USમાં એક સાથે 12 વાવાઝોડાં ત્રાટક્યાં, 23નાં મોત; અનેક મકાનો ડૂબ્યા, 40થી વધુ ઘાયલ

0
18

અમેરિકાઃ અમેરિકાના ઇસ્ટર્ન સ્ટેટ અલબામા અને જ્યોર્જિયામાં રવિવારે બપોરે ત્રાટકેલા વાવાઝોડાંમાં એક 8 વર્ષની બાળકી સહિત 23 લોકોનાં મોત થયા છે. લી કાઉન્ટીના પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, રવિવાર સુધી મૃત્યુઆંક 14 હતો જે આજે સોમવાર સુધી 23એ પહોંચ્યો છે. અનેક લોકો ગુમ થયા છે, હજુ પણ મૃત્યુઆંક વધવાની આશંકાઓ છે. પોલીસ અધિકારી જે જોન્સના જણાવ્યા અનુસાર, વાવાઝોડું એટલું ભયાનક હતુ કે, ગણતરીની મિનિટોમાં અડધા માઇલ સુધીનો વિસ્તાર નષ્ટ થઇ ગયો હતો.

અલબામામાં સ્ટેટ ઇમરજન્સી જાહેર
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એક કલાકના અંતરે સ્ટેટમાં બે વાવાઝોડાં ત્રાટક્યા હતા. નેશનલ વેધર સર્વિસના જણાવ્યા અનુસાર, અલબામા અને જ્યોર્જિયામાં રવિવારે બપોર બાદ એક સાથે ડઝન જેટલાં વાવાઝોડાં ત્રાટક્યા હતા. આ અગાઉ વર્ષ 2011માં તુસ્કાલોસા-બર્મિંગહામ વાવાઝોડું ત્રાટક્યું હતું જેમાં 200 લોકોનાં મોત થયા હતા.
વાવાઝોડાંના પગલે અમુક લોકોને ઇસ્ટ અલબામા મેડિકલ સેન્ટર મોકલી આપવામાં આવ્યા છે. અહીં ઘાયલોની સારવાર પણ ચાલી રહી છે. ઓથોરિટીએ કહ્યું કે, હાલમાં રવિવાર સાંજથી ગુમ થયેલા લોકોની તપાસ શરૂ કરવામાં આવી હતી. પરંતુ ખરાબ હવામાનના કારણે રેસ્ક્યૂ ઓપરેશન મોડી રાત બાદ શરૂ કરવામાં આવ્યું હતું.
3.અલબામાના ગવર્નરે અહીં સ્ટેટ ઇમરજન્સી જાહેર કરી છે. પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પણ રવિવારે સાંજે ટ્વીટ કરી આ વાવાઝોડાંમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રહેવાની અપીલ કરી હતી.
અનેક મકાનો નષ્ટ, મોટાંભાગના પ્રોપર્ટીને નુકસાન
વાવાઝોડાંમાં અનેક મકાનો લગભગ ડૂબી ગયા છે, હાલમાં એજન્સીએ તૂટેલા અને ડૂબી ગયેલા મકાનોમાં ફસાયેલા લોકોને બહાર લાવવાની તજવીજ હાથ ધરી છે. જ્યોર્જિયામાં રવિવારે એપાર્ટમેન્ટ બિલ્ડિંગ સહિત અનેક મકાનો પડી ગયા હતા. મકાનોમાં જ ફસાઇ ગયેલા લોકોમાં 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તમામને પગમાં ગંભીર ઇજાઓ થઇ છે.
એકથી વધુ વાવાઝોડાંના વોર્નિંગ જાહેર
અલબામા, જ્યોર્જિયા, ફ્લોરિડા અને સાઉથ કેરોલિનામાં એકથી વધુ વાવાઝોડાંની વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. નેશનલ વેધર સર્વિસ અનુસાર, રવિવારે બપોર બાદ અલબામા અને જ્યોર્જિયામાં ડઝન જેટલાં વાવાઝોડાંની આગાહી કરવામાં આવી હતી.
ટેલિવિઝન પર વાવાઝોડાં બાદના જે ફૂટેજ રિલીઝ કરવામાં આવ્યા છે તેમાં ભારે વરસાદના કારણે પૂરમાં ડૂબી ગયેલા મકાનો, વાવાઝોડાંના કારણે અમુક મકાનોની છતો ઉડી ગઇ હોય, અનેક વાહનો પણ નુકસાનવાળી હાલતમાં જોવા મળી રહ્યા છે. પૂરના પાણીમાં કાટમાળ વહી આવેલો જોવા મળે છે, અનેક વૃક્ષો રસ્તા પર જ ધરાશાયી થયેલા જોવા મળે છે.
35,000થી વધુ લોકો વીજળી વિહોણા
અલબામા અને જ્યોર્જિયામાં 35,000 લોકો વીજળી વિહોણા છે. વાવાઝોડાંની અસર હેઠળ જ્યોર્જિયા સહિત એથેન્સ, ઓગસ્ટા જેટલાં શહેરો પણ છે. હાલ વાવાઝોડું સાઉથ કેરોલિના તરફ આગળ વધી રહ્યું છે. આનાથી ચાર્લ્સટોન અને કોલંબિયામાં પણ નુકસાન થવાની શક્યતાઓ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here