાં તણાઇ

જામકંડોરણા વિસ્તારમાં ધોધમાર વરસાદથી રામપરની નદીમાં એક કાર તણાઇ હતી. કારમાં બેથી ત્રણ મહિલા હોવાની આશંકા છે. કાર હજી પાણીમાં ગરકાવ છે. ગામના લોકો દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયું છે. જેમાં ભુપતભાઇ મારકણા નામના વ્યક્તિને બચાવી લીધા છે. ભુપતભાઇને 108માં જામકંડોરણા સારવાર માટે ખસેડાયા છે. વંથલીનો પાટીદાર પરિવાર હોવાનું જાણવા મળ્યું છે. જશાપર ગામે લગ્નપ્રસંગમાં પરિવાર જતો હતો.

આજી 1-2, ન્યારી 1-2 ડેમ ફરી ઓવરફ્લો

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આવક વધતા રાજકોટના આજી એક અને બે તેમજ ન્યારી એક અને બે ડેમ ફરીવાર ઓવરફ્લો થયા છે. લાલપરી તળાવ પણ છલોછલ થયું છે. સતત વરસાદના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. આગોતરૂ વાવેતર કરનાર માટે હાલનો વરસાદ નુકસાનકારક બન્યો છે.

નવરાત્રીના આયોજનો રદ

રાજકોટમાં આજે સવારે ભારે વરસાદને કારણે શહેરમાં ઠેર ઠેર થયેલા નવરાત્રીના આયોજનો કેન્સલ થવાની શક્યતા છે. અર્વાચીન ગરબીઓના ગ્રાઉન્ડમાં પાણી ભરાતા અનેક આયોજનો કેન્સલ થવાની સંભાવના છે. જૂનાગઢમાં સમસ્ત બ્રહ્મ યુવા સમાજ દ્વારા આયોજીત ગરબી રદ કરવામાં આવી છે. રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ પર પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલી પડી હતી.

ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા પંથકમાં દોઢ ઇંચ

ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, કોટડાસાંગાણી અને આટકોટ સહિતના પંથકમાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસતા દોઢ ઇંચ નોંધાયો છે. પાટીયાળી પાસે આવેલો મોતીસર ડેમના 5 દરવાજા 40 ડિગ્રી સુધી ખોલાયા છે. આથી નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નવી મેંગણી ગામની નદીમાં ઘોડાપૂર આવતા લોકો જોવા ઉમટી પડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here