ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં 17 દિવસથી ફસાયેલા 41 શ્રમિકો માટે આજે નવો સુરજ ઉગવાની તૈયારીમાં છે, તમામ શ્રમિકો થોડા સમયમાં જ બહાર આવશે. NDRF-SDRF, ઉત્તારખંડ પોલીસ, વહિવટી તંત્ર સહિતની ટીમ દ્વારા અથાગ મહેનત બાદ શ્રમિકોને ટનલમાંથી સફળતાપૂર્વક બહાર કાઢવાની કામગીરી ઝડપી બનાવાઈ છે. હાલ શ્રમિકોના પરિવારજનો ટનલ પાસે પહોંચી ગયા છે. શ્રમિકો બહાર આવવાની સાથે જ તેમનું ફુલહારથી સ્વાગત કરવામાં આવશે. ટનલ પાસે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, કેન્દ્રીય મંત્રી જનરલ વીકે સિંહ (નિવૃત્ત), PMOના ભૂતપૂર્વ સલાહકાર ભાસ્કર ખુલબે અને ભૂતપૂર્વ એન્જિનિયર-ઈન-ચીફ અને BRO DG લેફ્ટનન્ટ જનરલ હરપાલ સિંહ (નિવૃત્ત) પણ સ્થળ પર ઉપસ્થિત છે. તમામ શ્રમિકો 8 રાજ્યોના હોવાનું પણ કહેવાય છે.ઉલ્લેખનિય છે કે, ટનલ સત્તાવાળાઓએ અગાઉ જાહેર કરેલી યાદી મુજબ આ 41 શ્રમિકોમાં બિહારના 5, ઝારખંડના 15, ઉત્તરપ્રદેશના 8, ઓડિશાના 5, પશ્ચિમ બંગાળના 3 અને ઉત્તરાખંડ-આસામના 2-2, જ્યારે હિમાચલ પ્રદેશના 1 શ્રમિકનો સમાવેશ થાય છે. હાલ ટનલની બહાર એમ્બ્યુલન્સની પણ ખડેપગે ઉભી છે, જેમાં તમામ શ્રમિકોને ચિન્યાલીસૌડની હોસ્પિટલ ખસેડાશે, જ્યાં તેમની આરોગ્ય તપાસ કરવામાં આવશે. હાલ સ્થળ પર મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સહિતના અધિકારીઓ ઉપસ્થિત છે. તો ટનલની બહાર આર્મી સહિત પોલીસ કાફલો પણ ખડકી દેવાયો છે.
આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને ફરી ફોન કરીને ટનલમાં ફસાયેલા મજૂરોની રાહત અને બચાવ કાર્ય અંગે માહિતી લીધી હતી. તેમણે કહ્યું હતું કે અંદર ફસાયેલા કામદારોની સુરક્ષાની સાથે બહાર રાહત કાર્યમાં લાગેલા લોકોની સુરક્ષા માટે પણ ખાસ કાળજી લેવી જોઈએ. આજે સવારે માઈનીંગ વચ્ચે સિલ્ક્યારામાં વરસાદ શરૂ થયો હતો. આવી સ્થિતિમાં બચાવ કાર્યમાં લાગેલી ટીમોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જોકે વરસાદ રોકાઈ ગયા બાદ સૌકોઈએ રાહતના શ્વાસ લીધા હતા. જણાવી દઈએ કે આજે રાજ્યના પહાડી વિસ્તારો, ઉત્તરકાશી, ચમોલી અને પિથોરાગઢમાં છૂટાછવાયા સ્થળોએ હળવા અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. 3500 મીટરથી વધુની ઉંચાઈ પર હિમવર્ષા થવાની સંભાવના છે.