મુંબઈનાં પૂરમાં બે ટ્રેનો ફસાઈ: 390 પ્રવાસીને ઉગારાયા

0
6

મુંબઈ તા.6 મુંબઈમાં અતિ ભારો વરસાદે જળપ્રલયની હાલત સર્જી દીધી હતી ત્યારે આજે પણ જનજીવન સ્થગીત જ રહ્યું છે. હજુ વધુ ભારે વરસાદની આગાહી વચ્ચે એલર્ટના આદેશ યથાવત રાખવામાં આવ્યા છે. બે ટ્રેનો અટવાઈ પડી હોવાથી તેમાંથી 290 પ્રવાસીને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા બાદ તંત્ર તથા સરકારે રાહતનો શ્વાસ લીધો હતો.

રિપોર્ટ પ્રમાણે આજે સવારે પુરા થયેલા ચોવીસ કલાકમાં કોલાબા ક્ષેત્રમાં 13 ઈંચથી વધુ તથા શાંતાક્રુઝ ક્ષેત્રમાં સાડા છ ઈંચ પાણી વરસ્યુ હતું. રાત સુધીમાં 12 ઈંચ જેટલો વરસાદ હતો. રાત દરમ્યાન જોર ઓછુ થયુ હતું અને દોઢ ઈંચ પાણી વરસ્યુ હતું. બપોરથી રાત સુધીમાં 100 કિલોમીટરથી વધુની ઝડપે પવન સાથે ખાબકેલા અતિ ભારે વરસાદે મુંબઈગરાઓને ભયભીત કરી મુકયા હતા.

અતિ ભારે વરસાદને કારણે આખુ મહાનગર પાણી-પાણી થઈ ગયુ હતું અને પુરની હાલત સર્જાઈ હતી. પશ્ર્ચીમીપરા વિસ્તારોમાં કેડ સમા પાણી ભરાયા હતા. રેલવે, બસ સહિતનો વાહન વ્યવહાર સ્થગીત થઈ ગયો હતો. રેલવે પાટાઓ પરથી પાણીનો ધસમસતો પ્રવાહ હતો. પરિણામે બે ટ્રેનો પણ અધવચ્ચે અટવાઈ પડી હતી. મસ્જીદ રેલવે સ્ટેશન પાસે બે લોકલ ટ્રેનો ફસાઈ ગઈ હતી. તેમાંથી મુસાફરોને ઉગારવા માટે એનડીઆરએફની મદદ લેવામાં આવી હતી. એક ટ્રેનમાંથી 231 તથા બીજી ટ્રેનમાંથી 39 પ્રવાસીઓને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા.

મહાનગરમાં અતિ ભારે વરસાદ અને પુર જેવી હાલતને પગલે પશ્ર્ચીમ રેલવે દ્વારા તમામ ખાસ ટ્રેનો પણ સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી.

સમગ્ર મહાનગરમાં 100 કિલોમીટરથી અધિકના વાવાઝોડા જેવા પવન સાથેના અનરાધાર વરસાદે ભારે તારાજી સર્જી હતી. ઠેકઠેકાણે ઝાડ થાંભલા પડી ગયા હતા. જવાહરલાલ નહેરુ પોર્ટ પર ત્રણ વિરાટ ક્રેઈન ભાંગી ગઈ હતી. ઐતિહાસિક મુંબઈ શેરબજારનું બોર્ડ પણ તૂટી પડયું હતું. સમગ્ર મુંબઈ પાણી-પાણી થઈ ગયુ હતું. પુર જેવી હાલત વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી અને તમામ મદદની ખાતરી આપી હતી.

ઝાડ-થાંભલા વગેરે પડવાની સાથોસાથ મકાનોમાં પણ પાણી ઘુસ્યા હતા. ઉપરાંત કોરોના હોસ્પીટલમાં પણ પાણી ઘુસ્યા હતા. છ સ્થળોએ મકાન તથા દિવાલો ધસી પડી હતી. 141 સ્થળોએ ઝાડ પડયા હતા. સરકાર દ્વારા લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી હતી. મહાનગરમાં અતિ ભારે વરસાદે 46 વર્ષનો રેકોર્ડ તોહયો હતો. ઝાડ-થાંભલા પડવાની ઘટનાઓને કારણે સંખ્યાબંધ રસ્તા બંધ છે અને જનજીવન સ્થગીત જ છે.