Thursday, April 25, 2024
Homeઊંઝામાં આસ્થાનો મહાકુંભ : બે દિવસમાં 9 લાખ શ્રદ્ધાળુઓએ માનાં દર્શન કર્યાં
Array

ઊંઝામાં આસ્થાનો મહાકુંભ : બે દિવસમાં 9 લાખ શ્રદ્ધાળુઓએ માનાં દર્શન કર્યાં

- Advertisement -

ઊંઝાઃ ઊંઝામાં જગતજનની મા ઉમિયાના સાનિધ્યમાં ઊજવાઇ રહેલા ઐતિહાસિક લક્ષચંડી મહાયજ્ઞના બીજા દિવસે ગુરુવારે રાજ્યભરમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના યજ્ઞના દર્શન કરવા માટે ઊમટી પડ્યા હતા, જેને લઇ યજ્ઞનગરીમાં માનવ મહેરામણ છલકાયો હતો. સવારથી ધીમી ગતિએ શરૂ થયેલો શ્રદ્ધાળુઓનો પ્રવાહ અવિરત વધતો રહ્યો હતો અને બપોર સુધીમાં તો હૈયે હૈયું દબાય તેટલી ભીડ જામી હતી. રસ્તા ઉપર પગ મૂકવાની પણ જગ્યા રહી ન હતી. યજ્ઞશાળાની પરિક્રમા સતત દિવસભર ચાલુ રહી હતી. વિદ્વાન બ્રાહ્મણોના પવિત્ર મંત્રોચ્ચારથી સમગ્ર દિવસ ગુંજતો રહ્યો હતો, બીજી તરફ ધર્મસભામાં બે ધર્મગુરુઓએ સંબોધન કર્યા હતા. યોગ ગુરુદ્વારા યોગ અને મેડિટેશન ઉપર કાર્યક્રમ કરાયો હતો. બીજા દિવસે 4.55 લાખ મળી બે દિવસમાં 9 લાખથી વધુ લોકોએ મા ઉમા અને યજ્ઞશાળાનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તો આજે સાડા ત્રણ લાખથી વધુ લોકોએ ભોજન કર્યાનું ભોજન સમિતિના સૂત્રોએ જણાવ્યું હતું. તો આજે 40 ગ્રામ સોનાનું દાન આવ્યું હતું.

આજે ઉમિયા માતાજીનાં કૂકડા ઉપર સવારીનાં દર્શન થશે
ઉમિયાં માતાજીને રોજ શણગાર બદલાય છે. ગુરુવારે માતાજીની હાથી પર સવારી હતી.જ્યારે શુક્રવારે માંની કૂકડા પર સવારી હશે અને ફૂલોથી આંગી સજાવાશે.

