અમેરિકી પ્રતિનિધિએ સીઝફાયર માટે ઈઝરાયલ અને પેલેસ્ટાઈનના અધિકારીઓ સાથે વાતચીત કરી

0
3

અમેરિકાએ સપ્તાહમાં ત્રીજી વખત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને ઈઝરાયલ-પેલેસ્ટાઈન સંઘર્ષ મુદ્દે સંયુક્ત નિવેદન આપતા અટકાવી છે. ઈઝરાયલી મીડિયાએ આ મુદ્દે સંકળાયેલા રાજદ્વારીઓના હવાલાથી આ રિપોર્ટ છાપ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની રવિવારે મળેલી ઈમરજન્સી બેઠક બાદ નોર્વે, ટ્યૂનીશિયા અને ચીને નિવેદન આપ્યું હતું જેમાં બંને પક્ષ પાસેથી સીઝફાયરની માંગ કરવામાં આવી હતી પરંતુ અમેરિકાએ તેને જાહેર ન થવા દીધું. જો કે, અમેરિકી દૂતાવાસે આ મામલે કોઈ ટિપ્પણી નથી કરી.

સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકી રાજદૂત લિંડા થૉમસ ગ્રીનફીલ્ડે દલીલ કરતા કહ્યું હતું કે, અમેરિકા ડિપ્લોમેટિક ચેનલ્સ દ્વારા આ સંઘર્ષનો અંત લાવવા અથાક પ્રયત્ન કરી રહ્યું છે. અમેરિકી પ્રતિનિધિ હૈદી આમર શુક્રવારે તેલ અવીવ પહોંચ્યા હતા તથા સીઝફાયર માટે ઈઝરાયલ અને પેલેસ્ટાઈનના અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે.

ઈઝરાયલના બચાવનો પ્રયત્ન કરવાને લઈને ચીન પણ અમેરિકાને સતત નિશાન પર લઈ રહ્યું છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ યુએનએસસીને 2 વખત સંયુક્ત નિવેદન જાહેર કરતા અટકાવવાને લઈને અમેરિકાની ટીકા કરી હતી. અત્યાર સુધી અમેરિકા તરફથી જેટલા પણ નિવેદન આવ્યા છે તેમાં ઈઝરાયલના હુમલાઓની ટીકા કરવાને બદલે બંને પક્ષોને સંયમ જાળવવાની વિનંતી કરવામાં આવી છે.

પેલેસ્ટાઈનના વિદેશ મંત્રી રિયાદ અલ માલિકીએ પણ ઈઝરાયલનો બચાવ કરનારા દેશોની ટીકા કરી હતી. તેમના કહેવા પ્રમાણે ઈઝરાયલને હંમેશા પેલેસ્ટાઈનીઓ પર અત્યાચાર કરીને બચી જવાની તક આપવામાં આવે છે. આ કારણે જ ઈઝરાયલ પેલેસ્ટાઈનીઓને ઉંઘમાં જ મોતને ઘાટ ઉતારી રહ્યું છે. સાથે જ તેમણે બેઠક બોલાવવા મુદ્દે ચીનનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમના મતે ઈઝરાયલ જેરૂસલેમમાંથી પેલેસ્ટાઈનીઓને મૂળમાંથી ઉખાડી ફેંકવાની યોજના પર કામ કરી રહ્યું છે અને ગાઝા ખાતે તેમનો જીવ લઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here