આણંદ શહેરની ગણેશ ચોકડી નજીક ઓવરબ્રિજ ઉપર આઈશર ટેમ્પાના ચાલકે ટુવ્હીલરને અડફેટે લેતા ટુવ્હીલર ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ અંગે આણંદ શહેર પોલીસે ટેમ્પા ચાલક વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ચિખોદરા ચોકડી પાસે ખેતરમાં રહેતા વિજયભાઈ રસુલભાઈ માવીના કાકા મેસુરભાઈ માવી આણંદમાં શાકભાજી વેચવાનો ધંધો કરતા હતા. શુક્રવારે સાંજના સુમારે મેસુરભાઈ પોતાનું ટુવ્હીલર લઈને ગણેશ ચોકડી નજીકના ઓવરબ્રીજ પરથી પસાર થઈ રહ્યા હતાં. દરમિયાન પુરપાટ ઝડપે આવી ચઢેલ એક આઈશર ટેમ્પાના ચાલકે ટુવ્હીલરને જોરદાર ટક્કર મારતા મેસુરભાઈ ટુવ્હીલર પરથી રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં તેમને ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે આઈસર ટેમ્પાનો ચાલક વાહન લઈ ફરાર થઈ ગયો હતો. આ અંગે આણંદ શહેર પોલીસને જાણ થતા પોલીસની ટીમ તુરત જ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહનો કબજો મેળવી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો.
પોલીસે આઈશર ટેમ્પાના ચાલક વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.