ઉન્નાવ બળાત્કાર કેસ : લખનૌમાં જ થશે પીડિતાની સારવાર, કાકાની તિહાડમાં ટ્રાન્સફર

0
19

ઉન્નાવ બળાત્કાર કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે રાયબરેલી જેલમાં બંધ પીડિતાના કાકાને દિલ્હીની તિહાડ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવે.

આ આદેશ સુપ્રીમ કોર્ટ સુરક્ષાના કારણોસર આપ્યો છે.

એ સિવાય કોર્ટે કહ્યું છે કે પીડિતાની

સારવાર લખનૌમાં જ કરવામાં આવશે તેમને દિલ્હી ટ્રાન્સફર કરવામાં નહીં આવે.

બળાત્કાર પીડિતાના વકીલે સુપ્રીમ કોર્ટને જાણકારી આપી છે કે તેમનો પરિવાર લખનૌમાં જ સારવાર કરાવવા માગે છે. તેઓ નથી ઇચ્છતા કે તેમને દિલ્હી લાવવામાં આવે.

સુપ્રીમ કોર્ટને પીડિતાની હાલત વિશે પણ જાણકારી આપવામાં આવી હતી. તેઓ અત્યારે આઈસીયુમાં છે.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પીડિતાના વકીલના ઘરની બહાર સીઆરપીએફ તૈનાત કરી દેવામાં આવી છે.

આ સિવાય જે વકીલ પીડિતાના કાકાનો કેસ લડી રહ્યા છે તેમને પણ સુરક્ષા આપવામાં આવી છે.

બીબીસીનાં સંવાદદાતા દિવ્યા આર્યા સાથે વાત કરતાં પીડિતાનાં માતાએ કહ્યું હતું કે “ક્યાં સુધી ડરીશું? મારી નાખશે તો મારી નાખશે. જ્યારે આટલા લોકોને મારી નાખ્યા છે તો અમને પણ મારી નાખશે, તો શું થયું?”

બીબીસીએ લખનૌની એ હૉસ્પિટલમાં પીડિતાનાં માતા સાથે મુલાકાત કરી, જ્યાં તેમનાં પુત્રી આઈસીયુમાં વૅન્ટિલેટર પર મોત સામે લડી રહ્યાં છે.

જ્યારે પીડિતાની હાલત વિશે પૂછવામાં આવ્યું તો તેમનાં માતાએ કહ્યું કે તેઓ ત્રણ દિવસથી તેમની પુત્રીને જોઈ શક્યાં નથી.

તેમણે કહ્યું, “ત્રણ દિવસથી મારી દીકરીને જોઈ શકી નથી, તેઓ કહે છે કે અત્યારે જાઓ, હાલ જોવા માટે જવા નહીં દઈએ.”

પીડિતાનાં માતાએ કહ્યું કે જ્યારે ત્રણ દિવસ પહેલાં તેમની દીકરીને જોઈ હતી ત્યારે તેમાં કોઈ સુધારો દેખાયો ન હતો.

તેઓ કહે છે, “તેણે આંખો પણ નહતી ખોલી. વાત પણ કરતી નથી. તો શું ખબર કે સારી હશે કે નહીં. ભગવાન જાણે.”


‘ન્યાયની આશા નથી’

પીડિતાનાં માતાને પૂછ્યું કે આટલું બધું થઈ ગયા બાદ એવું તો નથી લાગતું ને કે આ મામલામાં ફરિયાદ કરવાની જરૂર જ ન હતી.

આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, “જો અમે તેમની સાથે લડાઈ ના લડીએ તો પણ તે અમને પરેશાન કરશે. લડાઈ ખૂબ જ અઘરી છે.”

નાઉમેદ થઈને તેઓ કહે છે કે તેમને ભરોસો નથી કે આ મામલામાં ન્યાય મળશે.

ઘરની સ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરતાં કહે છે, “ઘરમાં કોઈ નથી, બસ નાનાં બાળકો છે. ગુજરાન ચલાવનારું કોઈ બચ્યું નથી, અમે ક્યાં જઈએ.”

ઉન્નાવ મામલામાં પીડિતાએ પરેશાન થઈને મુખ્ય મંત્રી આવાસની બહાર આત્મદાહ કરવાની કોશિશ કરી હતી.

આ મામલે પીડિતાનાં માતાએ કહ્યું, “મારી દીકરીએ કહ્યું કે ચાલો હિંમત કરીએ અને સમગ્ર પરિવાર આત્મહત્યા કરી લઈએ. જ્યારે કોઈ કમાનારું જ બચ્યું નથી તો શું કરીએ.”

“મેં કહ્યું કે જ્યારે તું મરી જઈશ તો અમે શું કરીશું, અણે પણ સાથે જ મરી જઈશું.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here