વેક્સિનેશન અંગે સલાહ : કોરોનાની ઝપેટમાં આવી ગયેલા લોકોને વેક્સિન આપવાની જરૂર નથી

0
0

મોટા પાયે આડેધડ અને અધૂરા રસીકરણથી કોરોનાવાઈરસના નવા મ્યુટન્ટ સ્ટ્રેન્સ બનવાની શરૂઆત થઈ શકે છે. આ ચેતવણી દેશના જાણીતા હેલ્થ એક્સપર્ટ્સના એક સમૂહે આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપવામાં આવેલા એક રિપોર્ટમાં આ નિષ્ણાતોએ સલાહ આપી છે કે કોરોનાની ઝપેટમાં આવી ગયેલા લોકોને વેક્સિન આપવાની જરૂર નથી.

સમૂહનું કહેવું છે કે, મોટા પાયે વેક્સિનેશનની જગ્યાએ માત્ર તે લોકોને વેક્સિનેટ કરવા જોઈએ જે સંવેદનશીલ અને જોખમવાળી કેટેગરીમાં છે. વર્તમાન પરિસ્થિતિમાં યુવાનો અને બાળકોને તરત વેક્સિન આપવી એ કોઈ ફાયદાકારક સોદો નથી. તેનાથી જરૂરિયાતમંદ લોકોને વેક્સિન લેવામાં મુશ્કેલી થઈ શકે છે. આ નિષ્ણાતોમાં AIIMSના ડૉક્ટર અને કોવિડ-19 નેશનલ ટાસ્ક ફોર્સના મેમ્બર પણ સામેલ છે.

ઈન્ડિયન પબ્લિક હેલ્થ એસોસિએશન (IPHA), ઈન્ડિયન એસોસિએશન ઓફ એપિડેમિલોજિસ્ટ્સ (IAE) અને ઈન્ડિયન એસોસિએશન ઓફ પ્રીવેન્ટિવ એન્ડ સોશિયલ મેડિસિન (IAPSM)ના આ નિષ્ણાતોએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, દેશમાં મહામારીની વર્તમાન પરિસ્થિતિમાં બાળકો સહિત તમામ ઉંમરના લોકોની જગ્યાએ આપણી વેક્સિનેશન પોલિસી મહામારીના ડેટા પર આધારિત હોવી જોઈએ.

જાણો સરાકરી નિષ્ણાતોએ પ્રધાનમંત્રી મોદીને શું સલાહ આપી છે…

1. મર્યાદિત વેક્સિન એક સત્ય, યુવાનો માટે રસી ફાયદાકારક નથીઃ તમામ પુખ્ત વયના લોકોને વેક્સિન આપવી સૌથી સારી સ્થિતિ છે, પરંતુ હકીકત એ છે કે આપણે મર્યાદિત વેક્સિનની સાથે એક મહામારીની વચ્ચે છીએ. આવી સ્થિતિમાં આપણું ધ્યાન મૃત્યુ દર ઘટાડવા પર હોવું જોઈએ, જે ખાસ કરીને વૃદ્ધો, બીમાર અને મેદસ્વિતાનો ભોગ બનેલા લોકો માટે જોખમ સાબિત થઈ રહ્યું છે. હાલની મર્યાદાઓને જોતાં યુવાનોને બધા લોકોની સાથે વેક્સિન આપવી તે ખર્ચના હિસાબથી પણ લાભકારી નથી.

2. બાળકોના વેક્સિનેશનનો ડેટા નથીઃ ડેટા ઓછી ઉંમરના પુખ્ત વય અને બાળકોના તરત રસીકરણની જરૂરિયાતને પ્રતિબિંબિત કરતા નથી. તેની પાછળ થતાં ખર્ચનો સંપૂર્ણ ફાયદો નહીં મળે. તમામ લોકો માટે વેક્સિનેશન શરૂ કરવાથી જોખમવાળી વસ્તી સુધી રસી પહોંચવામાં વિલંબ થશે.

3. ઈન્ફેક્શન ઝડપી, વેક્સિનેશન ધીમુંઃ એ વાતની સંભાવના ઘણી ઓછી કે તમામ પુખ્ત વયના લોકોને રસી આપવાની આપણી યોજના, યુવાન વસ્તીમાં ફેલાઈ રહેલા ઈન્ફેક્શનને ઝડપથી પાછળ છોડી શકે.

