કર્ણાવતી ક્લબ પાસે ટેન્કર અને એસટી બસ ટકરાતાં 2 પેસેન્જરનાં મોત થયા

0
51

ઓવરસ્પીડમાં વાહન ચલાવવા માટે પોલીસ કમિશનરનું જાહેરનામું બહાર પડ્યાના હજુ ચાર દિવસ પણ નથી થયા અને અમદાવાદમાં એસજી હાઈવે પર કર્ણાવતી કલબ પાસે ગઇ કાલે એસટી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એસટી બસમાં સવાર બે મુસાફરોનાં મોત નીપજ્યાં છે, જ્યારે ચાર લોકોને ઇજા પહોંચી છે. આ ઘટનામાં ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

એસ.જી. હાઇવે પર આવેલા કર્ણાવતી ક્લબ પાસે ભૂજ-ગોધરા રૂટની એસ.ટી. બસ સાથે રોંગ સાઈડમાંથી આવતું ટેન્કર અથડાતાં બે વ્યક્તિનાં મોત થયાં છે જ્યારે ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતના પગલે મુસાફરોથી ભરેલી એસ.ટી. બસના દરવાજા અને આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને નજીકની હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

સવારે ચાર વાગ્યે સર્જાયેલા આ અકસ્માતમાં ટેન્કરે બસને ટક્કર મારી હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. ભુજથી ગોધરા તરફ જઈ રહેલી બસ ઉજાલા ચોકડીથી આવી રહી ત્યારે કર્ણાવતી ક્લબ પાસે રોંગ સાઇડમાં આવેલા ટેન્કરે બસને ટક્કર મારી હતી. બસમાં સવાર કાળુભાઈ ભઢાર અને નિલેશ ડામોરના મોત થયા છે. અકસ્માતમાં કાળુભાઇ એસટી બસના દરવાજા વચ્ચે ફસાઈ જતાં તેમને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવાઈ હતી. આ ઘટનામાં ટેન્કરચાલક નાસી છૂટ્યો હતો જ્યારે તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

વહેલી પરોઢે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતના કારણે એસ.જી.હાઇવે પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ હતી. રોડ વચ્ચે થયેલા અકસ્માતમાં બસ અને ટેન્કર હટાવવા માટે ફાયર‌િબ્રગેડની મદદ લેવાઇ હતી જ્યારે સ્થાનિકો પણ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવા માટે કામે લાગ્યા હતા. એસ.જી.હાઇવે પર ટ્રાફિક પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here