મોડાસા : બે સગાભાઇઓ, હિંમતનગરના પરબડા અને ભોલેશ્વરમાં 8 લોકો શંકાસ્પદ ડેન્ગ્યુના ભરડામાં

0
16

મોડાસા- હિંમતનગરઃ મોડાસા શહેરના માલપુર રોડ પરની કાર્તિકેય સોસાયટીમાં રહેતા બે સગાભાઇઓને શંકાસ્પદ ડેન્ગ્યુ હોવાનું બહાર આવતાં પરિવાર પારેવાની માફક ફફડી ઉઠ્યું છે.હિંમતનગરને અડીને આવેલા પરબડા અને ભોલેશ્વરમાં 8 દર્દીઓ શંકાસ્પદ ડેન્ગ્યુના ભરડામાં સપડાતાં ગામમાં હાહાકાર મચી ગયો છે.

મોડાસાના માલપુર રોડ પરની કાર્તિકેય સોસાયટીમાં રહેતો 28 વર્ષિય યુવાન બીમારીમાં સપડાતા તેને દવાખાનામાં સતત ત્રણ દિવસ સુધી સારવાર આપવામાં આવી હતી. પરંતુ તબિયતમાં સુધારો ન જણાતા પરિવાર તેને શહેરની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયું હતુ. જ્યાં તેને શંકાસ્પદ ડેન્ગ્યુ હોવાનું નિદાન થતા પરિવારમાં દોડધામ મચી ગઇ હતી. જો કે એક ભાઇ હોસ્પિટલમાં માંદગીના બિછાને પડ્યો હતો. ત્યાં તો 26 વર્ષિય નાનોભાઇ પણ બીમારીમાં સપડાતાં પરિવાર તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ આવ્યું હતું. જ્યાં તેને પણ શંકાસ્પદ ડેન્ગ્યુ હોવાનું નિદાન થયું હતુ.
હિંમતનગરને અડીને આવેલા પરબડા પંચાયત વિસ્તારના ચિસ્તીયાનગરમાં સળંગ 5 ઘરોમાં 4 બાળકો અને 2 મોટી ઉંમરના વ્યક્તિઓ મળી કુલ 6 દર્દીઓ અને ભોલેશ્વરમાં 2 મળી કુલ 8 દર્દીઓ શંકાસ્પદ ડેન્ગ્યુમાં સપડાયા છે. 4 દર્દીઓ હિંમતનગર સિવિલમાં જ્યારે અન્ય દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જિલ્લા મથક નજીકના 2 ગામોમાં 8 દર્દીઓ ડેન્ગ્યુમાં સપડાતાં ગામમાં રોગચાળો વધુ ફેલાતો અટકે તે માટે જિલ્લા આરોગ્ય તંત્ર જાગૃત બની ફોગીંગ દ્વારા દવા છંટકાવ કરાવે તેવી ગ્રામજનોની માગણી છે.