4. કોરોના થયો હોય તો બાદમાં રસીઃ જેમને કોરોના થઈ ગયો છે, તેમને વેક્સિન લેવાની જરૂર નથી. આવા લોકોને એ વાતના પુરાવા મળ્યા બાદ વેક્સિન આપવી જોઈએ કે પ્રાકૃતિક રીતે ઈન્ફેક્શન બાદ વેક્સિન ફાયદાકારક છે.

5. વેક્સિન શિડ્યુઅલઃ વેક્સિન ક્યારે અને કેટલા દિવસના અંતરમાં આપવી જોઈએ, તે વિસ્તાર અને વસ્તી (જેમ કે વૃદ્ધ અથવા બીમાર)માં કોરોના અથવા કોઈ ખાસ વેરિઅન્ટ્માં વધારો થવાના હિસાબથી નક્કી હોવું જોઈએ. ઉદાહરણ તરીકે, જે વિસ્તારમાં ડેલ્ટા વેરિઅન્ટ ઝડપથી ફેલાઈ રહ્યું હોય, ત્યાં કોવિશીલ્ડનો બીજો ડોઝ ઓછામાં ઓછા અંતરાળમાં આપવો જોઈએ. જેમ કે-વૃદ્ધો અને બીમાર લોકોને કોવિશીલ્ડના બંને ડોઝ 82 દિવસની જગ્યાએ ઓછા દિવસની અંદર આપવો જોઈએ.

6. મર્યાદિત સંસાધનો વેરવિખેર કરશો નહીંઃ એક સાથે તમામ મોરચા ખોલવાથી આપણા બધા સંસાધન એટલા વેરવિખેર થઈ જશે કે સમગ્ર વસ્તીના હિસાબથી તેની અસર ઓછી પડશે.

7. નવા વેરિઅન્ટને પ્રોત્સાહન મળશે: એક્સપર્ટ્સના અનુસાર, મોટાપાયે આડેધડ અને અધૂરા રસીકરણ કોરોનાવાઈરસના નવા મ્યુટન્ટ્સના જન્મને પ્રોત્સાહન આપી શકે છે.

8. વેક્સિનેશન ન તો આડેધડ થવું જોઈએ, ન તેને રોકવુંઃ વેક્સિન કોરોનાની વિરુદ્ધ એક મજબૂત અને શક્તિશાળી હથિયાર છે અને ન તો તેને બાકી હથિયારીની જેમ રોકવું જોઈએ અને ન તો આડેધડ ઉપયોગ કરવો જોઈએ. ખર્ચનો મહત્તમ લાભ મેળવવા માટે તેની વ્યૂહાત્મક રીતે યોજના ઘડવી જોઈએ.

દરેક જિલ્લામાં સીરો સર્વે, જોખમની ખબર પડશે
રિપોર્ટમાં કોરોનાની બીજી લહેર બાદ દરેક જિલ્લામાં રિયલ ટાઈમ લોકલ સીરો સર્વે કરવાની સલાહ આપવામાં આવી છે.

  • સીરો સર્વેમાં લોકોના બ્લડ સેમ્પલ લઈને તેમનામાં કોરોનાવાઈરસની વિરુદ્ધ એન્ટિબોડીઝની હાજરી તપાસવામાં આવે છે. વેક્સિનેશન વગર કોઈપણ વ્યક્તિના લોહીમાં એન્ટિબોડીઝ હોવાનો અર્થ છે કે તેને કોરોના સંક્રમણ થઈ ગયું છે.
  • નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, તેનાથી જિલ્લામાં કોરોનાનું જોખમ જાણી શકાશે અને વેક્સિનેશનની સ્ટ્રેટજી નક્કી કરી શકાશે.
  • આવા સીરો સર્વે કોરોના બાદ પેદા થતી ઈમ્યુનિટીનો સમય જાણવા, ફરીથી ઈન્ફેક્શનના કેસ શોધી કાઢવામાં, ઈન્ફેક્શનની ગંભીરતા અને પરિણામોને રેકોર્ડ કરવામાં મદદગાર થશે જે લાંબા સમયની નીતિ નક્કી કરવામાં મદદરૂપ થશે.

