Wednesday, September 22, 2021
Homeઅણધારી આફતથી ઘરઘાટીઓ ઘરે આવતા બંધ થયા, કામો કરવા ગૃહિણીઓ મજબુર
Array

અણધારી આફતથી ઘરઘાટીઓ ઘરે આવતા બંધ થયા, કામો કરવા ગૃહિણીઓ મજબુર

રાજયભરમાં આંશિક લોકડાઉનની પરિસ્થિતિમાં બહાર ડોકટરો, દર્દીઓ, પોલીસ સ્ટાફ સહિતના સૌ કોઈ તોબા પોકારી ઉઠ્યા છે. ત્યારે કોરોનાની આવી પડેલી અંધારી આફતથી ઘરઘાટીઓ પણ ઘરકામ કરવા આવતાં બંધ થઈ જતા ઘરની ગૃહિણીઓ મને કમને પણ ઘરના કામ કરવા મજબુર બની ગઈ છે. ત્યારે ઘરના તમામ નાના મોટા કામોમાં આખો દિવસ કાર્યશીલ રહેવાના કારણે ગૃહિણીઓ પણ શરીરમાં નવી ચેતના જાગ્રત થઈ જતાં સ્ફૂર્તિનો અહેસાસ કરી રહી છે.

લોકડાઉનમાં પણ શાંતિથી કોરોનાનો સામનો કરતા શીખી ગયાં

કોરોનાની ગયા વર્ષથી શરૂ થયેલી મહામારી વચ્ચે આ વખતની કોરોનાની બીજી લહેર સૌ કોઈ માટે અત્યંત કષ્ટદાયક સાબિત થઈ છે. ગત વર્ષની કોરોનાની લહેર સામે નાગરિકોને તકલીફો તો પડી હતી. જો કે તેની સામે મેડિકલ સુવિધાઓ સમયસર મળી રહેતી હતી. અને જરૂરી દવાઓ તેમજ ઇન્જેક્શનો પૂરતા પ્રમાણમાં મળી રહેતા લોકો કડક લોકડાઉનમાં પણ શાંતિથી કોરોનાનો સામનો કરતા શીખી ગયાં હતાં.

કોરોનાનની બીજી લહેર પ્રાણ ઘાતક નીવડી

બીજી તરફ કોરોનાનની શરૂ થયેલી બીજી લહેર પ્રાણ ઘાતક નીવડી છે. કોરોનાનું સંક્રમણ તીવ્ર ગતિએ ફેલાઈ જતા મોટાભાગે તમામ પરિવારો તેની લપેટમાં આવી ચુક્યા છે. રાજયની તમામ હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાઈ ચુકી છે. એમાંય કોરોનાનાં નવા સ્ટ્રેનમાં મૃત્યુ આંક પર રોકેટ ગતિએ વધી જવા પામ્યો છે. ચારેય તરફ ભયના માહોલ વચ્ચે નાગરિકો પોત પોતાની રીતે કોરોનાથી બચવાના અથાગ પ્રયત્નો કરી રહ્યા છે.

કોરોનાની લહેરના કારણે ગૃહિણીઓ તોબા પોકારી ઉઠી

આવા સંજોગોમાં રાજય સરકાર દ્વારા આંશિક લોકડાઉન તેમજ રાત્રી કરફ્યુ લાદી દેવામાં આવતા તમામ ધંધા ઠપ્પ થઈ ગયા છે. ગત વર્ષના લોક ડાઉન જેવી સ્થિતિનો સામનો ન કરવો પડે તે માટે મજૂર વર્ગ, કારીગરો તેમજ સંતરામપુર ઉપરાંત બહારના રાજ્યમાંથી અહીં આવીને પેટયું રળતો મોટો વર્ગ પરત વતન રવાના થવા લાગ્યો છે. જેના કારણે બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલ મજૂર વર્ગ પણ વતનની વાટ પકડી રહ્યો હોવાના કારણે ઘણાં ખરા પ્રોજેક્ટો મંદ પડી ગયા છે.

