અમદાવાદ : નરોડામાં દેશી દારૂનું બેફામ વેચાણના બે વીડિયો બહાર આવતા PSI જે.જી કામળિયા રજા પર.

0
37

શહેરમાં પૂર્વના પીઆઇ વગરના નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂઓના અડ્ડાઓ ધમધમી રહ્યાં હોવાનો વીડિયો બહાર આવ્યો છે. નરોડા જીઆઇડીસી વિસ્તારમાં દેશી દારૂના વેચાણના વીડિયોમાં બુટલેગરો PSI જે.જી કામળિયાનું નામ લે છે અને પોલીસ સાથે સેટીંગ હોવાનું કહે છે. આ વીડિયો બહાર આવતાંની સાથે જ PSI જે.જી. કામળિયા રજા પર ઉતરી ગયા છે. DCP ઝોન 4એ આ મામલે તપાસના આદેશ આપ્યા છે ત્યારે તપાસમાં PSI કામળિયા, નરોડા પોલીસ સ્ટેશનનો વહીવટ સંભાળતા પોલીસકર્મી રૂદ્રદત્તસિંહ સહિતના કર્મચારીઓના નિવેદન લેવાશે. આ મામલે ઝોન 4 ડીસીપી રાજેશ ગઢિયાએ CN24NEWS સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દેશી દારૂના બે વીડિયો મારી પાસે પણ આવ્યા છે જે મામલે જી ડિવિઝન એસીપીને તપાસ સોંપી દીધી છે. વીડિયો અંગે તપાસ કરવામાં આ.ઇ રહી છે.

બે સ્ટાર હોય કે ત્રણ સ્ટાર હોય બિન્દાસત અહીંયા લઈને આવી જવાનું : બુટલેગર

શહેરમાં નરોડા પોલીસ સ્ટેશન વિસ્તાર જે સૌથી મોટો પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક છે અને આ જ પોલીસ સ્ટેશનમાં પીઆઇ નથી. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઇ જે.આર.પટેલ પાસે નરોડા પોલીસ સ્ટેશનનો ચાર્જ છે. ત્યારે નરોડા જીઆઇડીસી વિસ્તારમાં PI, PSI અને બંને પોલીસ સ્ટેશનના વહીવટદારએ ખુલ્લેઆમ દેશી દારૂના વેચાણ માટે પરમિશન આપી હોવાનો એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં નરોડા જીઆઇડીસી ચોકીના PSI જે.જી કામળિયાના નામ સાથે બુટલેગર દેશી દારૂ વેચવા અંગેની વાત કરે છે. બુટલેગર વીડિયોમાં કહે છે કે બે સ્ટાર હોય કે ત્રણ સ્ટાર હોય બિન્દાસત અહીંયા લઈને આવી જવાનું. પૂરું ભરણ આપીએ છીએ. જગદીશ નામ છે મારું. ડોશીનો અડ્ડો ચાલે છે. મધુબેન નામ છે. ડરવાનું નહિ બિન્દાસ્ત અહીંયા આવી જવાનું.

પોલીસની દારૂના કટીંગ અને વેચાણમાં પણ સંડોવણી હોવાના બોર્ડ લાગ્યા

જ્યારે બીજા વીડિયોમાં બોલે છે બે સ્ટાર વાળા કામળિયા સાહેબ જ હશે. અમારું સેટીંગ ચાલે છે. સેટીંગ હોય એટલે તો તમને પકડશે નહિ. બીજે જાવ કે અહીંયા જાવ. અમે તો આપીએ છીએ. નરોડા પોલીસ સ્ટેશનમાં હાલમાં કોઈ પીઆઇ નથી ત્યારે રુદ્ધદત્તસિંહ નામના પોલીસકર્મી વહીવટ કરે છે. અગાઉ પણ દારૂના કટીંગ અને વેચાણમાં પણ સંડોવણી હોવાના બોર્ડ વિસ્તારમાં લાગ્યા હતા. ફરી એકવાર દેશી દારૂ મામલે નરોડા પોલીસ સ્ટેશન ચર્ચામાં છે.

પૂર્વના અનેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂઓના કટીંગ અને વેચાણ થાય

નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ આવતા કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં જ બળાત્કાર કેસમાં પીઆઇ અને વહીવટદાર દ્વારા લાખો રૂપિયાના તોડ કરવા મામલે પોલીસ કમિશનર સુધી ફરિયાદ થઈ હતી અને પીઆઈની બદલી થઈ ગઈ હતી. જેની વચ્ચે ફરી એકવાર હવે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના જ પીઆઇ નરોડા પોલીસ સ્ટેશન ચલાવે છે ત્યારે દેશી દારૂના અડ્ડાઓ ચાલુ થયા છે. માત્ર નરોડા જ પોલીસ સ્ટેશન વિસ્તાર નહિ પૂર્વના અનેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂઓના કટીંગ અને વેચાણ થાય છે. શાહપુર અને કારંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ 8 જગ્યાએ દારૂના અડ્ડાઓને પરમિશન આપી છે તેવી ચર્ચા થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here