રાજકોટ : આત્મીય કોલેજના બે વિદ્યાર્થીઓ 3.4 કિલો ગાંજા સાથે ઝડપાયા,

0
44

રાજકોટ: રાજકોટ શહેરમાં માદક પદાર્થનું સેવન ચિંતાજનક રીતે વધી રહ્યું છે, શહેરમાંથી અગાઉ કરોડો રૂપિયાનો ગાંજો, ચરસ અને કોકેનનો જથ્થો ઝડપાયો હતો, શહેરનું યુવાધન નશીલા પદાર્થના સેવનમાં ગરક થઇ રહ્યું છે ત્યારે શહેર પોલીસે શનિવારે આત્મીય કોલેજના એન્જિનિયરિંગના વિદ્યાર્થી દિવ્યેશ રમેશ સોલંકી અને બીસીએના વિદ્યાર્થી હર્ષ સુનિલ ગાંધીને રૂ.2,04,000ની કિંમતના 3.4 કિલો ગાંજાના જથ્થા સાથે દબોચી લીધા હતા. બંને વિદ્યાર્થીઓએ કોલેજના અનેક વિદ્યાર્થીને નશાના માર્ગે ચડાવ્યા અને મોટો જથ્થો અગાઉ વેચ્યાની શંકાએ પોલીસે બંનેને રિમાન્ડ પર લઇ તપાસ શરૂ કરી હતી.

પોલીસે બાતમીના આધારે બંનેને પકડી પાડ્યા

પોલીસને બાતમી મળી હતી કે રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાછળ સોમનાથ સોસાયટી મેઇન રોડ પર તુલસી બાગ પાસેથી બે વિદ્યાર્થી માદક પદાર્થ લઇને નીકળવાના છે. આ બાતમી પરથી વોચ રાખવામાં આવતાં વહેલી સવારે એક્સેસ ટુ વ્હીલર પર બે યુવાન શંકાસ્પદ રીતે નીકળતા તેને અટકાવી તલાશી લેતાં રૂ. 20400ની કિંમતનો 3.4 કિલો ગાંજો મળતાં બંનેને અટકાયતમાં લઇ યુનિવર્સિટી પોલીસ મથકમાં એનડીપીએસની કલમો હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસે 1,55,400 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો

પૂછપરછમાં આ બંનેએ પોતાના નામ દિવ્યેશ રમેશભાઇ સોલંકી અને હર્ષ સુનિલભાઇ ગાંધી જણાવ્યા હતાં. પોલીસે બંને પાસેથી ગાંજો, બે મોબાઇલ ફોન, ટુ વ્હીલર મળી કુલ રૂ. 1,55,400નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તપાસમાં દિવ્યેશે જણાવ્યું હતું કે તે અનાથ હતો, અગાઉ ભાવનગરમાં રહેતો હતો અને અભ્યાસ કરતો હતો. બારમા ધોરણમાં સારી ટકાવારી આવ્યા પછી આત્મીય કોલેજમાં બીઇ સિવિલમાં એડમિશન લીધું હતું. હાલ આ અભ્યાસ પૂરો થવામાં છે અને એટીકેટી આવી હોય તે સોલ્વ કરવાની છે.

અનાથ દિવ્યેશને દત્તક લઇને ભણાવ્યો, છતાં અવડે પાટે ચડ્યો
ભાવનગર પંથકનો વતની દિવ્યેશ સોલંકી અનાથ હોવાથી ગાંધીધામના એક પરિવારે દત્તક લઇને તેને ભણાવ્યો હતો. દિવ્યેશને પુત્ર તરીકે ઉછેરી તેને એન્જિનિયર બનાવવાના સ્વપ્ન સેવ્યા હતા અને દિવ્યેશને આત્મીય કોલેજમાં એન્જિનિયરિંગમાં એડમિશન પણ અપાવ્યું હતું, પરંતુ મોજશોખ પૂરા કરવા દિવ્યેશ સોલંકી માદક પદાર્થના વેચાણના રવાડે ચડી ગયો.

દિવ્યેશ સુરત તરફથી ગાંજો લાવતો હતો

જ્યારે હર્ષ ગાંધીના પિતા પીજીવીસીએલમાં નોકરી કરે છે. જ્યારે હર્ષ આત્મીય કોલેજમાં બીસીએના બીજા વર્ષમાં સેકન્ડ સેમમાં અભ્યાસ કરે છે. આ બંને ગાંજો લાવી બીજા છાત્રોને જ વેંચતા હોવાની પ્રાથમિક કબૂલાત આપી હોય પોલીસ પણ ચોંકી ગઇ છે. દિવ્યેશ સુરત તરફથી આ ગાંજો લાવતો હોવાનું રટણ કર્યુ છે. તે એક એક કિલો લાવી પડીકીઓ બનાવી 500થી 700 લેખે એક પડીકી વેંચતો હોવાનું પણ પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. કેટલા વિદ્યાર્થીઓને નશાના રવાડે ચડાવી દીધા છે? બીજા કોઇ આ ગોરખધંધામાં સામેલ છે કે કેમ? મુખ્ય સપ્લાયર કોણ છે? તે સહિતના મુદ્દે તપાસ કરવાની હોય બંનેના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here