સંકટમાં ખેલાડી : કરાટેમાં યુનિવર્સિટી મેડલિસ્ટ હની અનાજ માંગી ગુજારો કરે છે, મિસ્ટર ઇન્ડિયા રહી ચૂકેલા સંદીપ શાકભાજી વેચે છે

0
4

નવી દિલ્હી. રમત-ગમત ક્ષેત્રે વિશ્વભરમાં મેડલ જીતી દેશનું ગૌરવ વધારનારા ઘણા ખેલાડીઓનો જુસ્સો લૉકડાઉનમાં ઢીલો પડી ગયો છે. આવા ખેલાડીઓની ફિટનેસ જ નહીં પણ તેમની આજીવિકાને પણ અસર થઈ છે. ટ્રેનીંગ આપનારા અને જિમ ચલાવનારા ખેલાડીઓ બે મહિનાથી ખાલી બેઠા છે. લૉકડાઉન વધ્યાં પછી તેમને ખ્યાલ નથી કે તેમની હાલત ક્યારે સુધરશે. કેટલાકને પરિવારની મદદ લેવી પડી છે તો કેટલાકે બીજું કામ શરૂ કરી દીધું છે.

સંઘર્ષ કરી રહેલા કેટલાક ખેલાડીઓની કથા…

કરાટે: કોચિંગ બંધ, ઉધારી વધી અને હવે હની અનાજ માંગે છે

ઓલઇન્ડિયા યુનિવર્સિટીની મેડલિસ્ટ હની ગુર્જર લૉકડાઉનને કારણે કોચિંગ આપી રહી નથી. શાળા અને કરાટેના તમામ સેન્ટર બંધ થઈ ગયા છે. મ.પ્ર.ના ગ્વાલિયરની રહેવાસી હનીની માતા હૃદયરોગની દર્દી છે. બધુ બંધ હોવાથી થોડીઘણી બચતમાંથી તેને થોડા દિવસ ચલાવીને તેની મુશ્કેલી ઓછી કરી. હવે સામાજિક સંસ્થાઓ અને લોકો પાસેથી અનાજ માંગી પેટ ભરવું પડશે. તેને કહ્યું કે મેડલ જીત્યા પછી ઘણું સન્માન મળ્યું હતું પરંતુ આજે લોકો સામે હાથ લાંબો કરવો પડે છે. તેના પિતા અથાણું વેચે છે પણ તેમનું કામ પણ અત્યારે બંધ છે.

બોડી બિલ્ડિંગ: સંદીપે કહ્યું- જિમ બંધ, શાકભાજી વેચી ઘર ચલાવીશ

દિવ્યાંગ કેટેગરીમાં મિસ્ટર ઇન્ડિયા રહી ચૂકેલા બોડી બિલ્ડર સંદીપ સાહુનો પરિવાર હવે સંપૂર્ણ રીતે પોતાના માતા-પિતા પર નિર્ભર છે. લૉકડાઉનથી સંદીપનું જિમ બંધ છે. એ તેની આવકનું એક માત્ર સાધન છે. સાથે જ સંદીપને પણ પોતાને ફિટ રાખવા જોખમ આવી ગયું છે. છત્તીસગઢના પાટનગર રાયપુરમાં રહેતા સંદીપે અત્યાર સુધીમાં નેશનલ ચેમ્પિયનશીપમાં 13 ગોલ્ડ મેડલ જીત્યા છે. સંદીપ કહે છે કે તેની પાસે કોઈ કામ નથી. જિમ ક્યારે શરૂ થશે તેનો ખ્યાલ નથી. પણ હું શાકભાજી વેચીને મારા ઘરનો ખર્ચ કાઢીશ.

શૂટિંગ: ફરજ પરસ્ત, રાજકુમારી ઓનલાઈન ટ્રેનિંગ આપે છે

મધ્ય પ્રદેશ એકેડમીની પ્રથમ અર્જુન એવોર્ડ જીતનાર શૂટર રાજકુમારી રાઠૌર ઇંદોરની એક ખાનગી શાળામાં શૂટિંગનું કેન્દ્ર ચલાવે છે. 17 ઇન્ટરનેશનલ મેડલ જીતી ચૂકેલી રાજકુમારી સ્પોર્ટ્સ ટીચર તરીકે 50 બાળકોને તાલિમ આપે છે. લૉકડાઉનને કારણે બે મહિનાથી પગાર મળતો નથી. પિતા અને ભાઈની મદદથી ઘર ચલાવે છે. રાજકુમારે કહ્યું કે તેને સરકારની કોઈ મદદ મળી નથી. સરકારની મંજૂરી પછી બાળકોની તાલિમ શરૂ કરશે. હાલમાં ઓનલાઈન ટ્રેનિંગ આપે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here