સુરત : ઢોલ-બગી સાથે રેલી કાઢી અનોખો વિરોધ : સંપૂર્ણ બેરોજગાર બનેલા બેન્ડ, બગી, સાઉન્ડવાળા રસ્તા પર ઉતર્યા

0
0

લોકડાઉન બાદ સંપૂર્ણ રીતે બેરોજગાર બનેલા બેન્ડવાળા, બગીવાળા, સાઉન્ડ વાળા સહિત અનેક નાના વ્યવસાયકારીઓએ આજે સુરતમાં અઠવાગેટ વનિતા વિશ્રામથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી છે. આ રેલીમાં અનેક બગીવાળા અને બેન્ડવાળાઓ પોતાના વ્યવસાયના સાધનો સાથે જોડાયા હતા. હાથમાં બેરોજગારીના બેનર લઈ નીકળેલી રેલીમાં સરકાર પાસે રાહત પેકેજની માંગ કરી લાચાર વ્યવસાય કારોબારીઓએ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. જોકે, આ રેલીને ઉમરા પોલીસ દ્વારા અટકાવવામાં આવી હતી અને કલેક્ટર કચેરી બહારથી જ પરત લઈ જવા સૂચના આપવામાં આવી હતી. જેથી બગી અને ઢોલ વગેરે પરત રવાના કરી કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું.

બેન્ડવાળા પોતાના વ્યવસાયના સાધનો સાથે રેલીમાં જોડાયા.
બેન્ડવાળા પોતાના વ્યવસાયના સાધનો સાથે રેલીમાં જોડાયા.

 

પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું

શાંતિલાલ રાણાએ જણાવ્યું હતું કે, જ્યારથી લોકડાઉન લાગ્યું છે ત્યારથી બેન્ડ, બગી, સાઉન્ડ સાથે સંકળાયેલા લાખઓ લોકોને કોઈ રોજગાર મળ્યો નથી. તેઓને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે. જ્યારે પોતાના બાળકોના ઓનલાઈન શિક્ષણની ફી પણ ચૂકવી શકતા નથી. અમે જાણીએ છીએ કે, કોરોનાની મહામારી છે પણ અમને આંશિક છૂટછાટ મળે. જેથી અમારું ઘર ચાલે.

બગીવાળાઓ બગી અને પરિવારના લોકો સાથે રેલીમાં જોડાયા.
બગીવાળાઓ બગી અને પરિવારના લોકો સાથે રેલીમાં જોડાયા.

 

લોન લઈને ધંધો શરૂ કરનારને આત્મહત્યા કરવાનો વારો આવ્યો

વધુમાં જણાવ્યું હતું કે, આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં મોટાભાગે બીજુ કોઈ કામ ન કરી શકે તેવા છે. તે લોકો એટલા એજ્યુકેટ પણ નથી કે બીજા કોઈ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી શકે. ઘણા લોકોએ લોન લઈને ધંધો શરૂ કર્યો હોય છે. જેમને આત્મહત્યા કરવાનો વારો આવ્યો છે. આવા માહોલમાં જો સરકાર અમને આંશિક રાહત આપે તો જીવન ગુજારી શકાય તેમ છે.

ઢોલવાળા ઢોલ સાથે રેલીમાં જોડાયા.
ઢોલવાળા ઢોલ સાથે રેલીમાં જોડાયા.

 

સુરતમાં બેન્ડ, બગીવાળાના કેટલા પરિવાર મુશ્કેલીમાં

  • બેન્ડ વાળા 300-400 પરિવાર સાથે 1200 જેટલા
  • બગીવાળા 150 જેટલા પરિવાર 800 જેટલા
  • સાઉન્ડવાળા 300 પરિવાર સાથે 900-1000 જેટલા
  • જુમ્મર વાળા 100 પરિવાર સાથે 600-700 જેટલા
ઢોલ પર પણ વિરોધ કરતા સ્લોગનો લખવામાં આવ્યા હતા.
ઢોલ પર પણ વિરોધ કરતા સ્લોગનો લખવામાં આવ્યા હતા.

 

વેડિંગ અને ઈવેન્ટ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોની હાલત ખરાબ

કેટરિંગ, મંડપ, લાઈટ, LED આર્ટીસ્ટ , ઇવેન્ટ મેનેજર, સાઉંન્ડ, લાઈટીંગ, હોટેલ, બેન્કવેટ તથા ફોટોગ્રાફર અસોસીએશનના સુરત તેમજ સાઉથ ગુજરાતના મેમ્બરો છે. જેને ગત પ્રથમ લોકડાઉનથી અત્યાર સુધીમાં અંદાજે 1200 કરોડ રૂપિયાનું નુકશાન થયેલ છે. આ બાબતે આપ કલેક્ટર કચેરી તેમજ સરકારને વાંરવાર રજૂઆત પછી પણ આ વેડિંગ અને ઈવેન્ટ ઇન્ડસ્ટ્રી પ્રત્યે સરકારની રહેમ દ્રષ્ટી પ્રાપ્ત થઇ નથી. આ ઇન્ડસ્ટ્રીના અસંખ્ય લોકોએ આજીવિકા ગુમાવી છે અને ધંધાર્થીઓને પણ સતત નુકશાન થઇ રહ્યું છે.

કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરી.
કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરી.

 

અચાનક લાદેલ કર્ફ્યૂથી અસંખ્ય સામાજીક કાર્યક્રમો રદ થયા

200થી 100 વ્યક્તિઓને પ્રસંગોમાં મંજુરી અને અચાનક લાદેલ કર્ફ્યૂથી અસંખ્ય સામાજીક કાર્યક્રમો રદ થઇ જવા પામેલ છે. જેનો બોજો માત્ર ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીના લોકોને જ નહિ પરંતુ ગ્રાહકો પર પણ પડેલ છે. તદુપરાંત ગ્રાહકો અને આ ઇન્ડસ્ટ્રીના લોકો સતત માનસિક તાણમાં આવી ગયેલ છે. આગામી 12 ડિસેમ્બર 2020 સુધીમાં ખુબ જ જુજ પ્રસંગોની તારીખો છે. દરમિયાન જો સરકાર તાત્કાલિક નિર્ણય લઇને જો કોઈ રાહત જાહેર ન કરે તો અસંખ્ય કાર્યક્રમો રદ થાય એની સંપૂર્ણ શક્યતાઓ છે. જેથી ગ્રાહક તેમજ ઇન્ડસ્ટ્રીના લોકો પર નુકશાનીનો હજુ કેટલો બોજો આવશે એનો અંદાજ માત્રથી કંપારી છૂટે તેમ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here