ઉત્તરાખંડ : ટનલવાળા ડેમ, રસ્તાથી નદીઓ સાંકડી થઇ ગઈ, બાંધકામનો કાટમાળ વિનાશનું કારણ બન્યો

0
10

ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં આડેધડ વિકાસ નદીઓના કુદરતી વહેણને અસર કરી રહ્યો છે. ટનલ આધારિત ડેમ અને પહાડ કાપીને રસ્તા બનાવવાના પ્રોજેક્ટ દેવભૂમિમાં બધે જોવા મળે છે. જેસીબી મશીનોનો અવાજ ચોતરફ સંભળાય છે. કન્સ્ટ્રક્શન કંપનીઓ ઢોળાવ અને નદીઓમાં કાટમાળ ડમ્પ કરી રહી છે. કાટમાળ એટલો કે જેની ગણતરી પણ થઇ શકે નહીં.

ઉત્તરાખંડમાં રસ્તાનું કામ ઝડપભેર ચાલી રહ્યું છે, જેમાં ઓલ વેધર રોડ પ્રોજેક્ટ પણ સામેલ છે, જે યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ વચ્ચે 900 કિ.મી.થી પણ લાંબો છે. ચાર ધામ યાત્રા સુલભ બનાવનારો આ રોડ પ્રોજેક્ટ પણ વિવાદમાં છે. તેનો પાયો ડિસેમ્બર, 2016માં નંખાયો હતો. ઋષિકેશથી કર્ણપ્રયાગ સુધીની રેલ લાઇન પણ આ પ્રોજેક્ટનો જ હિસ્સો છે. અત્યાર સુધીમાં અંદાજે 400 કિ.મી.થી વધુ રસ્તા પહોળા કરવાનું કામ થઇ ચૂક્યું છે. આ મામલે સુપ્રીમકોર્ટે પર્યાવરણના તથા સામાજિક નુકસાનના આકલન માટે હાઇ પાવર એક્સપર્ટ કમિટી પણ રચી છે. સપ્ટેમ્બર, 2020માં સુપ્રીમકોર્ટે કપાયેલાં વૃક્ષોની ભરપાઇ માટે રાજ્ય સરકારને વૃક્ષારોપણ કરવા આદેશ કર્યો હતો. સરકારે સુપ્રીમમાં કહ્યું હતું કે 25 હજાર વૃક્ષો કપાયા છે.

ઉત્તરાખંડ આંદોલન અને સામાજિક નિસબત સાથે જોડાયેલા યોગેશ ભટ્ટ કહે છે, ‘અંદાજે બે-અઢી લાખ વૃક્ષો કપાયા છે. સરકારે ધાર્મિક આસ્થા અને વ્યૂહાત્મક મહત્ત્વની આડમાં રસ્તાની જેટલી પહોળાઇ રાખી તેટલી પહાડમાં બિનજરૂરી છે.’ કોર્ટે માર્ગ પરિવહન મંત્રાલયનો તે પરિપત્ર બહાલ રાખ્યો, જેમાં રસ્તાની પહોળાઇ 5.5થી 7 મી. નક્કી કરાઇ હતી. તે છતાં 10-15 મી. પહોળાઇ પર કામ જારી છે.

રસ્તા બનાવાય તેનો કાટમાળ વરસાદ કે હોનારત વખતે નદીઓમાં તણાતો આવીને વિનાશ સર્જે છે

ઉત્તરાખંડની સ્ટેટ હોર્ટિકલ્ચર એન્ડ ફોરેસ્ટ યુનિ.ના પ્રો. ડૉ. એસ. પી. સતી જણાવે છે કે પહાડોમાં 1 કિ.મી. રસ્તો પહોળો કરવામાં 20થી 60 હજાર ક્યૂબિક મીટર કાટમાળ નીકળે છે. હવે અંદાજ મૂકો કે લગભગ 20 હજાર કિ.મી. રસ્તાનો કેટલો કાટમાળ નીકળે? પહાડી ઢોળાવો પરથી નદીઓ કે ખીણમાં ફેંકી દેવાતો આ કાટમાળ વરસાદ કે હોનારત સમયે પાણી આવતાં નદીઓમાં દારૂગોળાનું કામ કરે છે. પાવર પ્રોજેક્ટ કે આડેધડ બાંધકામો ન હોત તો હોનારતોમાં આટલી જાનહાનિ ન થતી હોત.

સુપ્રીમકોર્ટની હાઇ પાવર કમિટીએ પણ નિયમોની ઉપેક્ષા થયાનું કહ્યું

સુપ્રીમકોર્ટની હાઇ પાવર કમિટીના અધ્યક્ષ રવિ ચોપડાએ ઓક્ટો. 2020માં નિયમોની ઉપેક્ષાનો આક્ષેપ કર્યો. કમિટીના સભ્ય હેમંત ધ્યાનીએ કહ્યું કે જમીન સંપાદનમાં જારી નોટિફિકેશનમાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે 10 મી. પહોળાઇ (ડબલ લેન પેવ્ડ શોલ્ડર સાથે)નો ઉલ્લેખ કર્યો છે પણ તેને સિંગલ લેનમાં લાગુ કરાય છે.

સરકારે ચાલાકીથી નિયમો કોરાણે મૂકી દીધા

ઇઆઇએ એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટના નિયમ 100 કિ.મી. લાંબા રસ્તા માટે બહુ કડક છે. ઓલ વેધર પ્રોજેક્ટમાં ચાલાકીથી તે નેવે મૂકી દેવાયા. સરકારે 900 કિ.મી.નો રસ્તો 100 કિ.મી.થી નાના કેટલાય પ્રોજેક્ટમાં વહેંચી દીધો, જેથી તે પ્રોજેક્ટ્સને કડક નિયમો લાગુ ન પડે. પત્રકાર ચારુ તિવારી જણાવે છે કે સરકારની દાનત જ એ હતી કે નિયમો લાગુ ન થાય.

નેપાળના માર્ગેથી ચીની ઘૂસણખોરીથી પણ સરકારને આ મામલે મદદ મળી

રાજ્ય સરકારને ત્યારે મોટી મદદ મળી કે જ્યારે ચીને ઘૂસણખોરીના પ્રયાસો વચ્ચે નેપાળનો ઉપયોગ કર્યો. બંને દેશની સરહદો ઉત્તરાખંડ સાથે જોડાયેલી છે. તેથી ડિસે. 2020માં કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલય પણ વ્યૂહાત્મક મહત્ત્વ બાબતે રસ્તાની પહોળાઇની તરફેણમાં સુપ્રીમકોર્ટમાં પક્ષકાર બની ગયું. 5.5 મી.થી વધુ પહોળાઇ મામલે સુનાવણી જારી છે.

ચારધામ માર્ગ યોજનાને હોનારત સાથે સંબંધ નહીં

કેન્દ્ર સરકારે બુધવારે સુપ્રીમકોર્ટને જાણ કરી કે ગયા અઠવાડિયે ઉત્તરાખંડમાં આવેલી આફતને ચારધામના રોડ પહોળા કરવાની યોજના સાથે કોઇ સંબંધ નથી. સંરક્ષણ મંત્રાલય વતી એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલે જવાબ આપવા માટે સમય માગ્યો છે જ્યારે હાઇ પાવર કમિટીનું કહેવું છે કે ઉત્તરાખંડની તાજેતરની આફતને ચારધામ રોડ પહોળા કરવાની યોજના સાથે સીધો સંબંધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here