વિશ્વાસ ન થાય તેવું વિશ્વભરનું અવનવું તસવીરોમાં…

0
9

 

આને કહેવાય આફતને અવસરમાં પલટવી!

દુનિયામાં કેટલાક લોકો એવા હોય છે જેમના જીવનમાં ખૂબ પીડા હોય છે પણ તેઓ સહન કરતા રહે છે અને પોતાનું દુઃખ કોઈને કહેતા પણ નથી. બલકે, અન્ય લોકો માટે પ્રેરણારૂપ બની જતા હોય છે. વાત છે અહીં અમેરિકાની એક એવી મોડેલની, જેને લોકો ટ્રોલ કરતા રહ્યા પણ તે હિંમત ક્યારેય ન હારી. 23 વર્ષીય મહોગની ગેટર વાસ્તવમાં શારીરિક રીતે વિકલાંગ છે. લોકોએ હંમેશાં ફેશન શોમાં નાજુક, નમણી અને કમનીય કાયાવાળી મોડેલ્સ જોઈ છે, પણ આ અમેરિકન મોડેલ મહોગની ગેટરની વાત જુદી છે. સુંદરતાની સ્વામિની એ પણ છે, પરંતુ તેના એક પગમાં લિમ્ફેડેમા નામની બીમારીની અસર છે. આ બીમારી એવી છે જેનાથી શરીરમાં વધારાનું લિક્વિડ જમા થાય છે અને શરીરના નાજુક અંગમાં કે જ્યાં સોફ્ટ ટિશ્યૂ હોય છે ત્યાં જમા થાય છે. આને કારણે જ આ મોડેલનો એક પગ 45 કિલો વજનનો થઈ ગયો. આ બીમારીનો કોઈ ઈલાજ પણ નથી. લોકોએ તેની મજાક ઉડાવી, ટ્રોલ કરી, પણ તે ક્યારેય હિંમત ન હારી, પણ તેણે પોતાની આ આફત અથવા તો કમજોરીને જ અવસર અથવા તો તાકાતમાં પલટાવી નાખી. પોતાના વજનદાર એવા એક પગ સાથે જ ફોટોશૂટ કરાવીને તે અપલોડ કરવા લાગી. હવે લોકો તેને સારી કોમેન્ટ્સ આપી રહ્યા છે, પ્રેરિત પણ થઈ રહ્યા છે.

જળ એ જ જીવન, આ વાત પાણી નહીં હોય તો જ સમજાશે?

આ કીડીઓની નહીં, કુદરત સામે લાચાર કીડીઓથી પણ પામર માનવીઓની તસવીર છે. રાજસ્થાનના બાડમેર જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદ નજીકના રણ વિસ્તારમાં એક ગામ એવું પણ છે કે જ્યાં લોકો આજે પણ રણમાં પૂર્વજોએ પાડેલા ખાડામાંથી ઝરતા પાણીના ભરોસે છે, જેમની આ આકાશમાંથી લેવાયેલી તસવીર છે. આઝાદીનાં 73 વર્ષ પછી પણ સરકારી મદદથી પાણીની આશ અધૂરી છે. અંદાજે 2 હજારની વસતિવાળા સરગીલા ગામના લોકો રણમાં ખોદાયેલા ખાડામાંથી ટપકતા પાણીનું એક-એક ટીપું ભેગું કરે છે અને આ જ પાણીની આશાએ વર્ષોથી જીવે છે. સવારે સૂરજનાં કિરણની સાથે જ અંદાજે 100 વર્ષ જૂના આ ખાડામાંથી પાણી કાઢવા માટે મહિલાઓ, બાળકોની હોડ જામે છે. સ્થિતિ એ છે કે અહીં પાણી કાઢવા પણ વારો રખાય છે. મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સૌ પોતાનો વારો આવે એની રાહ જુએ છે. ગામમાં આવા 10થી વધુ ખાડા છે, જેમાંથી 3-4માંથી જ પાણી ઝરે છે, બાકીના ખાડા સુકાઇ ચૂક્યા છે. કહેવાય છે કે ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો તેનું મૂળ કારણ પાણી હશે. પાણી વિના આ રીતે વલખાં મારવાના દિવસો રણપ્રદેશમાં રહેતા લોકોને જ નહીં દુનિયાના મોટા ભાગના પ્રદેશોના લોકોએ ભોગવવા પડી શકે છે. જળ એ જ જીવન છે એ વાત જળ ના મળે ત્યારે સમજીએ તેના કરતાં અત્યારથી પાણી બચાવવાના સૌએ હાથ ધરવા ઘટે.

રાજહંસની રેસ!

હવામાનનો બદલાયેલો મિજાજ ફ્લેમિંગો (રાજહંસ)ને માફક આવી રહ્યો છે. દર વર્ષની સરખામણીમાં આ વર્ષે રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના માહી બેકવૉટરમાં ફ્લેમિંગો મોટી સંખ્યામાં જોઇ શકાય છે. ચોમાસું પૂરું થતાં જ અહીં ફ્લેમિંગો આવવાનું શરૂ થઇ જાય છે અને ઉનાળા સુધી અહીં જ રહે છે. બેકવૉટરમાં ઉનાળામાં પાણી ઓછું હોવાથી તેમને સરળતાથી ખોરાક પણ મળી રહે છે. ઉલ્લેખનીય છે કે ફ્લેમિંગો એક પગ પર અંદાજે 5 કલાક સુધી ઊભા રહી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here