અમેરિકન પ્રમુખ પદની ચૂંટણી , રશિયા ટ્રમ્પના સમર્થનમાં, ચીન વિરુદ્ધમાં

0
3

વોશિંગ્ટન, તા. 9

અમેરિકામાં નવેમ્બરમાં થનારી પ્રમુખ પદની ચૂંટણી અગાઉ રશિયા ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેનને બદનામ કરવાના પ્રયત્નો કરી રહ્યું છે અને ક્રેમલિન સાથે જોડાયેલા લોકો ઇચ્છે છે કે ડોનાલ્ડ ટ્રમ્પનો ફરીથી વિજય થાય તેમ અમેરિકાના એક ગુપ્તચર અધિકારીએ જણાવ્યું છે.

અમેરિકાના ગુપ્તચર અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ચીન ઇચ્છતું નથી કે ટ્રમ્પ ફરીથી અમેરિકાના પ્રમુખ બને. ચીન પોતાના હિતોના વિરોધી નેતાઓ પર દબાણ બનાવવાના પ્રયત્નો કરી રહ્યું છે.

અમેરિકાના નેશનલ કાઉન્ટરઇન્ટેલિજન્સ એન્ડ સિકિયોરિટી સેન્ટરના પ્રમુખ વિલિયમ ઇવાનિનાએ શુક્રવારે રશિયાના સંબધમાં આ નિવેદન આપ્યું હતું. એવુ માનવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પે ફરીથી પ્રમુખ બનાવવાના રશિયાના પ્રયાસોે સંબધિત અમેરિકન ગુપ્તચર સમુદાયની આ સૌથી સ્પષ્ટ જાહેરાત છે.

ટ્રમ્પ માટે આ એક સંવેદનશીલ વિષય છે અને તેમણે ગુપ્તચર એજન્સીના એ અહેવાલને ફગાવી દીધો છે જેમાં જણાવવામાં આવ્યું હતું કે રશિયાએ ૨૦૧૬ની ચૂંટણીમાં ટ્રમ્પને જીતાડવામાં મદદ કરી હતી.

ઓબામાના કાર્યકાળમાં યુક્રેન સર્મથિત અને રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતીનની વિરુદ્ધ અમેરિકાની નીતિઓમાં ઉપપ્રમુખ તરીકે બિડેનની ભૂમિકા કારણે રશિયા તેમની વિરુદ્ધ છે.

ગુપ્તચર એજન્સીના આ નિવેદન અંગે જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું હતું કે મને લાગે છે કે રશિયા પ્રમુખ પદે જે અંતિમ વ્યકિતને જોવા માગશે તે ડોનાલ્ડ ટ્રમ્પ હશે કારણકે મારી સિવાય કોઇએ રશિયા વિરુદ્ધ આટલુ કડક વલણ અપનાવ્યું નથી.

જો કે ટ્રમ્પ એ વાત પર સંમત થયા હતા કે ચીન ઇચ્છતું નથી કે હું ફરીથી અમેરિકાનો પ્રમુભ બનું. જો બિડેન અમેરિકાના પ્રમુખ હોત તો ચીન અમેરિકાને ચલાવતું.