અમદાવાદ : 24 કલાકથી વધુ સમય થયો છતાં યુનિચાર્મની આગ કાબૂમાં નહીં, AMCની ફાયર બ્રિગેડની 8 ગાડીઓ મોકલાઈ

0
0

ગઈકાલે સવારે સાણંદ GIDCમાં જાપાનની યુનિચાર્મ ઇન્ડિયા નામની ડાયપર બનાવતી સૌથી મોટી જાપાની કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગ્યાને બીજો દિવસ થવા છતાં તેના પર કાબૂ મેળવી શકાયો નથી. આજે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ફાયર બ્રિગેડનો બીજી શિફ્ટનો સ્ટાફ 8 ગાડીઓ સાથે સાણંદ આગને કાબૂમાં લેવા જહેમત ઉઠાવી રહ્યો છે. ફેક્ટરીમાં પતરા હટાવવામાં આવશે ત્યારે જ આગ પર કાબુ આવશે. 24 કલાક બાદ પણ આગ કાબૂમાં નથી આવી. ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે, હજી આગ ઉપર કાબૂ આવતાં સમય લાગી શકે છે પરંતુ હવે આગ પહેલાં જેટલી વિકરાળ નથી.

કંપનીની ફાયર સેફ્ટી સામે સવાલ

યુનિચાર્મ કંપનીમાં આગ લાગ્યા બાદ તેમાં ફાયરસેફ્ટી પૂર્ણ રીતે કામ કરતી હતી કે કેમ તે મુદ્દે અને અનેક પ્રશ્નો ઊભા થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કંપનીમાં ફાયર સેફ્ટીના સાધનો કાર્યરત હતા તો ઉપયોગમાં કેમ ન આવ્યા અને આ કંપનીમાં ફાયર એનઓસી મળી હતી અને તે પણ છેલ્લે ક્યારે થઈ હતી તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો નથી

અમિત શાહે હસ્તક્ષેપ કરવો પડ્યો

ગઈકાલે બપોરે પણ આગ પર ફાયરબ્રિગેડ કાબૂ મેળવી ન શકતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમાં હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. ગૃહમંત્રી શાહે ટ્વીટ કરીને બપોરે માહિતી આપી હતી કે, આ આગને કાબૂમાં લેવા ફાયરબ્રિગેડને તમામ પગલાં લેવા તાકીદ કરાઈ છે અને NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની ટીમને સત્વરે રવાના કરાઈ છે. આ આગમાં યુનિચાર્મની ફેક્ટરી તો સંપૂર્ણપણે ખાક થઈ ગઈ છે પરંતુ આજુબાજુની ફેક્ટરીઓ સુધી પણ આગ ફેલાઈ ચૂકી છે.

દેશના ડાયપર માર્કેટમાં 40 ટકા હિસ્સો

જાપાનની ભારતીય સબસિડીયરી યુનિચાર્મ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દેશમાં છેલ્લા 15 વર્ષથી સક્રિય છે અને ભારતના અંદાજીત રૂ.6000 કરોડના ડાયપર માર્કેટમાં તેનો આશરે 35-40% જેટલો હિસ્સો છે. જ્યારે મોડર્ન ટ્રેડમાં તેની હિસ્સેદારી 40%થી વધુ છે. વર્ષ 2018માં કંપનીની રેવન્યૂ વૈશ્વિક સ્તરે રૂ. 51,000 કરોડથી વધારે હતી. સાણંદ પ્લાન્ટ કંપનીનો સૌથી મોટું ઉત્પાદન એકમ છે અને કંપની અહીંથી અન્ય દેશોમાં નિકાસ પણ કરે છે.

વિશ્વના 80 દેશમાં કંપનીની હાજરી

યુનિચાર્મે અગાઉ આપેલી માહિતી મુજબ, તેનું માર્કેટિંગ નેટવર્ક વિશ્વના 80 જેટલા દેશોમાં ફેલાયેલું છે.આ ઉપરાંત ભારત સહિત 17 દેશોમાં તે બાળકો માટેના ડાયપર અને મહિલાઓ માટે સેનિટાઈઝર પેડ બનાવે છે. કંપનીના જણાવ્યા મુજબ 2020 સુધીમાં તેના ગ્લોબલ બિઝનેસમાં ભારતનો શેર 10% સુધી પહોંચાડવાનો ટાર્ગેટ હતો.

NDRFની ટીમ પહોંચી, 35 ફાયર ફાઈટર સહિત 250 લાશ્કરો કાર્યરત

ગઈકાલે ગૃહમંત્રીની સૂચના મળતાં જ NDRFની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. કલેક્ટર કચેરી તરફથી મળેલી માહિતી અનુસાર, NDRF ઉપરાંત ફાયરબ્રિગેડના 35 ફાયર ફાઈટર (બંબા) ઉપરાંત 250થી વધુ લાશ્કરો યુનિચાર્મ તથા આજુબાજુની ફેક્ટરીઓમાં લાગેલી આગને ઓલવવા માટે સતત પ્રયત્ન કર્યા હતા.

ફેક્ટરીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી, કંપની 80 એકરમાં ફેલાયેલી છેઃ જિલ્લા કલેક્ટર

જ્યારે અમદાવાદ જિલ્લા કલેકટર કે.કે નિરાલાએ જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સીધી સૂચનાને પગલે NDRFની ટુકડી મોકલવામાં આવી છે.NDRFની ટીમ બચાવ રાહત કામમાં જોડાઈ છે. ફેક્ટરીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. અગ્નિશમન માટે 36 થી વધુ ફાયર ફાઇટર વાહન અને 270થી વધુ ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળ પર રાહત કામગીરીમાં જોડાયા છે. ડાયપરનું ઉત્પાદન કરતી આ કંપની 80 એકરમાં ફેલાયેલી છે જ્યાં 35 એકરમાં ઉત્પાદનની કામગીરી થાય છે.

ગઈકાલે લાગેલી આગમાં 2 કિ.મી. દૂરથી ધૂમાડા દેખાતા હતા

ગઈકાલે સવારે શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગ ભીષણ આગમાં ફેરવાઈ ગઈ હતી.  યુનિચાર્મ કંપનીમાં આગ લાગતા અમદાવાદ આસપાસથી 20 ફાયર ફાઇટર મોકલાયા હતા.  આગના ધુમાડા 2 કિમિ દૂર સુધી દેખાતા હતા.

પ્લાન્ટમાં 1700-1800 લોકો કામ કરે છે

સેનિટરી નેપકિન બનાવતી જાપાનની યુનિચાર્મ ઇન્ડિયાએ વર્ષ 2018માં ગુજરાતમાં સાણંદ ખાતે ભારતનો તેનો બીજો પ્લાન્ટ શરૂ કર્યો હતો. કંપનીનો એક પ્લાન્ટ આંધ્રપ્રદેશમાં આવેલો છે. સાણંદ પ્લાન્ટ 3 લાખ સ્ક્વેર મીટરમાં પથરાયેલા આ પ્લાન્ટમાં આશરે 1700-1800 લોકો કામ કરે છે. આ પ્લાન્ટમાં સોફી બ્રાંડ હેઠળ સેનિટરી નેપકિનનું ઉત્પાદન થાય છે. તેમજ બાળકો માટેના ડાયપરનું પ્રોડક્શન પણ અહી થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here