સીરો સર્વેમાં જો 70% પોઝિટિવ હોય તો લોકડાઉન ન હોવું જોઈએ
એક્સપર્ટ સમૂહનું કહેવું છે કે જો જિલ્લા સ્તરે નેચરલ ઈન્ફેક્શન અને વેક્સિનેશન, બંને કારણે 70% સેમ્પલમાં એન્ટિબોડી જોવા મળે છે તો ત્યાં કોઈપણ પ્રકારનું લોકડાઉન ન હોવું જોઈએ. આવા જિલ્લાઓમાં સામાન્ય જીવનને પુન: સ્થાપિત કરવાના પ્રયત્નો થવા જોઈએ.

સીરો સર્વેના પરિણામોથી એ પણ નક્કી કરી શકાશે કે કયા જિલ્લામાં પહેલા વેક્સિનેશન થવું જોઈએ. એટલે કે, જે જિલ્લામાં seroprevalence ઓછું છે ત્યાં વેક્સિનેશનની પ્રાથમિકતા ઉપર હોવી જોઈએ.

જિનોમ સિક્વન્સિંગને 3% સુધી લઈ જવા જરૂરી
ઘણા પ્રકારના કોરોના વેરિઅન્ટ્સને ભારતમાં બીજી લહેર માટે જવાબદાર માનવામાં આવી રહ્યા છે, તેમ છતાં દેશમાં 1%થી પણ ઓછા પોઝિટિવ સેમ્પલના જિનોમ સિક્વન્સિંગ થયા છે. દર 1000 કેસોમાં પણ તેનો દર ઘણો ઓછો છે.

  • એક્સપર્ટ્સનું કહેવું છે કે, વર્તમાન પરિસ્થિતિમાં 5% પોઝિટિવ સેમ્પલના જીનોમ સિક્વન્સિંગના ટાર્ગેટને પ્રાપ્ત કરવો એક મોટો પડકાર છે, પરંતુ ઓછામાં ઓછા 3%ના આંકડા સુધી પહોંચવું પડશે.
  • રિપોર્ટમાં 10 નેશનલ લેબોરેટરીએ મળીને SARS-CoV-2 જિનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG)ના ગઠનની પ્રશંસા કરવામાં આવી છે. જો કે, તેમાં 17 વધુ લેબોરેટરીને જોડવાની સલાહ આપવામાં આવી છે.
  • જિનોમ સિક્વન્સિંગથી એ જાણી શકાશે કે કયા વેરિઅન્ટથી કયા વિસ્તાર અને કયા પ્રકારની વસ્તીમાં કેટલું ઝડપથી ફેલાઈ રહ્યું છે. પરંપરાગત પદ્ધતિઓ દ્વારા આ શોધવું મુશ્કેલ છે.

ગામડા-કસ્બામાં કોરોના તપાસ સુવિધાઓ ઘણી ઓછી
નિષ્ણાતોના અનુસાર, ગામડા-કસ્બામાં કોરોના તપાસની સુવિધા ઘણી ઓછી છે. આવી સ્થિતિમાં તમામ લક્ષણવાળા બધા દર્દીઓનું સમયસર પરીક્ષણ કરવું શક્ય નથી. આવી સ્થિતિમાં, શ્રેષ્ઠ ઉપાયમાં ક્લિનિકલ લક્ષણોના આધારે કોરોના દર્દીઓની ઓળખ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

કોરોના તપાસ દરમિયાન વેક્સિનેશનની જાણકારી એકત્રિત કરવી
સમૂહ દ્વારા કોરોનાનો RT-PCR અને RAT ટેસ્ટ કરાવનાર તમામ લોકોના વેક્સિનેશનની સંપૂર્ણ જાણકારી જમા કરવાની સલાહ આપવામાં આવી છે.

આ જાણકારીનું સમયાંતરે વિશ્લેષણ થવું જોઈએ જેથી તે જાણી શકાય કે કોરોના વેક્સિનેશન બાદ કેટલાક લોકો પોઝિટિવ થયા? કેટલા લોકોને ગંભીર બીમારીનો સામનો કરવો પડ્યો અને કેટલા લોકોનું મૃત્યુ થયું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here