કળિયુગમાં સારી ઉપાસના,આરાધના અને સાધનાથી ભગવાનને પામી શકાય
ઊંઝાના ઉમિયાધામ ખાતે લક્ષચંડી મહોત્સવના બીજા દિવસે ગુરુવારે સવારે ધર્મસભાને સંબોધતાં હરદ્વારથી પધારેલા 1008 મહામંડલેશ્વર ડો.ઉમાકાન્તજી મહારાજે જણાવ્યું કે, આપણે શબ્દોમાં મોર્ડન થયા છીએ પણ સાંસ્કૃતિક રીતે પાછળ રહી ગયા છીએ. તેમણે પ્રેરણા આપી હતી કે કળિયુગમાં પણ મીરાંબાઈ, કબીરજી સહિતના પાત્રો ભગવાનને પામી શક્યા છે, તો આપણે પણ કરી શકીએ છીએ. આ માટે ઉપાસના, સાધના અને આરાધનાનો માર્ગ સમજાવ્યો હતો.
સવારે પ્રથમ સત્રમાં પૂજ્યએ જણાવ્યું કે, મનુષ્ય જીવન દુર્લભ છે, દેવો માટે જે આપણે પામ્યા છીએ ત્યારે મનુષ્યતાથી ભગવાન પ્રાપ્ત થઈ શકે છે. પણ આપણે જીવન વ્યસનો થકી વેડફી નાખીએ છીએ તો ફરીથી તક મળતી નથી. બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા છે ભગવાન આવે છે પણ શબરી જેમ ભક્તિ કરો તો. વેદ માતા ગાયત્રી મંત્ર જાપ કરવાથી ભગવાન સાથે સંબંધ થઈ શકે છે. સાધનાનો અર્થ સમજાવતાં કહ્યું કે, રાવણ મોટો ઉપાસક હતો પણ તેની પાસે સાધના નહોતી. આરાધના ભગવાનની ભક્તિથી થાય છે. ભગવાન કણ કણમાં છે જેને ન માને તેને ઈશ્વર મળી શકતા નથી, સમાજને સારું આપવું અને સારું કરવું તે આપણી આરાધના છે.
આ પહેલાં ઊંઝા સંસ્થાનના ચેરમેન મણિભાઇ મમ્મી, મંત્રી દિલીપભાઇ નેતાજી, મહોત્સવના ચેરમેન બાબુભાઇ જમનાદાસ પટેલ, પ્રોજેક્ટ ચેરમેન મહેન્દ્રભાઇ પટેલ સહિત આગેવાનોએ સ્વાગત કર્યુ હતું. ધર્મસભામાં ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી મહારાજના આશીર્વચન પામ્યા હતા.
લક્ષચંડી યાગ કરવો નાની વાત નથી, પાટીદાર સમાજે દુનિયાને પ્રેરણા આપી
દુર્ગા સપ્તસપ્તિના ત્રણ શ્લોકનું જ પણ દરરોજ પાંચ કે દશ વખત મનન કરવાથી શાશ્વત સુખશાંતિ મળે છે, ત્યારે અહીં ઊંઝા ખાતે એક લાખ પારાયણ કરવામાં આવી રહ્યું છે, તે સનાતન ધર્મમાં નાની ઘટના નથી અને આમ કરીને પાટીદાર સમાજ દ્વારા વિશ્વ સમુદાયને મોટી પ્રેરણા કરી છે તેવા ઉદગાર કર્ણાટકના શારદાપીઠથી પધારેલા પદ્મ પૂજ્ય વી.આર. ગૌરીશંકરજી મહારાજે વ્યક્ત કર્યો ત્યારે સમગ્ર ધર્મસભા ગૃહ તાળીઓ અને ગૌરવથી ગૂંજી ઊઠ્યો હતો.
બપોર બાદ બીજા સેસનમાં સનાતન ધર્મ માટેના દેશોનો પ્રવાસ કરી ચુકેલા પૂજ્ય મહારાજે જણાવ્યું કે, રામાયણ કાળમાં બધા સારા માણસો જ હતા તેવું નથી રાવણ પણ હતો તેથી રામે અવતાર લીધો હતો. રામ ધર્મી અને રાવણ અધર્મી હતા. મહાભારત કાળમાં ધર્મ અને અધર્મ એક જ પરિવારમાં પેદા થયા હતા, તેથી કૃષ્ણનો અવતાર થયો. પણ કળિયુગમાં ધર્મ અને અધર્મ એક જ આદમીના અંદર બેઠેલા છે. માણસ દુરાચારી થવા લાગતાં આદિ શંકરાચાર્ય મહારાજનો જન્મ થયો હતો. જો તેઓ અવતર્યા ન હોત તો આજે આપણે એક સાથે બેસીને સનાતન ધર્મની વાત પણ ન કરી શકતા. સનાતન ધર્મ શરૂઆત કે અંતનથી. તે રિવોલ્વિંગ થયા કરે છે. ધર્મનું રક્ષણ પ્રાર્થના કરવાથી થાય છે. પાટીદાર સમાજ જે યાગ કરી રહ્યો છે તેે કોઇ રાજા મહારાજા પણ કરી નહોતી તેવી દિશા દુનિયાને બતાવી છે તે બદલ સનાતન ધર્મ વતી નમન કરી બિરદાવું છું. ધર્મસભામાં સંસ્થાનના હોદ્દેદારો, મોટી સંખ્યામાં આગેવાનો શ્રદ્ધાળુઓએ હાજર રહી ધર્મલાભ શ્રવણનો લીધો હતો.
છ દર્શનાર્થીઓને ચક્કર આવતા સારવાર અપાઇ
ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે દર્શન કરવા આવેલા છ લોકોને ચક્કર આવતા તેઓ ઢળી પડયા હતા.જેમને 108 મારફતે લક્ષચંડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી સારવાર અપાઈ હતી. ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞના બીજા દિવસે લાખો લોકો દર્શનાર્થે ઉમટી પડયા હતા.જોકે મહાયજ્ઞમાં દર્શન કરવા આવેલા છ લોકોને અચાનક ચકકર આવી જતા ઢળી પડયા હતા. બનાવ મામલે લોકોએ 108 ને જાણ કરી હતી જેથી તમામને 108 મારફતે લક્ષચંડી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા,જ્યાં પ્રાથમિક સારવાર બાદ રજા અપાઇ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular