યુનાઈટેડ કિંગડમની રોયલ એરફોર્સે ઈરાકી વાયુસેના સાથે મળીને આતંકીઓના સફાયા માટે સંયુક્ત અભિયાન હાથ ધર્યું

0
4

યુનાઈટેડ કિંગડમની રોયલ એરફોર્સે ઈરાકી વાયુસેના સાથે મળીને ઈસ્લામિક સ્ટેટના આતંકીઓના સફાયા માટે સંયુક્ત અભિયાન હાથ ધર્યું હતુ. માર્ચ દરમિયાન ઈરાકના ઉત્તરી ભાગમાં આવેલા આઈસીસના આતંકી કેમ્પો પર બોમ્બ અને મિસાઈલ મારો કરાયો હતો. બ્રિટિશ સરકારે હવે તેની માહિતી જાહેર કરી હતી. ઈરાકના મુખ્મુર પર્વતિય વિસ્તારમાં આઈસીસના મથકો હોવાની જાણ થયા પછી આ લશ્કરી કાર્યવાહી કરાઈ હતી.

યુ.કે.ના સંરક્ષણ મંત્રી બેન વેલેસે કહ્યુ હતું કે આતંકીઓના ખાત્મા માટે ઈરાકી વાયુસેના સાથે મળીને સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું હતું. આતંકીઓ પહાડી ગુફાઓમાં છૂપાયેલા હોવાની બાતમી મળી હતી. માટે તેને પહોંચી વળવા બ્રિટને ટાયફૂન એફજીઆરફોર ફાઈટર વિમાનો મોકલ્યા હતા. આ વિમાનોમાં ખાસ પ્રકારના સ્ટોર્મ શેડો મિસાઈલ ફિટ થયેલા હતા.

શહેરી કે રહેણાંક વિસ્તારમાં આ મિસાઈલનો પ્રયોગ કરવો ભારે જોખમી છે માટે બ્રિટિશ વાયુસેનાએ પ્રથમવાર પહાડી વિસ્તારમાં આતંકીઓ પર આ મિસાઈલ વાપર્યા હતા.

ટાર્ગેટ નક્કી કરતા પહેલા દિવસો સુધી જાસૂસી કરીને બાતમી એકઠી કરવામાં આવી હતી. હુમલા દરમિયાન બ્રિટિશ રોયલ એરફોર્સે ૪૩ પાવવે બોમ્બ તથા ૧૦ સ્ટોર્મ શેડો મિસાઈલ વાપર્યા હતા.

સિરિયા-ઈરાકમાં ઈસ્લામિક સ્ટેટના દસેક હજાર આતંકીઓ છે. તેમને ખતમ કરવા માટે ૮૨ દેશો સહમત થયા છે. તેમાં બ્રિટનનો પણ સમાવેશ થાય છે. બ્રિટને જણાવ્યું હતું કે આવા આતંકીઓને ખતમ કરવા મિશન હાથ ધરાતા જ રહેશે. જોકે કેટલા આતંકી માર્યા ગયા તેનો આંક સામે આવ્યો ન હતો, પણ આતંકી ઠેકાણાઓને ઢેર કરી દેવાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here