ઊંઝાના ભુણાવની ચકચારી ઘટના : જુગારના ધંધાની ના પાડતા દીકરીની નજર સામે પિતાએ માતાની હત્યા કરી

0
0

ઊંઝા, સિદ્વપુરઃ ઊંઝા તાલુકાના ભુણાવ ગામે પરિણીતાએ તેમના ઘરે જુગારનો ધંધો કરવાની ના પાડતાં પતિએ તેના મિત્ર સાથે મળી ગળું દબાવી ઠંડે કલેજે હત્યા કરી હતી. આ ઘટના મૃતકની મોટી દીકરીએ જોઈ હતી. તેણીએ તેના મામાને કહ્યું કે, જુગારનો ધંધો કરવાની ના પાડતાં મારા પપ્પા અને તેમના મિત્રએ મમ્મીને મારી નાખી છે. જેના આધારે મૃતકના ભાઇએ ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગણતરીના કલાકોમાં બંને આરોપીને પકડી જેલભેગા કર્યા હતા.

સિદ્ધપુરમાં દેથલી રોડ પર સન ઇન્ડસ્ટ્રીઝની સામે રહેતા મકવાણા મેહુલ નારણભાઇની બહેન કૈલાસબેનનાં લગ્ન ઊંઝાના ભુણાવ ગામના અરવિંદ ખેમાભાઈ પરમાર (32) સાથે 17 વર્ષ અગાઉ લગ્ન થયાં હતાં. તેમને સંતાનમાં બે દીકરી દામિની (13) અને જાનકી (11) છે. રવિવારે રાત્રે 10-30 વાગે ધો.9માં ભણતી દામિની ઘરમાં લેશન કરતી હતી, તે વખતે ઘરની બહાર વાડામાંથી અવાજ આવતાં તેણીએ બહાર આવીને જોતાં તેની માતા કૈલાસબેનને પિતા અરવિંદભાઈ અને એમનો મિત્ર રાવળ કિરણ આત્મારામ હાથ પગ પકડી રાખી ઉભેલા હતા. જેઓ દામિનીને આવતાં નાસી ગયા હતા. બાદમાં કૈલાસબેનને પરિવારજનો સિદ્ધપુર સિવિલમાં સારવાર અર્થે લઇ જતાં, ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યા હતા. જેને લઇ પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

મૃતકના ભાઈ મેહુલભાઇ મકવાણાએ તેમની ભાણી દામિનીએ હકીકત જણાવતાં તેમણે ઊંઝા પોલીસ મથકમાં તેમના બનેવી અરવિંદ ખેમાભાઈ પરમાર અને તેમના મિત્ર રાવળ કિરણ આત્મારામ વિરુદ્ધ ગળું દબાવી હત્યા કરાયાની ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પીઆઈ આર.એલ. ખરાડીએ ગણતરીના સમયમાં બંને આરોપીઓને ઝડપી જેલના હવાલે કરી દીધા હતા. આ ઘટનાથી ગામમાં ચકચાર મચી ગઇ હતી.

મૃતકની દીકરીએ કહ્યું, મમ્મીને મારતા હતા
ઘટનાને નજરે જોનાર સાક્ષી એવી મૃતકની દીકરી દામિનીએ તેના મામાને જણાવ્યું કે, મારા પપ્પા અને તેમનો મિત્ર વારંવાર મારી માતાને વરલી મટકાનો ધંધો કરવા કહેતા હતા, પરંતુ મમ્મી ના કહેતી હતી, તેના ઝઘડામાં મારા પપ્પા અને તેમના મિત્રએ મમ્મીને મારી નાખી નાસી ગયા છે.

સિદ્વપુર સિવિલમાં પેનલ દ્વારા પીએમ કરાયું 
આ ઘટનાને પગલે પિયર પક્ષના માણસો સિદ્ધપુર સિવિલમાં ભેગા થઇ ગયા હતા અને લાશ ઉપાડવાનો ઈન્કાર કરી દીધો હતો. સમજાવટ બાદ લાશનું પેનલ ડોકટર મારફતે પીએમ કરાવતાં મામલો થાળે પડ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here