ઘરઘાટીઓ પણ કોરોના સંક્રમિત થવા લાગ્યા

ત્યારે આ વખતની કોરોનાની લહેરના કારણે ગૃહિણીઓ તોબા પોકારી ઉઠી છે. ઘરનાં ઘરઘાટીઓ પણ કોરોના સંક્રમિત થવા લાગતા તેઓએ પણ ઘરકામ બંધ કરી દીધા છે. ડબલ પૈસા આપવા છત્તા ઘરઘાટીઓ કામ કરવા તૈયાર નથી. ત્યારે ઘરના બહારના વ્યક્તિથી ઘરમાં સંક્રમણ ફેલાશે તેવી દહેશત વર્તાતા ગૃહિણીઓએ પણ ઘરઘાટીઓને છુટ્ટા કરી દેવામાં જ ભલાઈ સમજી લીધી છે. આવી સ્થિતિમાં નાના મોટા ઘરોમાં ગૃહિણીઓ જ સતત વ્યસ્ત થઈ ચૂકી છે.

નવી તાજગી અને સ્ફૂર્તિનો અહેસાસ પણ થવા લાગ્યો

અત્યાર સુધી ખાટલે ને પાટલે બેસીને સતત મોબાઈલ કે ટીવી સામે બેસીને સમય વ્યતીત કરતી ગૃહિણીઓ ઘરના કામમાં સતત કાર્યશીલ થઈ ચૂકી છે. ત્યારે અણધારી આવી પડેલી આફતના કારણે ઘરના તમામ કામો કરતી ગૃહિણીઓ કોરોનાને દિલથી બદદુવાઓ આપી રહી છે. જો કે આખો દિવસ ઘરના કામોમાં સતત કાર્યશીલ રહેવાના કારણે ગૃહિણીઓનાં સ્વાસ્થ્યમાં નવી ઉર્જાનું સિંચન થવાથી નવી તાજગી અને સ્ફૂર્તિનો અહેસાસ પણ થવા લાગ્યો છે.

મારે નિત્યક્રમ મુજબ ચાલવા જવાની જરૂર પડતી નથી

આ અંગે ગાંધીનગરના રાયસણ મુકામે રહેતા મહિલા કોર્પોરેટર પ્રવિણાબેન દરજીના પુત્રવધુએ જણાવ્યું હતું કે, કોરોનાના લીધે ઘરઘાટીને મળી રહ્યાં નથી. પરિવારમાં બાળકો તેમજ વડીલ હોવાનાં કારણે હાલમાં મોટાભાગે બધું કામ જાતે જ કરી લઇએ છીએ. તો સેજલબેન રબારીએ કહ્યું કે, પરિસ્થિતિ મુજબ ઘરના કામકાજમાં આખો દિવસ પસાર થઈ જાય છે. પણ ઘરકામ કરીને હવે મારે નિત્યક્રમ મુજબ ચાલવા જવાની જરૂર પડતી નથી.

કોરોના કાળ આમ તો કષ્ટદાયક છે જ પણ આડકતરી રીતે સતત કાર્યશીલ રહેવાના કારણે દિવસભર સ્ફુરતીનો અહેસાસ પણ થઈ રહ્યો છે. ત્યારે સેકટર 22 માં રહેતા હર્ષાબેન ગોસ્વામીએ ઉમેર્યું હતું કે, ઘરકામ કરવામાં વાંધો તો નથી આવતો પણ હવે તેના કારણે સગા સંબંધીઓ સાથે વાતચીત કરવા ઉપરાંત ટીવી સિરિયલો, મોબાઈલ નહિવત થઈ ગયું છે.

હમણાં  ઘરમાં કોરોનાએ તેનો પરચો બતાવ્યો

ઉપરાંત સેકટર 27 રહેતા કિંજલ પટેલે જણાવ્યું હતું કે હમણાં જ ઘરમાં કોરોનાએ તેનો પરચો બતાવ્યો હતો. જેથી કામવાળાને ઘરકામ કરવા માટે ના પાડી દીધી છે. સાસુ સસરા પતિ તેમજ બાળકોની વિશેષ કાળજી રાખવાની ખાસ જરૂર ઉભી થઇ હોવાથી ઘરના મોટાભાગના કામ સફસફાઈથી માંડી રસોઈ જાતે જ કરી રહી છું. કોરોના કાળ પૂર્ણ થાય કે તરત પરિવાર સાથે કોઈ સારા હિલ સ્ટેશન પર જવાની ખૂબ જ ઈચ્છા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments