ઉત્તર પ્રદેશ : ભગવાન શ્રી રામ સાથે સંકળાયેલી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી

0
4

રામરાજ્ય ઉત્તર પ્રદેશમાં ભગવાન શ્રી રામ સાથે સંકળાયેલી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાંદા જિલ્લા ખાતે આવેલા રામ જાનકી મંદિરના એક પુજારીએ કથિત રીતે પ્રશાસન પર ભગવાન શ્રી રામનું આધાર કાર્ડ માંગવાનો આરોપ લગાવ્યો છે. પુજારીના કહેવા પ્રમાણે અતર્રા એસડીએમ સૌરભ શુક્લાએ મંદિર પરિસરમાં ઉગેલા ઘઉંના પાકને સરકારી વેચાણ કેન્દ્રમાં વેચવા માટે શ્રી રામનું આધાર કાર્ડ માંગ્યું હતું.

આધાર કાર્ડ ન દેખાડી શકવા પર ઈ-પોર્ટલ પરથી ઘઉંની ખરીદીનું વેરિફિકેશન રદ્દ કરવામાં આવ્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અતર્રા તહસીલના ખુરહંડ ગામમાં 40 વીઘા જમીનની રજિસ્ટ્રી રામ જાનકી મંદિરના નામે નોંધાયેલી છે. તેમાં પુજારી રામકુમાર દાસ સંરક્ષક તરીકે તમામ કામ સંભાળે છે. પાક વેચીને જે પૈસા મળે છે તેમાંથી જ મંદિરના તમામ વાર્ષિક ખર્ચા પૂરા કરવામાં આવે છે. પરંતુ હવે મંદિરના પુજારી રામકુમાર દાસ એ વાતે પરેશાન છે કે, આખરે તેઓ આધાર કાર્ડ માટે ખેતરના માલિક એટલે કે ભગવાન શ્રી રામના ફિંગર પ્રિન્ટ વગેરે કેવી રીતે કરાવે.

આ મુદ્દે અતર્રાના એસડીએમ (ઉપજિલ્લાધિકારી) સૌરભ શુક્લાનું કહેવું છે કે, તેમણે સરકારની વેચાણ નીતિનો હવાલો આપીને સરકારી વેચાણ કેન્દ્રમાં પાક ખરીદવા સંબંધી અસમર્થતા દર્શાવી હતી. તેમાં ભગવાનનું આધાર કાર્ડ લાવવાની વાત ક્યાંથી આવી એ તો પુજારી જ કહી શકે. આ સાથે જ તેમણે બની શકે આધાર કાર્ડની વાત તેમણે અન્ય સંદર્ભે કહી હોય તેવી સ્પષ્ટતા પણ કરી હતી.

સરકારની ડિજિટલ વેચાણ નીતિના કારણે સરકારી ખરીદ કેન્દ્રમાં ઘઉંનું વેચાણ ભલે સંભવ ન હોય પરંતુ ભગવાન શ્રી રામનું આધાર કાર્ડ માંગવામાં આવે તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યું છે. લોકો એવી ટીખળ પણ કરી રહ્યા છે કે, યુપીના રામરાજ્યમાં કાયદો બધા માટે સમાન છે, પછી ભલે તે ભગવાન શ્રી રામ પોતે જ કેમ ન હોય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here